રહેણાક મકાન વેચવામાં આવે અને કરદાતા એમાં મળેલા કૅપિટલ ગેઇન (મૂડીલાભ)ની રકમનું પુનઃ રોકાણ અન્ય રહેણાક મકાનની ખરીદીમાં કરે તો આવકવેરા કાયદો ચોક્કસ કરમુક્તિ (એક્ઝૅમ્પ્શન) પ્રદાન કરે છે
ટેક્સ રામાયણ
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
રહેણાક મકાન વેચવામાં આવે અને કરદાતા એમાં મળેલા કૅપિટલ ગેઇન (મૂડીલાભ)ની રકમનું પુનઃ રોકાણ અન્ય રહેણાક મકાનની ખરીદીમાં કરે તો આવકવેરા કાયદો ચોક્કસ કરમુક્તિ (એક્ઝૅમ્પ્શન) પ્રદાન કરે છે. આવી મુક્તિ આવકવેરા કાયદાની કલમ ૫૪ હેઠળ ઉપલબ્ધ છે.
ચાલો, આવી કરમુક્તિનો દાવો કરવા માટે લાગુ પડતી શરતોને વિગતવાર સમજીએ...
ADVERTISEMENT
૧. આ લાભ માત્ર વ્યક્તિગત અથવા એચયુએફ કરદાતાઓ માટે જ ઉપલબ્ધ છે.
૨. વેચાયેલી સંપત્તિ રહેણાક મકાન હોવી જોઈએ.
૩. વેચાયેલી સંપત્તિ લૉન્ગ ટર્મ કૅપિટલ ઍસેટ હોવી જોઈએ (૨૫ મહિનાથી વધુ સમયગાળા માટે રખાયેલી રહેણાક મિલકત લૉન્ગ ટર્મ કૅપિટલ ઍસેટ ગણવામાં આવે છે)
૪. ખરીદાયેલી ઍસેટ રહેણાક મકાન હોવી જોઈએ.
૫. જૂના ઘરની ટ્રાન્સફરની તારીખના એક વર્ષ પહેલાં અથવા બે વર્ષના સમયગાળાની અંદર, કરદાતાએ અન્ય રહેણાક મકાનની ખરીદી કરવી જરૂરી છે અથવા જૂના ઘરની ટ્રાન્સફરની તારીખથી ત્રણ વર્ષના સમયગાળાની અંદર રહેણાક મકાન બાંધવું જરૂરી છે.
૬. ખરીદેલું/બાંધેલું રહેણાક મકાન ભારતની અંદર હોવું જોઈએ.
કલમ ૫૪ અને કલમ ૫૪એફનો પ્રાથમિક ઉદ્દેશ આવાસની તીવ્ર અછતને હળવી કરવાનો અને મકાન બનાવવાની પ્રવૃત્તિને વેગ આપવાનો હતો. જોકે, એવું જોવામાં આવ્યું છે કે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ આ જોગવાઈઓ હેઠળ ખૂબ જ મોંઘાં રહેણાક મકાનો ખરીદીને જંગી કરમુક્તિના દાવા કરે છે. આને કારણે આવકવેરા ખાતાએ રાખેલો ઉદ્દેશ બર આવતો નથી. આથી, ૨૦૨૩-’૨૪ના બજેટમાં મહત્તમ કરમુક્તિ ૧૦ કરોડ રૂપિયા રાખવામાં આવી છે.
ચાલો જોઈએ શ્રીમતી રાજવી શાહનો કિસ્સો. શ્રીમતી રાજવી છેલ્લાં ૧૦ વર્ષથી રહેણાક મકાન A ધરાવે છે. એમણે ૧ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ ૧૧ કરોડ રૂપિયાની કિંમતનું નવું રહેણાક મકાન B ખરીદ્યું. શ્રીમતી રાજવી ૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ઘર Aને ૨૦ કરોડ રૂપિયામાં વેચે છે. આ વેચાણ પર ઉદ્ભવતો કૅપિટલ ગેઇન ૧૩ કરોડ રૂપિયા થાય. તેઓ માને છે કે ઘર Aની ટ્રાન્સફરમાંથી મળેલા કૅપિટલ ગેઇન સંદર્ભે કલમ ૫૪ હેઠળ એક્ઝૅમ્પ્શન માટેનો દાવો કરી શકાય છે, કારણ કે ઘર B એક વર્ષ પહેલાંની અથવા બે વર્ષ પછીની જે સમયમર્યાદા રાખવામાં આવી છે એની અંદર ખરીદવામાં આવ્યું છે. તેઓ માને છે કે ૧૩ કરોડ રૂપિયાના મૂડીલાભમાંથી ૧૧ કરોડ રૂપિયાની છૂટ મળશે અને ૨ કરોડ રૂપિયા કરપાત્ર હશે.
આ પણ વાંચો: નવી કરવ્યવસ્થામાં હાઉસિંગ લોનના વ્યાજનું સેટ ઑફ મળે નહીં ત્યારે બીજો કયો વિકલ્પ?
એ નોંધવું ઘટે કે કૅપિટલ ગેઇન્સ અથવા અન્ય મકાનની ખરીદી/બાંધકામમાં રોકાણ કરેલ રકમ, એ બેમાંથી જે રકમ ઓછી હોય એટલા પ્રમાણમાં એક્ઝૅમ્પ્શન આપવામાં આવશે. હવે એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો ખરીદેલી નવી સંપત્તિની કિંમત ૧૦ કરોડ રૂપિયાથી વધુ હશે તો પણ એની કિંમત ૧૦ કરોડ ગણવામાં આવશે. આ રીતે કરવેરાની છૂટ ૧૦ કરોડ રૂપિયા સુધી મર્યાદિત રહેશે. આમ, ખરીદેલું નવું મકાન ૧૧ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું હોવા છતાં એની કિંમત ૧૦ કરોડ રૂપિયા જ ગણવામાં આવશે અને ઉપરના ૩ કરોડ રૂપિયા કરપાત્ર બનશે.
આવી પરિસ્થિતિઓમાં, કલમ ૫૪ઈસી તમારા બચાવમાં આવી શકે છે. જ્યારે તમે કોઈ જમીન અથવા મકાન (અથવા બન્ને) વેચો છો અને ચોક્કસ લૉન્ગ ટર્મ કૅપિટલ ઍસેટમાં રોકાણ કરો છો ત્યારે તમે અહીં જણાવ્યા મુજબની શરતોને આધીન રહીને કૅપિટલ ગેઇનના એક્ઝૅમ્પ્શનનો દાવો કરી શકો છો...
૧. વેચાયેલી સંપત્તિ જમીન/મકાન હોવી આવશ્યક છે.
૨. વેચાયેલી સંપત્તિ લૉન્ગ ટર્મ કૅપિટલ ઍસેટ હોવી જોઈએ (૨૪ મહિના કરતાં વધુ હોલ્ડિંગ પિરિયડ)
૩. નિશ્ચિત લૉન્ગ ટર્મ કૅપિટલ ઍસેટનો હોલ્ડિંગ પિરિયડ ઓછામાં ઓછો પાંચ વર્ષ હોવો જોઈએ
૪. વેચાણના ૬ મહિનાની અંદર રકમનું રોકાણ કરવું જોઈએ.
૫. કરદાતા નાણાકીય વર્ષ દરમ્યાન કરવામાં આવેલા ૫૦ લાખ રૂપિયાથી વધુના રોકાણની કપાતનો દાવો કરી શકતા નથી, જેમાં તે પછીના નાણાકીય વર્ષમાં કરવામાં આવેલાં રોકાણોનો પણ સમાવેશ થાય છે.
નિશ્ચિત લૉન્ગ ટર્મ કૅપિટલ ઍસેટ એટલે નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) અને રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કૉર્પોરેશન લિમિટેડ (REC) દ્વારા જારી કરાયેલાં પાંચ વર્ષની મુદતના રિડીમેબલ બૉન્ડ.
કરદાતાને લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇનની રકમ અને નિશ્ચિત લૉન્ગ ટર્મ કૅપિટલ ઍસેટમાં રોકવામાં આવેલી રકમ એ બન્નેમાંથી જે રકમ ઓછી હશે એટલા જ પ્રમાણમાં એક્ઝૅમ્પ્શન મળશે.
એથી ઉપરના ઉદાહરણમાં, શ્રીમતી રાજવી ઘર Aના વેચાણના છ મહિનાની અંદર NHAI/REC બૉન્ડમાં ૫૦ લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે અને એ મુજબ કરપાત્ર મૂડીલાભ ઘટીને ૨.૫ કરોડ રૂપિયા થઈ જશે.
સવાલ તમારા…
પ્રશ્ન: જો હું ડિસેમ્બર ૨૦૨૩માં ૨૫ કરોડ રૂપિયામાં હાઉસ પ્રૉપર્ટી A વેચું અને ૧૪ કરોડ રૂપિયાનો લાંબા ગાળાનો મૂડીલાભ મળે તથા ૩૧ જુલાઈ ૨૦૨૪ (રિટર્ન ફાઇલ કરવાની તારીખ)ના રોજ સુધીમાં ઘર B હજી સુધી ખરીદાયું નથી. શું હું કૅપિટલ ગેઇન અકાઉન્ટ સ્કીમમાં ૧૪ કરોડ રૂપિયાનું રોકાણ કરીને ૫૪ હેઠળ એક્ઝૅમ્પ્શન માટે ક્લેમ કરી શકું?
ઉત્તર ઃ તમારા કિસ્સામાં બે વર્ષનો સમયગાળો ડિસેમ્બર ૨૦૨૫માં અને ૩ વર્ષનો સમયગાળો ડિસેમ્બર ૨૦૨૬માં પૂરો થાય છે. તમે કૅપિટલ ગેઇન અકાઉન્ટ સ્કીમમાં રોકાણ કરી શકો છો અને કરમુક્તિનો દાવો કરી શકો છો. જોકે, નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪થી મહત્તમ મુક્તિ ૧૦ કરોડ રૂપિયા સુધી મર્યાદિત રાખવામાં આવી છે. એથી તમે ૧૦ કરોડ રૂપિયાના કૅપિટલ ગેઇન માટે કરમુક્તિનો દાવો કરી શકો છો. બાકીની ૪ કરોડ રૂપિયાની રકમ કરપાત્ર રહેશે.