જો આપણે જીવન વીમાની જરૂરિયાતને કેન્દ્રમાં રાખીને પરિવારમાં ચર્ચા કરીએ તો સહેલાઈથી સર્વસંમતિ સાધી શકાય છે.
વીમાની વાત
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
હાલ ૬૮ વર્ષના સમીરકાકા ૧૮ વર્ષના હતા ત્યારથી જ જીવન વીમામાં રસ લેવા લાગ્યા હતા. આ ઉંમરે તેઓ સર્વાઇવલ બેનિફિટનો લાભ લઈ રહ્યા છે. જોકે તેમના દીકરા સાહિલને જીવન વીમામાં જરા પણ રુચિ નથી. તેનું કહેવું છે કે વર્ષો સુધી જીવન વીમામાં પૈસા ભર્યા પછી આખરે એમાં મળતા વળતરનું મૂલ્ય ફુગાવાને કારણે ઘણું ઘટી ગયેલું હોય છે.
ઉપરોક્ત ઉદાહરણ જેવું બે પેઢીઓ વચ્ચેના વિચારનું અંતર ઘણાં ઘરોમાં હોય છે. સમીરકાકાના ઉદાહરણથી વિપરીત નર્મદાશંકરકાકાના ઘરમાં તેમનો દીકરો સતીશ વીમા પૉલિસી લેવાનું કહે છે અને નર્મદાશંકર એના માટે ના પાડે છે.
ADVERTISEMENT
આજની આપણી વાત આ મુદ્દા પર આધારિત છે.
ઉદ્દેશ્ય આધારિત ખરીદી
સૌથી પહેલાં તો એ કહેવાનું કે કોઈ પણ નાણાકીય પ્રોડક્ટ યોગ્ય ઉદ્દેશ્ય વગર ખરીદવાની હોતી નથી. વર્ષો પહેલાં એવી સ્થિતિ હતી કે લોકો એકની એક કંપનીમાં ત્રણ-ચાર દાયકા કામ કરીને નિવૃત્ત થતા. એને કારણે તેઓ સહેલાઈથી બચત અને રોકાણ કરી શકતા અને નિવૃત્તિકાળ વખતે તેમની પાસે સારી એવી રકમ જમા રહેતી. એ વખતમાં લેવાયેલી જીવન વીમા પૉલિસી શિસ્તબદ્ધ બચતના રોકાણનું સાધન હતી. સમય બદલાતાં લોકો હવે જલદી-જલદી નોકરી બદલે છે અને નિવૃત્તિકાળમાં વધુ સારી જીવનશૈલી રાખવા માગે છે. હવે કોઈ વ્યક્તિ નિવૃત્તિકાળમાં મોટું ભંડોળ એટલે કે સર્વાઇવલ બેનિફિટ મળે એ દૃષ્ટિએ વિચાર કરતી નથી. હવે ટર્મ ઇન્શ્યૉરન્સનો મહિમા વધી ગયો છે.
આ પણ વાંચો : નવું નાણાકીય વર્ષ અને જીવન વીમો
જરૂરિયાત આધારિત નિર્ણય
ખરું પૂછો તો આપણે ફક્ત વીમા પૉલિસીઓ અને પ્રીમિયમની વાત કરીએ તો જનરેશન ગૅપ દેખાય છે. જો આપણે જીવન વીમાની જરૂરિયાતને કેન્દ્રમાં રાખીને પરિવારમાં ચર્ચા કરીએ તો સહેલાઈથી સર્વસંમતિ સાધી શકાય છે. આજે ૨૫-૩૦ વર્ષના કોઈ દંપતીને સંતાનનાં લગ્નના લક્ષ્ય માટે પૉલિસી લેવાનું કહીએ ત્યારે દંપતી એમ કહે છે કે આજકાલનાં બાળકો ક્યાં અને કેવી રીતે લગ્ન કરશે એ કંઈ નક્કી નહીં હોવાથી એના માટે કોઈ પૉલિસી લેવાની જરૂર જ નથી. એક સમયે ફરજિયાત બચત થતી હોવાથી વીમાનો ઉપયોગ કરવામાં આવતો હતો. પહેલાં દસેક લાખ રૂપિયાની પૉલિસી તો ઘણી મોટી લાગતી, પણ હવે એક કરોડ રૂપિયાનો વીમો સામાન્ય બની ગયો છે. જોકે અગાઉ કહ્યું એમ જીવન વીમાની રકમ નક્કી કરતી વખતે હ્યુમન લાઇફ વૅલ્યુને ગણતરીમાં લેવાની હોય છે. ફુગાવો, વધતા પગાર જેવાં પરિબળોને લીધે હ્યુમન લાઇફ વૅલ્યુ બદલાઈ ગઈ છે. જો આપણે પાંચ લાખ રૂપિયા અને એક કરોડ રૂપિયાની પૉલિસી વચ્ચે તુલના કરીએ તો એ ખોટી તુલના કરી કહેવાય.
ટેક્નૉલૉજીનો ઉપયોગ
વીમા ક્ષેત્રે આવેલું વધુ એક પરિવર્તન એટલે પૉલિસી ખરીદવા અને વેચવા માટે થતો ટેક્નૉલૉજીનો ઉપયોગ. હવે દરેક વ્યક્તિ અલગ-અલગ કંપનીઓની પૉલિસીઓની તુલના કરીને પૉલિસી ખરીદવાનો નિર્ણય લઈ શકે છે. જોકે ફક્ત પ્રીમિયમની રકમ જોઈને આ તુલનાને આધારે નિર્ણય લેવાનો હોતો નથી. વીમા કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો, પૉલિસી અમલી રહેવાની મહત્તમ ઉંમર વગેરે અનેક પરિબળોને આધારે પૉલિસી ખરીદવાની હોય છે.
જીવન વીમા પૉલિસી બાબતે ‘અસલી મજા સબ કે સાથ આતા હૈ’ એ સૂત્ર લાગુ કરીએ તો કહી શકાય કે પરિવારમાં બધા ભેગા બેસીને આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લે તો ઘણું જ સારું કહેવાય. આ રીતે જનરેશન ગૅપ અને કુટુંબની આર્થિક સ્થિતિમાં રહી જનારો ગૅપ એ બન્નેને નિવારી શકાય છે.