Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > કોઈ પણ સ્ટૉકનું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં રાખવા લાયક બાબતો

કોઈ પણ સ્ટૉકનું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં રાખવા લાયક બાબતો

Published : 26 June, 2023 03:20 PM | IST | Mumbai
Khyati Mashru Vasani

જે કોઈ કંપનીનો સ્ટૉક માર્કેટમાં ટ્રેડ થતો હોય અને તમે એની વૅલ્યુને લઈને એક અંદાજ બાંધ્યો હોય તેમ જ તમને એમ લાગતું હોય કે તમારો અંદાજ બજારમાં બાકી લોકોએ મૂકેલા અંદાજ કરતાં વધુ સારો છે તો આ એક વિશ્વાસને કારણે છે.  

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ફાઇનૅન્સ પ્લાન

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


માર્કેટમાં રોકાણ કરવાની પ્રક્રિયા સરળ બની શકે છે. જો કંપનીને એના બિઝનેસને સમજીને લાંબા ગાળા માટે રોકાણ કરીએ તો નુકસાન ખમવાનો વારો મોટે ભાગે નથી આવતો, પરંતુ આવી રીતે રોકાણ કરવા માટે થોડીક પાયાની સમજણ વિકસાવવાની જરૂર હોય છે. આવો, આ લેખમાં આપણે કંપનીનું મૂલ્યાંકન કરવા માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ એ વિશે જાણીએ. 


વિશ્વાસ રાખો



કોઈ એક ચોક્કસ સ્ટૉકની વૅલ્યુને લઈને બજારમાં મોટા ભાગના લોકોનો એકસરખો અંદાજ હોય છે. જે કોઈ કંપનીનો સ્ટૉક માર્કેટમાં ટ્રેડ થતો હોય અને તમે એની વૅલ્યુને લઈને એક અંદાજ બાંધ્યો હોય તેમ જ તમને એમ લાગતું હોય કે તમારો અંદાજ બજારમાં બાકી લોકોએ મૂકેલા અંદાજ કરતાં વધુ સારો છે તો આ એક વિશ્વાસને કારણે છે.  
મૂલ્યાંકન કરવું અને પછી એ આધાર પર એ સ્ટૉકમાં રોકાણ કરવું એ બન્ને માટે વિશ્વાસ જરૂરી છે. તમને ખબર નથી હોતી કે તમે સ્ટૉકનું જે મૂલ્યાંકન કર્યું છે એ મૂલ્યાંકન યોગ્ય નીવડશે કે નહીં. તમારું કરેલું મૂલ્યાંકન મોટા ભાગના લોકોએ મૂકેલા મૂલ્યાંકનથી અલગ હોય છે એટલે એને આધારે એ સ્ટૉકમાં રોકાણ કરવા માટે વિશ્વાસ હોવો જરૂરી છે. વૅલ્યુ ઍનલિસ્ટો હોવાનો દાવો કરનારા મોટા ભાગના લોકોને પોતે કરેલા મૂલ્યાંકન ઉપર ભરોસો હોતો નથી.      
એક સારો ઍનલિસ્ટ એ સ્વીકાર કરીને આગળ વધે છે કે તેણે મૂકેલો મૂલ્યાંકનનો અંદાજ ખોટો પડી શકે છે. મને પોતાને ક્યારેય મૂલ્યાંકનની ચોકસાઈ ઉપર ખાતરી હોતી નથી. જો તમને કોઈ મૂલ્યાંકનની ચોકસાઈ વિશે એકદમ ખાતરી લાગે તો એમ સમજજો કે મૂલ્યાંકન કરવાની પ્રક્રિયામાં કંઈક ખોટ છે, જેને કારણે તમને એક પ્રકારની નિશ્ચિતતા લાગે છે અને તમને લાગે છે કે તમે સાચા છો અને બજાર ખોટું છે.  
જે લોકો વૅલ્યુ ઇન્વે​સ્ટિંગને જ સર્વેસર્વા માને છે તે લોકો સાથે હું અસહમત છું. હું આવા લોકોને વૅલ્યુ એક્સ્ટ્રીમિસ્ટ માનું છું. એ લોકો એમ માને છે કે માર્કેટ છીછરા અને મૂર્ખા લોકોથી ભરેલી છે અને માર્કેટ હંમેશાં ખોટી હોય છે. કેવળ અમે જ હોશિયાર છીએ અને અમે મહત્ત્વની બાબતો વિશે વિચારીને એકદમ યોગ્ય મૂલ્યાંકન કરી શકીએ છીએ એટલે માર્કેટે અમારા મૂલ્યાંકનની આજુબાજુ જ આવવું પડશે. મેં એમનું આવું વલણ ક્યારેય સ્વીકાર્યું નથી.  


ઘમંડને બાજુએ રાખો

એક રોકાણકાર તરીકે તમે ક્યારેય સંપૂર્ણ રીતે નિપુણ ન જ બની શકો. તમારે એ દિશામાં સતત કામ કરતા રહેવું પડે છે. માર્કેટ તમને આંચકા આપતી રહેશે. તમે ભૂતકાળમાં ગમે એટલા સફળ રોકાણકાર નીવડ્યા હોય તો પણ માર્કેટ તમને ચોંકાવતી રહેશે. રોકાણ કરવાની પ્રક્રિયાનો સાર એ છે કે રોકાણ બાબતે ભૂલો તો હંમેશાં થતી જ રહે છે. તમારી વિચારધારામાં થોડુંક એ પરિવર્તન લાવવું જોઈએ કે ‘મારી પણ ભૂલ થઈ શકે છે, પરંતુ હું એવી આશા રાખું છું કે હું માર્કેટની સરખામણીએ ઓછી ભૂલ કરું.’ સંપત્તિસર્જન કરવા માટે તમારે હંમેશાં રોકાણ બાબતોના તમારા નિર્ણયોમાં ખરા ઊતરવું જ જોઈએ એવું નથી હોતું, પરંતુ બીજાઓની સરખામણીએ ઓછા ખોટા ઠરો તો પણ ચાલશે. ‘રોકાણના નિર્ણયો ખોટા પડે તો પણ મને સ્વીકાર્ય હશે’ એવું જો સમજી રાખો તો આ વિચારધારા તમને રોકાણ બાબતે થતા તણાવથી મુક્ત કરશે. 
બીજી આપણી ખાસિયત એ છે કે આપણે હંમેશાં આપણી વિચારધારા જે લોકોની સાથે મળતી આવે તેમની સાથે જ વધુ સમય વિતાવવા ઇચ્છતા હોઈએ છીએ. એકબીજાને શાબાશી આપવી, એકબીજા સાથે સહમતી બનાવવી આ બધું આપણને માફક આવતું હોય છે, પણ રોકાણની બાબતમાં આવી વિચારધારા ઘાતક નીવડી શકે છે. હકીકતમાં તો જે લોકો મારી સાથે સૌથી વધુ અસહમતી દાખવે છે તે લોકો પાસેથી જ હું કંપનીઓને મૂલવવાના મૂલ્યવાન પાઠ ભણી છું.      


કંપનીના બિઝનેસને કયું પરિબળ ચલાવે છે એ વિશે સંશોધન કરો

જે ઍનલિસ્ટો એક ખાસ સેક્ટર અને વૅલ્યુએશન કરવા માટેના એક ચોક્કસ પ્રકારના અભિગમના નિષ્ણાત હોવાનો દાવો કરતા હોય છે એવા લોકોનું દૃષ્ટિબિંદુ બહુ સીમિત રહી જાય છે. એક પગલું પાછળ જઈને પોતાનો દૃષ્ટિકોણ થોડો વિશાળ કરવા અને પોતાના અભિગમને થોડો વધુ વિસ્તૃત કરવાનું હું લોકોને સતત કહેતી હોઉં છું. 
મને યાદ છે જ્યારે પહેલી વખત મેં ‘ઉબર’નું વૅલ્યુએશન કર્યું હતું ત્યારે મને રાઇડ-શૅરિંગ બાબતનું કોઈ જ્ઞાન નહોતું અને એવું જ મેં જે બીજી કંપનીઓનું વૅલ્યુએશન કર્યું છે એ વિશે કહી શકું. એવા ઘણા લોકો છે જેમને મારી સરખામણીએ સો ગણું વધુ જ્ઞાન છે, પરંતુ હું લોકો પાસેથી પ્રતિસાદ લેવા માટે ઘણી ઉત્સુક રહું છું. જ્યારે તમે કોઈ કંપનીનું વૅલ્યુએશન કરો છો ત્યારે એ એક મોટી પ્રક્રિયાનો અંત નથી, પરંતુ  શરૂઆત હોય છે. જ્યારે તમને કોઈ ટોકે ત્યારે તમારો પોતાનો બચાવ કરવાને બદલે તે વ્યક્તિનાં મંતવ્યો પર ધ્યાન આપો. 
જે લોકો તમારાથી જુદી વિચારધારાના હોય એવા લોકો સાથે મેળાપ વધારો. મને મારી પ્રક્રિયાની ખામીઓ જાણવામાં રસ હતો એટલે મેં જેને પહેલી વાર ‘ઍરબીએનબી’ કંપનીનું વૅલ્યુએશન બતાવ્યું હતું એ કોઈ એનલિસ્ટ નહીં, પરંતુ મારો એક મિત્ર જે ઍરબીએનબી કંપનીનો એક હોસ્ટ (યજમાન) હતો. કંપની અને યજમાન વચ્ચેના વહેવારમાં એવું શું ખૂટે છે જેને કદાચ મેં મારા વૅલ્યુએશન રિપોર્ટમાં ધ્યાનમાં ન લીધું હોય એ સમજવા માટે આ જરૂરી હતું. આવા મુદ્દાઓ મને કોઈ એનલિસ્ટ કે આ ક્ષેત્રના નિષ્ણાતો પાસેથી પણ જાણવા ન મળી શકે. જે લોકોએ હાલ ઍરબીએનબી ભાડે લીધું હોય કે એના યજમાન બન્યા હોય તેવા લોકો સાથે વાતચીત કરવાથી આ બાબત વિશે વધુ જાણકારી મળી શકે છે. આવા લોકો વૅલ્યુએશન કરવાના નિષ્ણાત નથી હોતા, પરંતુ આ એવા લોકો હોય છે જેઓ બિઝનેસ વિશે જમીની હકીકત જાણતા હોય છે. કંપનીનું વૅલ્યુએશન કરવા માટે કંપનીનો બિઝનેસ જાણવો ખૂબ જ જરૂરી છે. આ માટે એનાં ફાઇનૅ​​ન્શિયલ સ્ટેટમેન્ટ્સ કે કમ્પ્યુટિંગ રેશિયો જાણવાથી નહીં, પરંતુ બિઝનેસ કઈ બાબતોથી ચાલે છે એ પરિબળો જાણવાથી સમજાય છે.  
આ વિશે હજી વધારે મુદ્દાઓ પર ચર્ચા આપણે મારા આગામી લેખમાં કરીશું.

Whatsapp-channel Whatsapp-channel

26 June, 2023 03:20 PM IST | Mumbai | Khyati Mashru Vasani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK