જગતની મોસ્ટ વૅલ્યુએબલ કંપની એનવિડિયાના બૉસ, ડિજિટલ વિશ્વમાં મહામૂલું યોગદાન આપનારા જેન્સન હુવાંગ પાસેથી શીખવાના, સફળ થવાના, પ્રગતિ કરવાના અનેક મંત્ર આત્મસાત્ કરવા જેવા છે
જેન્સન હુવાંગ
એકવીસમી સદીમાં ટેક્નૉલૉજિકલ ક્રાન્તિની વાત થાય ત્યારે બિલ ગેટ્સ, સ્ટીવ જૉબ્સ અને ઈલૉન મસ્કની વાત ચોક્કસ આવે. જોકે આ યાદીમાં એક ઓછું જાણીતું નામ પણ ઉમેરવાનું છે. ડિજિટલ વિશ્વમાં મહામૂલું યોગદાન આપનારી આ વ્યક્તિ છે એનવિડિયાના સહ-સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) જેન્સન હુવાંગ.
સાવ નાનકડી ગ્રાફિક્સ પ્રોસેસિંગ કંપનીમાંથી આજે વિશ્વની ટોચની ઇનોવેટિવ કંપની બનેલી એનવિડિયા આજે જગતની મોસ્ટ વૅલ્યુએબલ કંપની પણ છે. આ કંપનીએ કરેલું કાર્ય ગેમિંગ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) અને ઑટોનોમસ ડ્રાઇવિંગ ક્ષેત્રે અગત્યનું ઠર્યું છે. આજની તારીખે AI કમ્પ્યુટિંગમાં એનવિડિયા ટોચનું સ્થાન ધરાવે છે. કંપનીને હાલની આશરે ૬૧ અબજ ડૉલરની આવક કરવા સુધીના સ્તર પર લાવવામાં જેન્સન હુવાંગની મહેનત અને વિચક્ષણ બુદ્ધિપ્રતિભાનો મોટો ફાળો છે.
ADVERTISEMENT
જેન્સન હુવાંગ મૂળ તાઇવાનના છે અને નાની ઉંમરમાં માતા-પિતાની સાથે અમેરિકામાં સ્થળાંતર કરી ગયા. અમેરિકા ગયા પછી પોતપોતાના સંજોગોમાં રહીને મહેનત-લગન વડે સ્વપ્નો સાકાર કરનારા વર્ગમાં જેન્સન અને તેમનો પરિવાર પણ હતો.
વિશ્વમાં ટેક્નૉલૉજિકલ પ્રગતિમાં જેનું નામ આદરપૂર્વક લેવાવા લાગે એ સ્થિતિની શરૂઆત હુવાંગની ઑરેગૉન સ્ટેટ યુનિવર્સિટીમાંથી લેવાયેલી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રીથી થઈ, પછી તેમણે સ્ટૅનફર્ડમાંથી માસ્ટર્સ ડિગ્રી લીધી. તેમણે એનવિડિયાની સ્થાપના ૧૯૯૩માં કરી. એ અરસામાં કમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ ગેમિંગ તથા અન્ય અમુક કાર્યોમાં નવો-નવો શરૂ થયો હતો. ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ (GPU)માં વિપુલ સંભાવનાઓ રહેલી છે એનો ઘણા ઓછા લોકોને ખ્યાલ હતો. આ જ મુદ્દો છે જ્યાં જેન્સન અલગ તરી આવે છે.
જેન્સને GPUમાં એક મોટી તક જોઈ. GPUની મદદથી એકદમ અલગ લેવલનો ગેમિંગ એક્સ્પીરિયન્સ મળી શકે છે એટલું જ નહીં, એમાં વપરાતી ચિપ જેટલી વધુ સામર્થ્યવાન બનશે એટલી જ વિવિધ ક્ષેત્રે ઉપયોગી બનશે એવું તેમને સમજાઈ ગયું.
કમ્પ્યુટિંગની શક્તિ વધારવાનું લક્ષ્ય
હુવાંગ અને તેમના સહ-સ્થાપકોએ પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે તેઓ કમ્પ્યુટિંગની શક્તિ વધુ ને વધુ કાર્યક્ષમ અને સક્ષમ બનાવશે જેથી મોટા પ્રમાણમાં ડેટાનું પ્રોસેસિંગ ઝડપથી થઈ શકે. આ યુવાનોની મહેનતને પગલે એનવિડિયા દ્વારા ૧૯૯૯માં વિશ્વનું પ્રથમ GPU તૈયાર થયું જેનું નામ હતું ‘જીફોર્સ 256’. એ દિવસ ને આજની ઘડી, GPUની ક્ષમતા સતત વધતી ગઈ એટલું જ નહીં, GPUને લીધે ઉચ્ચ ગુણવત્તાનાં અને વાસ્તવિક દેખાય એવાં ગ્રાફિક્સ તૈયાર થવા લાગ્યાં અને એનવિડિયા ગ્રાફિક્સ પ્રોસેસિંગ ટેક્નૉલૉજીમાં વૈશ્વિક અગ્રણી કંપની બની ગઈ.
જેન્સન હુવાંગ આટલાથી સંતોષ માની લેનારી વ્યક્તિ છે જ નહીં. તેમના માટે ગેમિંગમાં GPUનો ઉપયોગ તો શરૂઆત માત્ર હતો. GPUને લીધે કમ્પ્યુટેશનની શક્તિ અફાટ વધારવાનું અને AI, ડેટા સાયન્સ અને વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે નવી ક્રાન્તિ લાવવાનું તેમનું ધ્યેય હતું જે આજની તારીખે સાકાર થઈ રહ્યું છે. પરિણામ, આજની તારીખે AIની વાત એનવિડિયાથી શરૂ થાય છે.
AI ક્ષેત્રે પાયાનું કામ
આજે એનવિડિયાનાં GPU AIની ક્રાન્તિના પાયામાં છે. હુવાંગ એ વાત સમજી ગયા હતા કે GPUની પૅરૅલલ પ્રોસેસિંગ પાવર તરીકે ઓળખાતી ક્ષમતા જટિલ AI મૉડલને તાલીમ આપવામાં ઉપયોગી થશે. આ ક્ષમતાનો અર્થ એ થયો કે અનેક પ્રકારનાં કાર્યો એક જ સાથે પાર પાડવાની પદ્ધતિ, જેને લીધે કમ્પ્યુટરની પ્રોસેસિંગની શક્તિ અને ક્ષમતા વધી જાય છે. આ ક્ષમતાનો ઉપયોગ કરીને જેન્સને ૨૦૦૬માં સીયુડીએ પ્લૅટફૉર્મ રચ્યું જેની મદદથી મોટા પ્રમાણમાં ડેટાનું પ્રોસેસિંગ કરવા માટે સંશોધકો, ડેવલપરો અને કંપનીઓને મદદ મળી. ઉપરાંત, AIનાં અનેક કામ સહેલાઈથી થવા લાગ્યાં જેમાં તસવીર-ચિત્ર પરથી થતી ઓળખ, ડ્રાઇવર વગર ચાલતી કાર અને નૅચરલ લૅન્ગ્વેજ પ્રોસેસિંગ નામની પ્રક્રિયાનો સમાવેશ થાય છે.
માનવજાતને લાભ થાય એવું કાર્ય
એક ટેક્નૉલૉજી તરીકે નહીં, પરંતુ માનવજાતને લાભ થાય એ દૃષ્ટિએ AIનો ઉપયોગ કરવાનું જેન્સન હુવાંગનું ધ્યેય રહ્યું છે. આમ, તેઓ AIના નૈતિકતાપૂર્ણ અને જવાબદારીપૂર્ણ ઉપયોગના હિમાયતી છે. તેમણે હંમેશાં પોતાનાં વક્તવ્યોમાં કહ્યું છે કે AI મનુષ્યની બુદ્ધિપ્રતિભાનો વિકલ્પ નહીં પણ મનુષ્યની ક્ષમતામાં વૃદ્ધિ કરનારી ટેક્નૉલૉજી છે.
સહજ રીતે, જેન્સન હુવાંગ આજની તારીખે વિશ્વમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. મુખ પર શાંતિ અને પ્રસન્નતાનો અલગ તરી આવતો ભાવ ધરાવતી આ વ્યક્તિ તમને મોટા ભાગે લેધર જૅકેટ પહેરેલી જ દેખાશે. તેમનામાં ક્યાંય આડંબર દેખાતો નથી. તેમનો સફળતા સુધીનો પ્રવાસ બીજા ઢગલાબંધ લોકોની જેમ આકરી મહેનતનો રહ્યો છે. તેમણે ફક્ત અંગત જીવનમાં નહીં, એનવિડિયાના સહ-સ્થાપક તરીકે પણ અનેક સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે.
પરિશ્રમથી પ્રેરણા સુધી
પરંપરાગત માર્કેટમાં GPUની માગ ઘટવા લાગી ત્યારે તેઓ કંપનીને ડેટા સેન્ટર ક્ષેત્રે લઈ ગયા. એના માટે તેમણે ૨૦૧૯માં મેલાનૉક્સ નામની કંપની ખરીદી. જેન્સનના નેતૃત્વ હેઠળ એનવિડિયા આજે નવસર્જન અને પરિવર્તનનું પ્રતીક બની ગઈ છે તથા એનું બજારમૂલ્ય અનેકગણું વધીને કંપની આજે વિશ્વની ટોચના સ્થાને બિરાજે છે.
દરેકને શીખવાની તક મળવી જોઈએ, એક સમયે મેં પણ બાથરૂમ ધોયાં છે
જેન્સન હુવાંગના જીવન પરથી તેમની અનેક ખૂબીઓ બહાર આવે છે. ચાલો, એના પર એક નજર કરીએ
કામ, કામ અને કામ
૬૧ વર્ષના જેન્સન જણાવે છે કે તેઓ જે ઘડીએ જાગે ત્યારથી લઈને રાત્રે નીંદર આવે ત્યાં સુધી સતત કામ, કામ અને કામ કરતા હોય છે. તેઓ કોઈ કામમાં પરોવાયા ન હોય એવા સમયે પણ તેમના વિચારોમાં કામ જ રમ્યા કરતું હોય છે. આમ, સપ્તાહના સાતેય દિવસ અને ચોવીસે કલાક તેઓ કાર્યરત રહે છે.
પાળેલા શ્વાન ડિસ્ટર્બ થવા જોઈએ નહીં
તેઓ સવારે પાંચ વાગ્યે ઊઠી જાય છે, પરંતુ છ વાગ્યા સુધી પથારીમાં પડ્યા-પડ્યા કંઈક વાંચતા હોય છે. તેમના પાળેલા શ્વાન ડિસ્ટર્બ ન થાય એટલે તેઓ ઘરમાં અવાજ થવા દેતા નથી અને એક કલાક વાંચનમાં ગાળે છે. તેઓ કોઈ મનુષ્યને ઉઠાડવામાં સંકોચ કરતા નથી, ફક્ત શ્વાનો માટે તેમને કૂણી લાગણી છે.
સફળ થવા માટે સંઘર્ષ અનિવાર્ય છે
વિશ્વમાં ધનિકોની યાદીમાં નવમા ક્રમે આવતા હુવાંગ ઘણા લાંબા સમય સુધી ટેક્નૉલૉજી કંપનીના વડા તરીકે રહેનારા ઘણા જૂજ લોકોમાં સામેલ છે. તેઓ કહે છે કે ‘જે કામમાં હંમેશાં ખુશી પ્રાપ્ત થતી હોય એ જ કામ ઉત્તમ કહેવાય એવું કેટલાક લોકો માને છે, પરંતુ વાસ્તવમાં દરેકે ઘણું સહન કરવું પડતું હોય છે અને સંઘર્ષ પણ કરવો પડતો હોય છે. કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય ત્યારે એ કાર્ય આસાન હોતું નથી. આમ, દર વખતે ખુશી મળે એ જરૂરી નથી. મને મારા કામમાં રોજ મજા નથી આવતી, જે કામમાં ખુશી મળે એને જ કામ કહેવાય એવું પણ નથી. જોકે હું મારી કંપનીને હર પળ ચાહું છું.’
બધાની સામે બધી વાતો
હું મારા દરેક સહકર્મચારીને અલગ-અલગ મળતો નથી, એમ જણાવતાં જેન્સન કહે છે, ‘મારે જે કંઈ કહેવું હોય એ હું એકસાથે બધાને જ કહેતો હોઉં છું. કોઈ પણ માહિતી એવી નથી કે ફક્ત એક અથવા બે માણસને કહેવાની હોય. દરેક વ્યક્તિ એક જ નીતિને અનુસરે એવું મને ગમે છે. કોઈ પણ કામ બધા ભેગા મળીને કરી શકે છે. કોઈ પણ સમસ્યાના હલ માટે બધા ભેગા કામ કરે ત્યારે કોઈ હલ પાછળનું કારણ શું એની ચર્ચા પણ બધા સાથે મળીને કરતા હોય છે.’ હુવાંગે આ વાત કહેવા માટે ઑર્કેસ્ટ્રામાં ગાયનની સૂરાવલીઓ જોઈને વાદકો વાદ્યો વગાડે એ ઉદાહરણ આપ્યું છે. તેઓ કોઈ પણ પ્રતિક્રિયા આપવી હોય તો એ પણ બધાની સામે જ વ્યક્ત કરે છે. એકની ભૂલમાંથી બધા શીખી શકે એવો આમ કરવા પાછળનો ઉદ્દેશ છે. પોતાની જ ભૂલોમાંથી શીખવું એવું જરૂરી નથી, તમે બીજાઓની ભૂલોમાંથી પણ શીખી શકો છો એવું તેઓ કહે છે.
નિર્ણયો પાછળની મારી ભૂમિકા
જેન્સન પોતે જે નિર્ણયો લે છે એની પાછળની તેમની વિચારધારા કે ભૂમિકા શું હોય છે એની જાણ પણ પોતાના સહકર્મચારીઓને કરે છે. આમ કરવાથી કર્મચારીઓને ખબર પડે છે કે તેમના આગેવાન કેવી રીતે વિચારે છે. તેઓ જણાવે છે, હું દરેક મીટિંગમાં જણાવતો હોઉં છું કે અમુક નિર્ણય પાછળ મારા કયા વિચારો અને તર્ક રહેલા છે.
અસલી કામ સબકે સાથ હોતા હૈ
મારી સાથેની મીટિંગોમાં કૉલેજમાંથી નવા ઉત્તીર્ણ થયેલા સ્નાતકો પણ હોય છે એમ જણાવતાં હુવાંગ કહે છે, ‘ઉપરાંત, અલગ-અલગ કંપનીના લોકો પણ સાથે બેઠેલા હોય છે. ઘણી કંપનીઓમાં મૅનેજમેન્ટની વચલી હરોળના લોકો પાસે જ માહિતી હોય છે, તેમના હાથ નીચેના માણસો પાસે નહીં. જોકે મેં જેટલા વાઇસ પ્રેસિડન્ટ અને ડિરેક્ટર્સ સાથે કામ કર્યું છે તેઓ બધા પારદર્શક અને નિખાલસ હતા. હાથ નીચેના માણસોને ખબર હોવી જોઈએ કે તેઓ કંપનીના કયા ધ્યેયની પૂર્તિ માટે કામ કરી રહ્યા છે.’
કાઢી મૂકવાની વાત જ નહીં
જેન્સન જણાવે છે, ‘એક સમયે મેં પણ બાથરૂમ ધોવાનું કામ કરેલું છે. આજે હું એક કંપનીનો CEO છું. દરેકને શીખવાની તક મળવી જોઈએ. હું લોકો પાસેથી આશા રાખવાનું છોડતો નથી. હું કોઈને નોકરીમાંથી કાઢી મૂકવાને બદલે તેને કંઈક શીખવા માટે મહેનત કરાવવાનો અભિગમ ધરાવું છું. કોઈ પણ માણસ રાતોરાત મહાન બની જતો નથી. આથી હું બધાને આગળ વધવા માટે મહેનત કરાવવામાં માનું છું.’
હંમેશાં નવા કાર્યક્ષેત્રની શોધ
જ્યાં પહેલાં કોઈ પહોંચ્યું ન હોય એવી જગ્યાએ પહોંચવામાં માનનારા જેન્સન કહે છે કે જે માર્કેટ હજી તૈયાર જ થઈ ન હોય એવી માર્કેટ ઊભી કરવામાં હું માનું છું. તેઓ બજારનો હિસ્સો બનવામાં નહીં, બજાર ઊભી કરવામાં માને છે. ઉત્તમ કૌશલ્ય ધરાવતા લોકો પાસે એવું કામ શું કામ કરાવવું જે પહેલાં જ થઈ ચૂક્યું હોય? એમ જણાવતાં તેઓ ઉમેરે છે, ‘અમે સારામાં સારી તક ધરાવતી તથા ઘણી મહેનત કરવી પડે એવી માર્કેટ્સ પસંદ કરી અને ઉત્તમ લોકો અમારી સાથે જોડાયા. આ રીતે અમે વિશેષ કાર્ય કરી બતાવ્યું.’
કુછ પાને કે લિએ કુછ ખોના પડતા હૈ
શું જતું કરવું એ શીખવું પણ જરૂરી છે, કારણ કે એમ કરીને જ સફળતા પ્રાપ્ત થાય છે... આવું કહેનારા એનવિડિયાના CEO જણાવે છે, ‘ફોનનું નિર્માણ કરનારી માર્કેટ ઘણી મોટી હતી. અમે પણ એમાં ઊતરીને બજારહિસ્સો મેળવવા માટે મથી શક્યા હોત, પરંતુ અમે એ માર્કેટને જતી કરી... એનવિડિયાનું લક્ષ્ય સામાન્ય કમ્પ્યુટર કરવા સક્ષમ નથી એવાં કામ કરનારાં કમ્પ્યુટરની રચના કરવાનો છે. અમારો આ વ્યૂહ સાર્થક ઠર્યો. ફોન-માર્કેટને જતી કરીને અમે નવી એક મોટી માર્કેટ ઊભી કરી. આ કામ જોખમી હતું, પરંતુ અમે સફળ રહ્યા.’
ફક્ત કાગળ પરની યોજના નહીં
અમારી કંપનીમાં હું નક્કી કરું એને વ્યૂહ કહેતા નથી એમ જણાવતાં જેન્સન કહે છે, ‘મારા કર્મચારીઓ જે કરે છે એને અમે વ્યૂહ માનીએ છીએ. આમ, વ્યૂહ એટલે કાગળ પરની યોજના નહીં પણ ધરાતલ પરનું કાર્ય. બધા કર્મચારીઓ શું કરી રહ્યા છે એ જાણવું મારા માટે અગત્યનું છે. અમે કોઈ સ્ટેટસ-રિપોર્ટ બનાવતા નથી. એને બદલે અમે દરેક કર્મચારીની ટોચની પાંચ પ્રાથમિકતાઓ વિશે જાણી લઈએ છીએ. અમે નિયમિત સમયાંતરે આયોજન કરવામાં માનતા નથી. અમારા માટે રોજનું આયોજન હોય છે, લાંબા ગાળાનું નહીં. અમે જે અમલમાં મૂકીએ એ જ અમારું આયોજન હોય છે.’
નિષ્ફળતાનો સ્વીકાર કરો
પોતાનો અનુભવ જણાવતાં જેન્સન કહે છે, ‘એક વખત અમારે નિષ્ફળતાનો સ્વીકાર કરવો પડ્યો અને સામેવાળી કંપનીના CEOને કહેવું પડ્યું કે અમે જે રીતે કામ કર્યું એમાં સફળતા મળી નહીં હોવાથી તેમણે બીજી કોઈ કંપનીને કામ સોંપી દેવું. જોકે જેટલું કામ કર્યું હતું એટલા માટે એ CEO પાસેથી પૈસા માગી લીધા, કારણ કે જો પૈસા મળ્યા ન હોત તો અમારે એનવિડિયા બંધ કરી દેવી પડી હોત. પહેલાં તો મને પૈસા માગવામાં શરમ આવી, પરંતુ એ CEOએ મારી માગણી સ્વીકારી લીધી. આ રીતે અમારી કંપની બચી ગઈ અને એ છ મહિનામાં અમે રિવા 128 નામની જે પ્રોડક્ટ બનાવી એનાથી 3D માર્કેટમાં અમે છવાઈ ગયા.’
હંમેશાં વિદ્યાર્થી બની રહેવું એ જ અત્યંત અગત્યની બાબત છે
જેન્સન હુવાંગના જીવન પરથી આજની તારીખે અનેક નવોદિત ઑન્ટ્રપ્રનર્સ પ્રેરણા પામી રહ્યા છે. તેઓ ટેક્નૉલૉજીને આગળ વધારવા માગે છે, પરંતુ દૃઢપણે માને છે કે ખરી શક્તિ ટેક્નૉલૉજીમાં નહીં પણ એનું સર્જન કરનારા મનુષ્યમાં રહેલી છે. તેઓ આધુનિક યુગના દૃષ્ટા છે. તેમણે અલગ-અલગ પ્રસંગોએ કહેલી વાતો પરથી તેમના વ્યક્તિત્વને પરખવાનો પ્રયાસ કરીએ...
અમે કમ્પ્યુટિંગની શક્તિ દરેક વૈજ્ઞાનિક, દરેક એન્જિનિયર અને વિશ્વની દરેક કંપનીને ઉપલબ્ધ કરાવવા માગીએ છીએ.
તમને ખરેખર જેમાં ખૂબ જ રસ પડતો હોય એવું કાર્ય કરો. દરેક વ્યક્તિના જીવનની આ મૂળભૂત આવશ્યકતા છે.
જો તમને જોખમો ખેડવાનું ગમતું ન હોય તો તમે એવી જ સ્થિતિમાં રહી જશો જ્યાં પરિવર્તન આવતું નથી.
હંમેશાં વિદ્યાર્થી બની રહેવું એ ખૂબ જ અગત્યની બાબત છે.
સાથે મળીને ઘણાં અદ્ભુત કાર્યો થઈ શકે છે. તમારે પોતાની ટીમ પર વિશ્વાસ મૂકવો જોઈએ અને માન આપવું જોઈએ. હું ક્યારેય અલગ-અલગ વ્યક્તિને મળીને વાત નથી કરતો, હું આખી ટીમને સાથે રાખીને વાત કરું છું.
તમે આશા, તક અને મહત્ત્વાકાંક્ષા એ ત્રણેયની મદદથી જ પ્રગતિ કરી શકો છો.
સમસ્યા જેટલી વધુ જટિલ હશે એટલા જ તમે વધુ સર્જનશીલ બનશો અને તમે શોધેલો હલ પણ એટલો જ નાવીન્યપૂર્ણ હશે.
હંમેશાં તમે જીતી જાઓ એનું નામ સફળતા નથી, તમે કેટલી પ્રગતિ કરી શક્યા છો એનું નામ સફળતા છે.
બીજાઓ કરતાં વધુ સારા હોવાનું નહીં, પોતે જ સતત બહેતર બનતા જવાનું મહત્ત્વ છે.
મોટા-મોટા પડકારોને પહોંચી વળ્યા બાદ જ કંપનીઓ મહાન બને છે.
અનેક નિષ્ફળતાઓ બાદ જ સફળતાને વરી શકાય છે.
જો તમે AI વિશે વિચારી રહ્યા નથી તો તમે આજની ઘડીએ પણ પાછળ જ રહી ગયા કહેવાઓ.
અમે દુનિયાની આજની નહીં, ૧૦ વર્ષ પછીની જરૂરિયાતો પૂરી કરવા માટે કામ કરી રહ્યા છીએ.
અમે વિશ્વની મોટામાં મોટી સમસ્યાઓના હલ લાવવા માટે કાર્ય કરી રહ્યા છીએ.
દરેક વ્યક્તિએ હંમેશાં જિજ્ઞાસુવૃત્તિ રાખીને સતત કંઈક નવું શીખતાં રહેવું જોઈએ અને નમ્ર બની રહેવું જોઈએ.
આ વિશ્વ તેમનું છે જેમની પાસે કલ્પનાશક્તિ છે.
જિજ્ઞાસુવૃત્તિ સફળતાની ચાવી છે.
મહેનત કરો, જો તમે મહેનત કરશો તો તમારો સમય ચોક્કસ આવશે.