શૅરબજારને આપણે માઇન્ડ ગેમ બનાવી દઈએ છીએ. બજારમાં અને જગતમાં ઘણું બદલાયું છે, પરંતુ આપણી માનસિકતા હજી જનીપુરાણી રહી હોવાથી આપણે ઘણી વાર થાપ ખાઈ જઈએ છીએ. આજે આપણે સ્ટૉક માર્કેટ ટ્રેન્ડના ફન્ડાને સમજવા માઇન્ડ ટ્રેન્ડની વાત સમજીએ
સ્ટૉક ટ્રેન્ડ
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
છેલ્લા કેટલાક દિવસથી આપણે શૅરબજારની વૉલેટિલિટી જોઈ રહ્યા છીએ. આ વૉલેટિલિટી વચ્ચે માર્કેટ વધે છે અને ઘટે પણ છે. કારણો સતત બદલાતાં રહે છે અને અમુક એનાં એ પણ રહે છે. તાજા દાખલા લઈએ તો બજેટ આવીને ગયું, એની અસરો થઈ. અદાણી પ્રકરણ ગાજ્યું, એની અસર પણ થઈ. ગ્લોબલ ઘટના કે સંકેતોની અસર તો કાયમની ચાલતી રહીને માર્કેટને પ્લસ-માઇનસમાં યા સ્ટ્રેસમાં રાખતી હોય છે. ક્યારેક વ્યાજદરની વાત અને ફુગાવાના દરની ચિંતા હોય, ક્યારેક વિકાસદરની વાત હોય અથવા આર્થિક સુધારાની અસર હોય. કોરોના, લૉકડાઉન, જૉબ કટ, સૅલેરી કટ, સ્લો ગ્રોથ, વૈશ્વિક મંદી, રશિયા-યુક્રેન યુદ્ધ, ક્રૂડ અને એનર્જીના ભાવ, કરન્સીની વધ-ઘટ, રિઝર્વ બૅન્ક, ફેડરલ રિઝર્વ, યુરોપ, એશિયન બજારો, જૉબ ડેટા, કૉર્પોરેટ રિઝલ્ટ્સ તો વળી ક્યારેક સ્કૅમ-ગોટાળાના અહેવાલ યા અફવા કે પછી રમત, ક્વચિત રાજકીય વિવાદો વગેરે જેવાં અનેક પરિબળો ચાલતાં રહે છે. શું તમને લાગે છે કે આમાંથી કોઈ પણ પરિબળ પર આપણો કન્ટ્રોલ હોય છે? યા હોઈ શકે? નહીંને! એમ છતાં આપણે આ બધાની ચિંતા યા વિચારો કરી-કરીને માનસિક રીતે હેરાન થતા રહીને નિર્ણય લેતા રહીએ છીએ. એને બદલે આપણે સારા સ્ટૉક્સમાં રોકાણ કર્યા બાદ એને પાંચ વર્ષની બૅન્ક એફડી, ૧૫ વર્ષનું પીપીએફ સમજવાનું શરૂ કરીએ તો? આપણી બજારને જોવાની-સમજવાની માનસિકતામાં મોટો ફરક પડી જાય. આ જ બાબત શૅરબજારમાં આપણે સાચી સફળતા અને સંપત્તિસર્જન તરફ લઈ જવામાં સહાયરૂપ બની શકે છે.
માર્કેટમાં આપણા મનની ભૂમિકા
ADVERTISEMENT
શૅરબજાર આર્થિક ફન્ડામેન્ટલ્સ પર ચાલે છે? પ્રવાહિતા પર ચાલે છે કે સેન્ટિમેન્ટ પર? આમ તો બજાર માટે આ ત્રણેય પરિબળો પાયાનાં છે, પરંતુ રોકાણકારનો વ્યક્તિગત સવાલ આવે છે ત્યાં તેનું મન મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણે બજારને ચંચળ કહીએ છીએ, પણ ખરેખર આપણું મન વધુ ચંચળ હોય છે એથી જ માર્કેટ વ્યક્તિગત, ખાસ કરીને નાના-રીટેલ રોકાણકારો માટે માઇન્ડ ગેમ બની જાય છે. આના આધારે રોકાણકારો બિહેવ કરે છે અને એની અસર માર્કેટના બિહેવિયર પર પણ થાય છે.
સંખ્યા વધી, માનસિકતા ન બદલાઈ
શૅરબજારમાં રોકાણકારોની સંખ્યા વધી, પરંતુ માનસિકતા બહુ બદલાઈ નથી, જેને કારણે દરેક વખતે રોકાણકારો એકની એક ભૂલ કર્યા કરે છે. શું તમે આમ પોતે કાયમ કરો છો કે તમે બદલાયા છો એ તમારે જ સમજવું પડશે. શૅરબજારને ઘણા લોકો માઇન્ડ ગેમ કહે છે, તો ઘણા એને ઇન્વેસ્ટર્સ બિહેવિયર્સ કહે છે. જેનો જેવો સ્વભાવ તેમને બજાર એવું લાગે અને તેઓ બજારમાં એ મુજબ કામકાજ કરે. બાય ધ વે, હાલ પણ રોકાણનો ઉત્તમ સમય છે, પરંતુ માત્ર અને માત્ર ફન્ડામેન્ટલ્સથી મજબૂત કંપનીઓના સ્ટૉક્સમાં અને લૉન્ગ ટર્મ માટે, બાકી કૅલ્ક્યુલેટિવ રિસ્ક ગણીને ચાલવું. શક્તિ હોય તો લેવું, અન્યથા ટાળવું.
ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ગુરુઓનાં વિધાન
ઇન્વેસ્ટમેન્ટ ગુરુઓ-નિષ્ણાતો વર્ષોના અનુભવના નિષ્કર્ષમાંથી કહે છે, શૅરબજાર એ ધીરજની પરીક્ષાનું મેદાન છે. જેટલી ધીરજ વધુ એટલી સંપત્તિ વધવાની શકયતા વધુ. કહો જોઈએ, તમારામાં કેટલી ધીરજ છે? પ્રથમ તમારે વ્યૂહાત્મક એલોકેશન કરવું જરૂરી છે. બોલો તમે તમારા રોકાણનું આવું એલોકેશન કર્યું છે? શેમાં અને કેટલું? આવી જ બીજી પાયાની વાત, તમે શૉર્ટ ટર્મ, મીડિયમ ટર્મ કે લૉન્ગ ટર્મ રોકાણકાર છો? આ સવાલનો જવાબ પણ તમારી સફળતાને ઘડવામાં નિમિત્ત બનશે. સ્પષ્ટ સત્ય એ છે કે લૉન્ગ ટર્મ જ શ્રેષ્ઠ છે. બાકી બધી ઊછળકૂદ છે; જેને વૉલેટિલિટી કહે છે, જેને ચંચળતા પણ કહેવાય છે. મજાની વાત એ છે કે બજારને આપણે વૉલેટાઇલ-ચંચળ કહીએ છીએ, જ્યારે બજાર કરતાં વધુ ચંચળ-વૉલેટાઇલ આપણું મન હોય છે; જે નિર્ણયોમાં ફેરફાર કરાવ્યા કરે છે, જે ક્યારેક આડેધડ તેજીનું માનસ બનાવે છે, તો ક્યારેક સમજ્યા વિના પૅનિકમાં આવી જાય છે.
આ પણ વાંચો: માર્કેટ મૂડ અને ટ્રેન્ડ પર અદાણી પ્રકરણની અસરો ચાલુ રહેશે
ચણા-મમરા અને હીરા
માનસિકતાની વાત આવે ત્યારે તેજીની બજારમાં લોકો ચણા-મમરાના ભાવના શૅર હીરાના ભાવે ખરીદે છે અને મંદીની બજારમાં હીરા જેવા શૅર માટે પણ ચણા-મમરા જેવા ભાવ આપવા તૈયાર થતા નથી. મોટા ભાગના રોકાણકારો સાચી કે યોગ્ય સમજ વિના જ રોકાણ કરવાનું શરૂ કરી દે છે. તેઓ ભુતકાળ તરફ જોવાની તસ્દી પણ લેતા નથી. કથિત લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટરો માટે એક વિધાન બહુ વેધક છે, જેમાં કહેવાય છે કે જ્યાં સુધી માર્કેટ નીચે જતું નથી ત્યાં સુધી વિશ્વમાં દરેક જણ લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટર છે. સાચા લૉન્ગ ટર્મ રોકાણકારો માટે આ વાત લાગુ થતી પડતી, પરંતુ દ્રાક્ષ હાથમાં ન આવતાં એ ખાટી છે એવું કહેનારા વર્ગ માટે છે.
ગ્લોબલ અસરગ્રસ્ત કંપનીઓથી દૂર રહો
દરમ્યાન વીતેલા સપ્તાહમાં જાન્યુઆરીમાં રીટેલ ઇન્ફ્લેશન વધીને ૬.૫૨ ટકા થયું છે, જે ડિસેમ્બરમાં ૫.૭૨ ટકા હતું. જોકે હોલસેલ ઇન્ફ્લેશન જાન્યુઆરીમાં સાધારણ ઘટીને ૪.૭૩ ટકા રહ્યું છે. નિષ્ણાતોના મતે ગ્લોબલ ઇકૉનૉમીની સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં ગ્લોબલ સંજોગોથી અસરગ્રસ્ત કંપનીઓ ટાળીને સ્થાનિક સારી કંપનીઓ પર પસંદગી ઉતારવી બહેતર છે. સેબી અદાણી ગ્રુપના સ્ટૉક્સમાં શૉર્ટ સેલ્સ થયું હોવાના આક્ષેપની તપાસ કરી રહ્યું છે, જ્યારે અદાણી ગ્રુપે પોતાની બૅલૅન્સશીટ્સ મજબૂત હોવાનો દાવો કર્યો છે. અદાણી સ્ટૉક્સમાં ધોવાણ પણ અટક્યું છે અથવા ઘટ્યું છે. જોકે આ મામલે કોઈ નિષ્કર્ષ પર આવવું હાલમાં મુશ્કેલ છે.
લાંબા ગાળાનો લાંબો લાભ
સેન્સેક્સ અને નિફ્ટી હાલમાં અનુક્રમે ૬૧,૦૦૦ની અને નિફ્ટી ૧૮,૦૦૦ની ઉપર ચાલી રહ્યા છે. સંજોગોને આધીન વૉલેટિલિટી ચાલુ રહેશે. સ્ટૉક સ્પેસિફિક રહેવામાં જ શાણપણ છે. સારા સ્ટૉક્સ ભારે તૂટ્યા હોય તો ખરીદી કરીને જમા કરવાનો અભિગમ રાખવો. અદાણી સ્ટૉક્સમાં ગણતરીપૂર્વકનૂ જોખમ લેવાની તૈયારી હોય તો તૂટેલા સ્ટૉક્સ ભેગા કરાય. બાકી દૂર રહેવાય. રિકવરી થશે, પરંતુ સમય કેટલો લેશે એનું અનુમાન કઠિન છે. હવે આ મામલો રાજકીય અને કાનૂની વિવાદ તેમ જ તપાસનીશ બન્યો છે. બજારમાં થતી વાતોમાં માઇન્ડને બહુ ઇન્વૉલ્વ ન કરતા, સાંભળજો, પરંતુ નિર્ણય સમજી-વિચારીને લેજો. અત્યારે ભારતીય અર્થતંત્ર માટે વ્યક્ત થઈ રહેલા આશાવાદ અને વિશ્વાસ પુરજોશમાં છે અને એમાં તથ્ય પણ છે ત્યારે લાંબા ગાળાના રોકાણનો અભિગમ લાંબો લાભ આપશે.