મિડકૅપ આઇટીના જોરે આઇટી ઇન્ડેક્સ વધુ ૧.૭૯ ટકા સુધરી ૪૩,૩૫૧
માર્કેટ મૂડ
પ્રતીકાત્મક તસવીર
ગુરુવારે શરૂઆતના અડધા કલાકમાં જ બુધવારના બંધથી નીચે રહ્યા બાદ નિફ્ટી એ લેવલથી પૂરો દિવસ ઉપર જ રહ્યો એ સારો સંકેત ગણાય કે ન ગણાય એ નક્કી કરવા ગુરુવાર નિફ્ટીના વિક્લી ઑપ્શન્સનો સેટલમેન્ટ દિવસ છે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. બૅન્ક નિફ્ટી અને નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસ તો રેડમાં જ બંધ રહ્યા હતા. મિડકૅપનું પ્રતિનિધિત્વ કરતા ઇન્ડેક્સોએ નિફ્ટી-ફિફ્ટીને આઉટપર્ફોર્મ કરી 1-2 ટકા અપ બંધ આપ્યું હતું. સેન્સેક્સ નગણ્ય 0.15 ટકા સુધરીને 76,520 અને નિફ્ટી માત્ર 0.22 ટકા વધી 23,205 થયો હતો. ગુરુવારે નિફ્ટી 500 મોમેન્ટમ 50 ઇન્ડેક્સ સૌથી વધુ 2.81 ટકા વધી 51,412 થઈ ગયો હતો. વધઘટની સારી ગતિ ધરાવતા 50 મોમેન્ટમ શૅરોનો આ આંકમાં સમાવેશ થાય છે. એમાંથી બે મિડકૅપ આઇટી શૅરો કોફોર્જ 11.51 ટકાનો જમ્પ મારી 9175 રૂપિયા અને પર્સિસ્ટન્ટ 10.33 ટકા ઊછળી 6270 રૂપિયાના સ્તરે બંધ હતા. કોફોર્જનો ત્રીજા ત્રિમાસિકમાં મજબૂત દેખાવ, યુએસની એક્સેલટ્રેઇટ નામની કંપની હસ્તગત કરવાના સમાચાર અને 30મી જાન્યુઆરીની રેકૉર્ડ ડેટ સાથે 19 રૂપિયાના વચગાળાના ડિવિડંડની જાહેરાતના પગલે લેવાલી નીકળી હતી. પર્સિસ્ટન્ટ સિસ્ટમે બુધવારે બજાર બંધ થયા પછી જાહેર કરેલાં ત્રિમાસિક પરિણામોની અસર ગુરુવારે જોવા મળી હતી. જોકે આ કંપનીને કવર કરનારા 39 ઍનલિસ્ટોમાંથી 13એ સેલ અને 8એ હોલ્ડની ભલામણ કરી હોવાથી ભાવિ ચાલને લઈને મતમતાંતર સપાટી પર આવ્યા હતા. આશાવાદી અંદાજ 7200 રૂપિયાનો તો વેચવાની ભલામણ કરનારા 5000 રૂપિયાનો ભાવ મૂકે છે. અંબર એન્ટરપ્રાઇજીસે ગુરુવારે બજાર બંધ થયા પછી પરિણામ જાહેર કર્યાં એ પૂર્વે ભાવ 7.43 ટકા વધી 6750 રૂપિયા બંધ રહ્યો હતો. તમામ અંદાજોથી વધુ સારા આંકડા રજૂ કરી કંપની ત્રીજા ત્રિમાસિકમાં નફામાં આવી ગઈ હતી.