એનસીડીઈએક્સમાં ઇસગબુલના મે મહિનાના કૉન્ટ્રૅક્ટ ચાલુ થશે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
એનસીડીઈએક્સ (નૅશનલ કૉમોડિટી ઍન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ) પર બુધવારે ૧૯થી ઇસબગુલના વાયદા શરૂ થયા હતા. ઇસબગુલના વાયદા શરૂ થવા અંગે કેડિયા કૉમોડિટીઝના ડિરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું હતું કે ઇસબગુલની માર્કેટમાં હાલ મોટી વધ-ઘટ થઈ રહી છે અને ઇસબગુલ ૮૦ ટકા એક્સપોર્ટેબલ કૉમોડિટી હોવાથી હેજિંગ ટૂલ્સ તરીકે ઇસબગુલના વાયદાની ઇન્ડસ્ટ્રીઝની મોટી જરૂરિયાત હતી જે એનસીડીઈએક્સ દ્વારા વાયદા ચાલુ થતાં પૂરી થશે એવો અંદાજ છે. એનસીડીઈએક્સમાં ઇસગબુલના મે મહિનાના કૉન્ટ્રૅક્ટ ચાલુ થશે. કૉન્ટ્રૅક્ટ સ્પેસિફિકેશન પ્રમાણે ભાવ ક્વિન્ટલમાં બતાવવામાં આવશે. ટ્રેડિંગ યુનિટ ત્રણ ટનનું અને ડિલિવરી પણ ત્રણ ટનની થશે. મૅક્સિમમ ઑર્ડર સાઇઝ ૧૫૦ ટનની હતી.
ઇસબગુલનું વાવેતર ચાલુ વર્ષે ૨૫થી ૩૦ ટકા વધતાં ૩૦થી ૩૨ લાખ બોરી (એક બોરી-૭૫ કિલો)નું ઉત્પાદન થવાનો અંદાજ મુકાઈ રહ્યો છે, જ્યારે કેટલાક ફૉરેન બાયરો ૩૪થી ૩૫ લાખ બોરી ઇસબગુલનું ઉત્પાદન થવાનો અંદાજ મૂકતા હતા, પણ રાજસ્થાનમાં માર્ચમાં છ માવઠાં થતાં હવે માત્ર ૨૩ લાખ બોરી ઉત્પાદન થવાનો અંદાજ છે, જેને કારણે ઇસબગુલના ભાવ સતત વધી રહ્યા છે. ઇસબગુલનું ૭૦થી ૮૦ ટકા ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે. ગયા વર્ષે જૂન મહિનામાં ઇસબગુલના ભાવ ઊંઝા મંડીમાં પ્રતિ મણ ૨૮૦૦થી ૩૫૦૦ રૂપિયા હતા એ સીઝનની શરૂઆતમાં ૩૫૦૦થી ૩૭૫૦ રૂપિયા હતા જે મંગળવારે ઊંઝા મંડીમાં ઊંચામાં ૪૬૦૦થી ૪૭૦૦ રૂપિયા અને ઍવરેજ વરાઇટીના ભાવ ૪૨૦૦થી ૪૫૫૦ રૂપિયા હતા.