ઇઝરાયલ-હમાસ બન્ને પક્ષો યુદ્ધ-સમાપ્તિ મુદ્દે સંમત થયાની કતારની જાહેરાત
કૉમોડિટી કરન્ટ
સોનું-ચાંદીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
જપાનના ઇન્ટરેસ્ટ રેટ વધવાના સંકેતને પગલે ડૉલર ઇન્ડેક્સ ઘટતાં સોના-ચાંદીમાં મજબૂતી વધી હતી. જોકે ઇઝરાયલ-હમાસ યુદ્ધ-સમાપ્તિ મુદ્દે સંમત થયાની કતારે જાહેરાત કરતાં સોના-ચાંદીનો વધારો મર્યાદિત રહ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૬૭૨.૭૦ ડૉલર અને ચાંદી વધીને ૨૯.૮૭ ડૉલરે પહોંચી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૨૮૦ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૦૭૦ રૂપિયા ઘટ્યો હતો. સોના-ચાંદીના ભાવ એકધારા વધ્યા હોવાથી પ્રત્યાઘાતી ઘટાડો નોંધાયો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ADVERTISEMENT
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ ૦.૩૬ ટકા ઘટીને ૧૦૯.૬૦ પૉઇન્ટે પહોંચ્યો હતો. બૅન્ક ઑફ જપાનના ડેપ્યુટી ગવર્નર રોયઝો હિમિનોએ આગામી સપ્તાહે યોજાનારી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થવાના ચાન્સ વિશે પૉઝિટિવ કમેન્ટ કરતાં તેમ જ ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડના ડૉલરની મજબૂતીથી ડૉલર ઇન્ડેક્સમાં નજીવો ઘટાડો નોંધાયો હતો. ૨૦૨૫માં ફેડ માત્ર ૨૯ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ કરશે એવી માર્કેટમાં નવી ધારણાને પગલે ડૉલર ઇન્ડેક્સમાં વધુ ઘટાડો નોંધાયો નહોતો, અગાઉ ધારણા ૫૦ બેસિસ પૉઇન્ટના રેટ-કટની હતી.
ચાઇનીઝ ગવર્નમેન્ટ દ્વારા સ્ટિમ્યુલસ પૅકેજ અંતર્ગત અનેક રાહતપૅકેજો જાહેર કર્યા બાદ હવે એની અસર દેખાવાની શરૂ થઈ છે. ચાઇનીઝ બૅન્કો પાસેથી લોન લેનારાઓની સંખ્યા ડિસેમ્બરમાં વધીને ૯૯૦ અબજ યુઆને પહોંચી હતી જે નવેમ્બરમાં ૫૮૦ અબજ યુઆન હતી અને માર્કેટની ધારણા ૮૫૦ અબજ યુઆનની લોનની હતી એના કરતાં વધુ લોન લેવામાં આવી હતી.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ-સમાપ્તિની મંત્રણા લાંબા સમયથી ચાલી રહી છે ત્યારે એકાએક કતારના સ્પોકપર્સને જાહેર કર્યું હતું કે બન્ને દેશો વચ્ચેના મોટા ભાગના વિવાદોનું સમાધાન થઈ ચૂક્યું છે અને હવે બન્ને દેશો યુદ્ધ-સમાપ્તિના ઍગ્રિમેન્ટથી એકદમ નજીક પહોંચી ગયા છે. ડોનલ્ડ ટ્રમ્પે થોડા સમય પહેલાં હમાસને ધમકી આપી હતી કે સત્તાગ્રહણ સમારોહ પહેલાં તમામ બંધકોને છોડી મૂકવામાં આવે અન્યથા મોટી ખાનાખરાબી સર્જાશે. ટ્રમ્પના સત્તાગ્રહણ સમારોહને હવે એક જ સપ્તાહ બાકી રહ્યું છે ત્યારે કતારના સ્પોકપર્સનની જાહેરાત સૂચક માનવામાં આવી રહી છે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
બૅન્ક ઑફ જપાનના ડેપ્યુટી ગવર્નર રોયઝો હિમિનોએ દસ દિવસ બાદ યોજાનારી પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થવાની શક્યતા ઊજળી હોવાની કમેન્ટ કરી હતી. જપાનનું હેડલાઇન ઇન્ફ્લેશન સપ્ટેમ્બરમાં ૨.૫ ટકા, ઑક્ટોબરમાં ૨.૩ ટકા રહ્યા બાદ નવેમ્બરમાં ઊછળીને ૨.૯ ટકાએ પહોંચ્યું હતું એ જ રીતે કોર ઇન્ફ્લેશન નવેમ્બરમાં વધીને નવ મહિનાની ઊંચી સપાટીએ ૨.૪ ટકાએ પહોંચ્યું હતું. જપાનનું ઇન્ફ્લેશન ઝડપથી વધી રહ્યું હોવાથી ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની જરૂરિયાત વધી રહી છે. વિશ્વની તમામ સેન્ટ્રલ બૅન્કો ૨૦૨૨થી ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરી રહી હતી ત્યારે છેક ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી જૅપનીઝ બૅન્કે નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી ચાલુ રાખી હતી. ત્યાર બાદ ફેબ્રુઆરી ૨૦૨૪માં ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો હતો. ત્યાર બાદ મે અને જુલાઈમાં પણ બે વખત ઇન્ટરેસ્ટ રેટ વધારો કર્યા બાદ હવે ચોથી વખત ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થવાની સંભાવના વધી છે. ડૉલર ઇન્ડેક્સમાં યુરોનું વેઇટેજ ૫૭.૬ ટકા બાદનું ૧૩.૬ ટકા વેઇટેજ જપાનીઝ યેનનું હોવાથી જો જપાન ઇન્ટરેસ્ટ વધારશે તો ડૉલરની તેજીને બ્રેક લાગશે અને ડૉલર ઘટતાં સોનાની ખરીદીનું આકર્ષણ વધશે જેનાથી સોનામાં તેજીનું નવું કારણ ઉમેરાશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૮,૩૦૮
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૭,૯૯૪
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૯,૮૦૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)