કુલ ચુકવણીમાં એલઆઇસીનો ૭૦ ટકાથી પણ વધુ હિસ્સો
પ્રતીકાત્મક તસવીર
કોવિડના રોગચાળાને કારણે વીમા કંપનીઓ દ્વારા માર્ચ ૨૦૨૨ સુધી ૨.૨૫ લાખથી વધુ મૃત્યુના દાવાઓનું સમાધાન કરવામાં આવ્યું હતું, એમ ઇન્શ્યૉરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (આઇઆરડીએ)એ જાહેર કરેલા એના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું.
તેણે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય વીમા કંપનીઓ અને સ્ટૅન્ડ-અલોન હેલ્થ ઇન્શ્યૉરન્સે કોવિડ સારવાર સંબંધિત મોટી સંખ્યામાં દાવાઓ મેળવ્યા હતા જેને ઉદ્યોગે ‘ખૂબ અસરકારક રીતે’ હૅન્ડલ કર્યા હતા અને અંદાજે ૨૫ હજાર કરોડ રૂપિયાના દાવાઓનું સમાધાન કર્યું હતું.
ADVERTISEMENT
રિપોર્ટના ડેટા મુજબ કુલ ૨૬,૫૪,૦૦૧ હેલ્થ વીમા દાવાઓનું સમાધાન કરવામાં આવ્યું હતું. ઇરડાઇએ જણાવ્યું હતું કે વીમા કંપનીઓએ રોગચાળાને ધ્યાનમાં રાખીને ૨.૨૫ લાખથી વધુ મૃત્યુ-દાવાઓની પતાવટ કરી હતી અને ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધીના દાવાઓ માટે ૧૭,૨૬૦ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.
જીવન વીમા ઉદ્યોગે ૨૦૨૧-૨૨માં ૫.૦૨ લાખ કરોડ રૂપિયાના લાભો ચૂકવ્યા હતા જે ચોખ્ખા પ્રીમિયમના ૭૩.૧ ટકા છે. ચૂકવવામાં આવેલા કુલ લાભોમાં એલઆઇસીનો હિસ્સો ૭૦.૩૯ ટકા હતો અને બાકીનો ૨૯.૬૧ ટકા ખાનગી વીમા કંપનીઓનો હતો.