Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ૨૦૨૨માં શૅરબજાર : ઈસ્ટ યા વેસ્ટ, ઇન્ડિયા ઇઝ બેસ્ટ : ૨૦૨૩ માટે ઊંચો આશાવાદ

૨૦૨૨માં શૅરબજાર : ઈસ્ટ યા વેસ્ટ, ઇન્ડિયા ઇઝ બેસ્ટ : ૨૦૨૩ માટે ઊંચો આશાવાદ

Published : 02 January, 2023 01:49 PM | IST | Mumbai
Jayesh Chitalia

બજાર માટે સૌથી મોટી ચિંતા અને ચિંતનનો વિષય ચીન સહિતના કેટલાક દેશોમાં શરૂ થયેલા કોવિડના આક્રમણનો બની રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


વર્ષ ૨૦૨૨ એકંદરે સ્ટૉક માર્કેટ માટે સારું રહ્યું, ૨૦૨૩ માટે એક તરફ ઊંચો આશાવાદ અને ઇન્ડેક્સની નવી-નવી ઊંચાઈની આગાહીઓ-ધારણાઓ વ્યક્ત થઈ રહી છે અને બીજી તરફ યુએસમાં રિસેશનના ભયના વરતારા વધતા જતાં કરેક્શનના પણ સંકેત છે, આ બધાની વચ્ચે ભારતીય અર્થતંત્ર અનેક પડકારો સામે પણ એની (પ્ર)ગતિમાં વ્યસ્ત છે. જોકે હાલ બજાર માટે સૌથી મોટી ચિંતા અને ચિંતનનો વિષય ચીન સહિતના કેટલાક દેશોમાં શરૂ થયેલા કોવિડના આક્રમણનો બની રહ્યો છે


ભારત માટે આનંદ અને ગૌરવની વાત એ છે કે ભારતીય શૅરબજારે વિશ્વનાં બજારો સામે સતત ત્રીજા વર્ષે બેસ્ટ કામગીરી દર્શાવી છે. ૨૦૨૨માં સતત વૉલેટિલિટી વચ્ચે પણ ભારતીય સ્ટૉક માર્કેટે પાંચ ટકા વૃદ્ધિ હાંસલ કરી છે, જ્યારે કે વિશ્વનાં અન્ય બજારો મહદઅંશે નેગેટિવ રહ્યાં છે. ગ્લોબલ ફન્ડ મૅનેજરો દ્વારા જેનો ભારતીય શૅરબજારની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે મહત્તમ ઉપયોગ થાય છે એ એમએસસીઆઇ ઇન્ડિયા ઇન્ડેક્સે ૨૦૨૨માં વર્લ્ડ એમએસસીઆઇ ઇન્ડેક્સ કરતાં ૨૦ ટકા બહેતર કામગીરી દર્શાવી છે. આ કામગીરી આઠ વર્ષમાં સૌથી ઊંચી રહી છે. નોંધપાત્ર વાત એ પણ ખરી કે આમાં રીટેલ-નાના રોકાણકારોનો મોટો ફાળો રહ્યો છે. આ રીટેલ રોકાણકારોનો વર્ગ દર મહિને સતત માર્કેટમાં નાણાપ્રવાહ વહાવતો રહ્યો.



ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સના ૧.૨ લાખ કરોડ રૂપિયાના વેચાણ સામે ભારતીય મ્યુચ્યુઅલ ફન્ડ્સ દ્વારા બે લાખ કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. દર મહિને એસઆઇપીનો પ્રવાહ પણ મજબૂત રહ્યો. ૨૦૨૩માં વૉલેટિલિટી ચાલુ રહેશે, ભાવો સંભવતઃ દબાણ હેઠળ રહી શકે, પરંતુ ભારતીય ઇક્વિટીઝનું પર્ફોર્મન્સ સારું રહેશે અને ઇન્ડેક્સ નવી ઊંચાઈ હાંસલ કરશે એવી ધારણા મુકાય છે. 


અન્ય વિદેશી માર્કેટ્સમાં નેગેટિવ વળતર

વિશ્વનાં મોટા ભાગનાં શૅરબજારોએ છેલ્લા એક વર્ષમાં નકારાત્મક વળતર આપ્યું છે. વિયેટનામ અને રશિયામાં તો બજાર ૪૦ ટકા, જ્યારે અમેરિકા, હૉન્ગકૉન્ગ, કોરિયા, ન્યુ ઝીલૅન્ડ અને અન્ય ઘણા યુરોપિયન દેશોનાં બજારમાં દસથી પચીસ ટકા સુધીનું નકારાત્મક વળતર રહ્યું છે, એમ એક અભ્યાસમાં કહેવાયું છે. ઊભરતી બજારોમાં ભારતીય બજારે સૌથી અધિક વળતર આપ્યું છે અને હવે અન્ય બજારોથી પ્રીમિયમે ટ્રેડ થાય છે અને ભવિષ્યમાં પણ એ જ વલણ ચાલુ રહેવાની આશા છે. દરમ્યાન રોકાણકારોનો બહુ મોટો વર્ગ માને છે કે ૨૦૨૩માં ભારતીય ઇકૉનૉમી સારી કામગીરી બજાવશે, ખાસ કરીને એ ચીન, યુએસ અને યુરોપ કરતાં બહેતર રહેશે. જોકે ભારતની ટ્રેડ ડેફિસિટ કે ફિસ્કલ ડેફિસિટની અને ઇન્ફ્લેશનની ઉપેક્ષા થઈ શકે નહીં તેમ જ ગ્લોબલ અનિશ્ચિતતા તેમ જ કોવિડના પરિબળને પણ ધ્યાનમાં રાખવું પડે. 


પાંચ વર્ષમાં એક લાખના સેન્સેક્સની ધારણા કેટલી ફળશે?

ગ્લોબલ ઇન્વેસ્ટર અને અભ્યાસી ક્રિસ્ટોફર વુડના મતે ૨૦૨૭ સુધીમાં સેન્સેક્સ એક લાખ થઈ શકે છે. તેઓ તો ત્યાં સુધી આશાવાદી છે કે આ એક લાખનો આંકડો ૨૦૨૫ સુધીમાં પણ હાંસલ થઈ શકે છે. માર્કેટના અનેક આશાવાદીઓ આ મતને પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સમર્થન આપતા હોવાના અહેવાલ છે. ઑક્ટોબર ૨૦૧૮માં સેન્સેક્સ ૩૪,૦૦૦ હતો ત્યારે કોણ કલ્પના કરતું હતું કે એ ૨૦૨૨માં ૬૨,૦૦૦ પર પહોંચી જશે! હાલના ગ્લોબલ અને લોકલ સિનારિયોને ધ્યાનમાં રાખતાં ભારતીય માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ માટે આ ઉમ્મીદ વધુ પડતી લાગતી હોય તો પણ વિચારવા જેવી ખરી, કારણકે નાણાપ્રવાહનો ધોધ સતત બજાર તરફ અને ઇન્ડેક્સના લગડી સ્ટૉક્સ તરફ વળી રહ્યો છે. યાદ રહે, ભારતમાં સેવિંગ કલ્ચર હવે ઇન્વેસ્ટમેન્ટ કલ્ચરમાં ઝડપથી ફેરવાઈ રહ્યું છે. ફાઇનૅન્શિયલ ઍસેટ્સમાં રોકાણસાધનો અને પ્રવાહ વધતો રહેવાનો છે. 

વીતેલા સપ્તાહની વધ-ઘટ

રોકાણકારોના માનસમાં હાલ ગંભીરપણે ફેલાઈ રહેલો ભય છે એ કોવિડના પ્રસારનો, એને પગલે લૉકડાઉન અથવા આવનારાં સંભવિત અંકુશો-નિયંત્રણોનો, ધંધાપાણી કથળવાનો, બેરોજગારી વધવાનો, આવકનું સ્તર ઘટવાનો વગેરે, જેનો સામનો આમ તો અગાઉ તેઓ કરી ચૂક્યા છે. તેમ છતાં, આ ભયથી મુક્ત રહેવું કઠિન છે. જોકે મજાની વાત એ છે કે ગયા સોમવારે સેન્સેક્સે ૭૨૧ પૉઇન્ટના ઉછાળા સાથે બાઉન્સબૅક કર્યું હતું અને નિફ્ટી ૧૮,૦૦૦ પર બંધ રહ્યો હતો. મંગળવારે બજારે સુધારાની ગતિ ચાલુ રાખી પુનઃ પૉઝિટિવ બંધ આપ્યો હતો. નિફ્ટી ૧૮,૦૦૦ પર બંધ રહ્યો અને સેન્સેક્સ ૬૧,૦૦૦ની નજીક પહોંચ્યો. ચીને કોવિડ સંબંધી અંકુશ હળવા કરતાં અને ગ્લોબલ સંકેત સકારાત્મક રહેવાથી આમ થયું હતું. બુધવારે માર્કેટ ઑલમોસ્ટ ફ્લૅટ રહ્યું. જોકે ગુરુવારે બજાર આરંભમાં ફરી કરેક્શનનાં દર્શન કરાવીને  રિકવરી તરફ વળી ગયું હતું, જેમાં સેન્સેક્સ ૨૨૩ અને નિફ્ટી ૬૮ પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા. ગ્લોબલ કારણો જ આ વધઘટ માટે જવાબદાર હતાં. શુક્રવારે પ્લસમાં શરૂ થયેલી માર્કેટ વર્ષના અંતિમ ટ્રેડિંગ દિવસે નેગેટિવ બંધ રહી. સેન્સેક્સ ૨૯૩ પૉઇન્ટ ઘટીને ૬૦,૮૪૦ અને નિફ્ટી ૮૫ પૉઇન્ટ ઘટીને ૧૮,૧૦૫ રહ્યા. ગ્લોબલ રિસેશન અને કોવિડનો ભય હાલ આવી વૉલેટિલિટી ચાલુ રખાવશે એવું કહેવાય છે, જેમાં ટ્રેડર્સ-મોટા પ્લેયર્સ રિસ્ક લઈને બાર્ગેઇન ગેમ રમશે. દરમ્યાન ચીનમાં કોવિડ સંબંધી હળવા બનાવાઈ રહેલા નીતિનિયમો ચીન ફરીથી સક્રિય બનશે એવા સંકેત આપે છે, જે ગ્લોબલ ઇકૉનૉમી માટે મહત્ત્વના છે. ઇન શૉર્ટ, ૨૦૨૩માં માર્કેટ વૉલેટાઇલ રહેવાની શક્યતા વચ્ચે રોકાણકારોએ દરેક મોટા કરેક્શનને લાંબા ગાળાની તક બનાવવામાં સાર રહેશે.

નાણાં બનાવવાં હોય તો નિષ્ક્રિય રહો : વૉરન બફેટ 

વૉરન બફેટ કહે છે, વૉલ સ્ટ્રીટ (આપણા માટે દલાલ સ્ટ્રીટ) ઍક્ટિવિટી પર નાણાં બનાવે છે, જ્યારે તમે નિષ્ક્રિય (નૉન-ઍક્ટિવિટી) રહીને નાણાં બનાવી શકો છો અર્થાત્ માર્કેટમાં નાણાં રોક્યા બાદ અંદર-બહાર થવાનું ટાળો, બસ નિરીક્ષણ કરતા રહો. 

વર્ષ ૨૦૨૨ના આંકડાકીય પ્લસ-માઇનસ

આ વર્ષ ૨૦૨૨માં રોકાણકારોની મૂડીમાં ૧૬.૪૫ લાખ કરોડ રૂપિયાની વૃદ્ધિ નોંધાઈ. નિફ્ટીએ છેલ્લાં ૨૬ વર્ષમાં સતત સાતમા વર્ષે પૉઝિટિવ વળતર આપ્યું. જાહેર ક્ષેત્રની બૅન્કોએ ૨૦૨૨માં સૌથી ઊંચું રિટર્ન આપ્યું. નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ૭૦ ટકા જેટલો વધ્યો. ડિફેન્સ અને રેલવે સેક્ટરના સ્ટૉક્સની કામગીરી પણ સારી રહી. મિડ કૅપ અને સ્મૉલ કૅપ સ્ટૉક્સના રોકાણકારોએ ખોટ સહન કરવાની આવી.

નાયકા, ઝોમૅટો, પીબી ફિનટેક, પેટીએમ, દેલ્હીવેરી જેવા ન્યુ એજ ઇકૉનૉમીના સ્ટૉક્સમાં ૪૦થી ૬૦ ટકાનું ગાબડું પડ્યું. 

એલઆઇસીના આઇપીઓએ પણ લોકોની મૂડીનું ધોવાણ કરાવ્યું. 

૨૦૨૩માં સંખ્યાબંધ આઇપીઓ માર્કેટમાં પ્રવેશવાની કતારમાં, જેમાં અદાણી ગ્રુપની પાંચેક કંપનીઓ પણ સામેલ હશે.

૨૦૨૩ના માર્કેટ ટ્રેન્ડ પર અસર કરનાર નજીકની ઘટનાઓમાં કેન્દ્રીય બજેટ, રિઝર્વ બૅન્કની પૉલિસી અને યુએસ ઇકૉનૉમી તથા ફેડરલ રિઝર્વના સંકેત રહેશે. 

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2023 01:49 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK