શૅરબજારમાં મોટી કંપનીઓના ભાવ વધ્યા, નબળી કંપનીઓમાં ધોવાણ
બીએસઈ
આજે વિક્રમ સંવત ૨૦૭૫ના ટ્રેડિંગના અંતિમ દિવસે શૅરબજારમાં ભારે વધઘટ જોવા મળી હતી અને દિવસના અંતે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના સહારે બજાર મજબૂતી સાથે બંધ આવ્યાં હતાં. ભારતમાં લોકસભાની ચૂંટણીઓ યોજાઈ હતી અને એની સાથે ફરી એક વખત નરેન્દ્ર મોદી વધુ મજબૂત અને શક્તિશાળી નેતા તરીકે સત્તા ઉપર આવ્યા હોવા છતાં બજારમાં એકંદરે શૅરબજાર માટે સમય પડકારજનક રહ્યો છે. આમ છતાં, કેટલીક ટોચની કંપનીઓના શૅરના ભાવમાં જોવા મળેલી જોરદાર તેજીના કારણે બજારમાં રોકાણકારોની કુલ સંપત્તિ ૮,૫૯,૧૩૩ કરોડ રૂપિયા જેટલી વધી છે.
સંવત ૨૦૭૫ દરમિયાન સેન્સેક્સ ૧૨ ટકા અને નિફ્ટી ૧૦ ટકા વધીને બંધ આવ્યા હતા. છેલ્લાં ચાર વર્ષમાં દિવાળીએ પૂર્ણ થતા વર્ષમાં આ બજારનું સૌથી શ્રેષ્ઠ વર્ષ રહ્યું છે એમ ગણી શકાય,પણ બજાર સામે અનેક પડકાર હતા. નબળી પડી રહેલી નાણાવ્યવસ્થા – ખાસ કરીને ગયા ઑક્ટોબરમાં આઇએલઍન્ડએફએસ ધ્વસ્ત થઈ ગયા પછી એની અસર ઘણી કંપનીઓ ઉપર, બૅન્કો ઉપર અને એનબીએફસી ક્ષેત્ર ઉપર જોવા મળી હતી. એવી સંખ્યાબંધ કંપનીઓ જોવા મળી હતી કે જે દેવું પરત ચૂકવવામાં નિષ્ફળ રહી છે. આર્થિક વિકાસ માંડ પડી રહ્યો હોવાથી બૅન્કોનું ધિરાણ ઘટ્યું છે અને વાહનોના વેચાણની અસર પણ બજાર ઉપર સતત જોવા મળી રહી હતી.
ADVERTISEMENT
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે રિલાયન્સ જિયો અને રિલાયન્સ રીટેલ હવે નવા વ્યવસાય બની રહ્યા છે. બન્ને કંપનીઓનું વેચાણ અને નફો મુખ્ય બિઝનેસ કરતાં સતત વધી રહ્યાં છે. બીજી તરફ, કંપનીએ દેવું ઘટાડવાની યોજના જાહેર કરી હોવાથી સતત આ કંપનીના શૅરના ભાવમાં ખરીદી જોવા મળી રહી છે. કોટક મહિન્દ્ર, આઇસીઆઇસીઆઇ બૅન્ક અને એચડીએફસી બૅન્ક બજારની અન્ય કોઈ પણ બૅન્ક કરતાં વધારે સક્ષમ રીતે બૅન્કિંગમાં વિસ્તરી રહી છે. આ ત્રણ ઉપર નબળી લોન કે ધિરાણદરમાં જોવા મળેલા ઘટાડાની અત્યારે અસર જોવા મળી રહી નથી એટલે શૅરના ભાવ સતત વધી રહ્યા છે.
નબળી પડેલી આ કંપનીઓની યાદી એવી છે કે જેમાં મોટા ભાગે કંપનીઓ ઉપર દેવું વધી ગયું છે અને એની પરત ચુકવણીનાં ફાંફાં છે. દેવું વધવાની સામે હવે એમાં નવી મૂડી ઉમેરવાની જગ્યા પણ ઘટી રહી છે એટલે કંપનીનાં ભાવિ ઉપર પ્રશ્નાર્થ છે અને એટલે એના ભાવ ઘટી રહ્યા છે. રેટિંગ એજન્સીઓ ઉપર આઇએલઍન્ડએફએસ સમયે બેધ્યાન રહ્યા હોવાનો આક્ષેપ છે, સેબી તપાસ કરી રહી હોવાથી એના શૅર પણ ઘટી રહ્યા છે.
વ્યાપક બજારમાં જોઈએ તો નિફ્ટી ૫૦૦ ઇન્ડેક્સ અને બીએસઈ ૫૦૦ ઇન્ડેક્સ માત્ર છ ટકા વધ્યા હતા. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ઘટીને બંધ આવ્યો છે, જ્યારે મિડ કૅપ ઇન્ડેક્સ માત્ર ૧ ટકાનો વધારો દર્શાવે છે. એનએસઈ ઉપર મિડ કૅપ ઇન્ડેક્સ ૬.૮૦ ટકા અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૮.૫૦ ટકાનો ઘટાડો દર્શાવે છે. આ નાની અને મધ્યમ કંપનીઓના શૅરમાં ધોવાણ જોવા મળ્યું છે એમ ચોક્કસ કહી શકાય.
નિફ્ટી ઑટો ઇન્ડેક્સ આ સંવત દરમિયાન ૧૩ ટકા અને પીએસયુ ઇન્ડેક્સ આ સંવત દરમિયાન ૨૪ ટકા જેટલા ઘટ્યા હતા. જોકે, એચડીએફસી, કોટક અને આઇસીઆઇસીઆઇ બૅન્કના કારણે નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ ૧૨ ટકા જેટલો વધીને બંધ આવ્યો છે.