ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૧.૪૫ પર ખૂલ્યો હતો અને દિવસના અંતે ૮૧.૩૭ પર બંધ રહ્યો હતો,
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતીય રૂપિયો ડૉલર સામે ગુરુવારે ૭ પૈસા ઘટીને બંધ રહ્યો હતો. વિદેશી ફંડોનો પ્રવાહ ધીમો પડતાં અને શૅરબજારમાં પણ તેજીને બ્રેક લાગી હોવાથી રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો હતો.
ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૧.૪૫ પર ખૂલ્યો હતો અને દિવસના અંતે ૮૧.૩૭ પર બંધ રહ્યો હતો, જે આગલા દિવસની તુલનાએ ૭ પૈસાનો ઘટાડો બતાવે છે. આગલા દિવસે રૂપિયો ૮૧.૩૦ પર બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનો ભાવ આજે મામૂલી ઘટીને ૮૪.૧૮ ડૉલરની સપાટી પર પહોંચ્યો હતો.
એચડીએફસી સિક્યૉરિટીઝના રિસર્ચ ઍનલિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું હતું કે શૅરબજારમાં નિષ્ક્રીયતા અને નબળી એશિયન કરન્સી વચ્ચે ભારતીય રૂપિયામાં સુધારો અટક્યો હતો. સ્ટાર્ટ-અપ્સને સંસ્થાકીય રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાથી રૂપિયાને ટેકો મળી રહ્યો છે. ટૂંકા ગાળામાં રૂપિયો ૮૧.૨૦ની સપાટી તોડશે તો ૮૦.૬૦ની સપાટી આવે એવી સંભાવના છે. ઉપરમાં ૧૦૦ દિવસની સરેરાશ ઍવરેજ ૮૧.૭૦નું લેવલ મહત્ત્વના ટૉપ તરીકે કામ કરશે.