Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > મહામારી પછી અર્થતંત્ર સ્ટેબલ થયું, પણ મોટો વર્ગ હજીયે આર્થિક રીતે સ્ટેબલ થયો નથી; આગામી ચોમાસું નબળું

મહામારી પછી અર્થતંત્ર સ્ટેબલ થયું, પણ મોટો વર્ગ હજીયે આર્થિક રીતે સ્ટેબલ થયો નથી; આગામી ચોમાસું નબળું

Published : 06 March, 2023 03:59 PM | IST | Mumbai
Jitendra Sanghvi

જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારના રેવન્યુ ખર્ચમાં ૧૩ ટકાનો, પણ મૂડી ખર્ચમાં ૬૦ ટકા જેટલો મોટો વધારો થયો.

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

આર્થિક પ્રવાહ

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર


ગયા અઠવાડિયે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ડિસેમ્બર ક્વૉર્ટરનો આપણા આર્થિક વિકાસનો ૪.૪ ટકાનો દર સતત ત્રીજા ક્વૉર્ટર માટે ઘટ્યો છે (ફિસ્કલ ૨૩નાં પ્રથમ બે ક્વૉર્ટરમાં આ દર ૧૩.૨ ટકા અને ૬.૩ ટકા હતો) તો પણ ચાલુ નાણાકીય વરસના સરકારના સાત ટકાના લક્ષ્યાંકની પ્રાપ્તિ માટે માર્ચ ક્વૉર્ટરમાં આ દર ૩.૮ ટકાનો રહેવો જોઈએ.


ડિસેમ્બર ક્વૉર્ટરનો દર ધીમો કેમ પડ્યો અને માર્ચ ક્વૉર્ટરનો લક્ષ્યાંક સિદ્ધ થશે કે નહીં એનાં કારણો તપાસીએ એ પહેલાં એ વાત ધ્યાનમાં રહે કે વિશ્વના આર્થિક સ્લોડાઉનમાં ટૂંકા ગાળામાં તો સુધારાની કોઈ અપેક્ષા રાખી શકાય એમ નથી. એટલું જ નહીં, વિશ્વના અનેક દેશો, ખાસ કરીને યુરો-ઝોન (સ્પેન, જર્મની અને ફ્રાન્સ) અને પાકિસ્તાન તથા શ્રીલંકાની ભાવવધારાની સમસ્યા હજી પણ ઉગ્ર બનતી જાય છે.



આ સંદર્ભમાં બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ભવિષ્યમાં વ્યાજના દર વધારવાનો સંકેત આપ્યો છે.


ડિસેમ્બર ક્વૉર્ટરમાં મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રના વિકાસનો દર એક ટકા જેટલો ઘટ્યો છે.

માર્ચ ક્વૉર્ટરની વાત કરીએ તો ફેબ્રુઆરીનાં મેક્રો-ઇકૉનૉમિક પૅરામીટર્સ મિશ્ર વલણ દર્શાવે છે:


 જીએસટીની આવકમાં ૧૨ ટકાનો વધારો. ઉત્પાદન ક્ષેત્રનો પર્ચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ ચાર મહિનાનો સૌથી નીચો (૫૫.૩) તો સેવાના ક્ષેત્રનો પીએમઆઇ ૧૨ વરસનો સૌથી ઊંચો (૫૯.૪), પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને વિમાન માટેના ફ્યુઅલના વપરાશમાં સારો એવો વધારો અને જાન્યુઆરી મહિને કોર સેક્ટર ઇન્ડેક્સનો ચાર મહિનાનો સૌથી મોટો વધારો (૭.૮ ટકા).
જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારના રેવન્યુ ખર્ચમાં ૧૩ ટકાનો, પણ મૂડી ખર્ચમાં ૬૦ ટકા જેટલો મોટો વધારો થયો. ફિસ્કલ ૨૩ના પ્રથમ નવ મહિના (એપ્રિલ-ડિસેમ્બર)ના સરેરાશ ૫૪,૦૦૦ કરોડ રૂપિયના મૂડી ખર્ચ સામે જાન્યુઆરી મહિને આ ખર્ચ ૮૦,૦૦૦ કરોડ રૂપિયા જેટલો મોટો રહ્યો. પરિણામે ચાલુ નાણાકીય વરસના પ્રથમ ૧૦ મહિનામાં ફિસ્કલ ડેફિસિટ આખા વરસની ફિસ્કલ ડેફિસિટના ૬૮ ટકા (ગયા વરસે ૫૯ ટકા) જેટલી થઈ તો પણ કરવેરાની ચોખ્ખી આવકના મોટા વધારાને કારણે ચાલુ વરસે ફિસ્કલ ડેફિસિટના જીડીપીના ૬.૪ ટકાના લક્ષ્યાંકને વળગી રહેવામાં ખાસ મુશ્કેલી નહીં પડે એવો નિષ્ણાતોનો અભિપ્રાય છે. 

ફેબ્રુઆરી છેલ્લાં ૧૨૨ વરસનો સૌથી વધુ ગરમીવાળો મહિનો રહ્યો. માર્ચથી મે મહિનામાં દેશના મોટા ભાગમાં હીટવેવની સંભાવના છે. ગયે વરસે આવી જ પરિસ્થિતિને કારણે ઘઉંના પાક પર અવળી અસર થયેલી. સાઉથ-વેસ્ટ મૉન્સૂન પણ નબળું રહી શકે.

દરમ્યાન રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં બીજેપીને સારી સફળતા મળી છે: નાગાલૅન્ડમાં એણે પ્રાદેશિક પક્ષના જોડાણ સાથે ફરી સત્તા હાંસલ કરી છે. મેઘાલયમાં એ નૅશનલ પીપલ્સ પક્ષને સરકાર બનાવવામાં મદદ કરશે તો ત્રિપુરામાં એણે બહુમતી સાથે સત્તા ટકાવી રાખી છે. આમ પોતે માત્ર એક વિકલ્પ તરીકે નહીં, પણ ભરોસાપાત્ર પસંદગી તરીકે ઉત્તર-પૂર્વનાં આ રાજ્યોની પ્રજાને સ્વીકાર્ય છે એમ સાબિત કરવામાં બીજેપીને સફળતા મળી છે. પાંચ રાજયોની વિધાનસભાની પેટા ચૂંટણીની છ બેઠકોમાંથી એનડીએને ત્રણ અને કૉન્ગ્રેસને ત્રણ બેઠક મળી છે. ટૂંકમાં વિધાનસભાની ચૂંટણીઓમાં મતદારોનો વિશ્વાસ સંપાદન કરીને બીજેપી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓમાં બહુમતીએ પોતાની જીત અંકે કરતી જાય છે.

ડિસેમ્બર ક્વૉર્ટરમાં આર્થિક વિકાસનો દર ધીમો કેમ પડ્યો?

સતત ત્રીજા ક્વૉર્ટર માટે ડિસેમ્બર ક્વૉર્ટરમાં આર્થિક વિકાસનો દર ધીમો પડ્યો એનાં મુખ્ય કારણો:

૧. આ અંદાજ પ્રમાણે ફિસ્કલ ૨૨ના આર્થિક વિકાસનો દર ૮.૭ ટકામાંથી વધારીને ૯.૧ ટકાનો કરાયો છે (જુદાં-જુદાં ક્ષેત્રોના આંકડાના રિવિઝનને કારણે અને કેટલાક નવા આંકડા, પહેલાં જે અંદાજિત હતા, ઉપલબ્ધ થવાને કારણે). આમ ઊંચા બેઇઝની અસર. 

૨. મહામારી અને આર્થિક રિકવરી પછી રહેલ અસમાન (અનઇવન) આંકડાકીય બેઇઝ.

૩. ફિસ્કલ ૨૩માં મે મહિનાથી સતત વધેલા પૉલિસી દરને કારણે લોન પરના વ્યાજના દરનો વધારો.

૪. વૈશ્વિક સ્લોડાઉનને કારણે થયેલી માગના ઘટાડાને લીધે આપણી નિકાસોમાં છેલ્લા બે મહિના (ડિસેમ્બર અને જાન્યુઆરી)થી થઈ રહેલો ઘટાડો. વૈશ્વિક અર્થતંત્ર હજી નબળું પડી રહ્યું છે એટલે નજીકના ભવિષ્યમાં આપણી નિકાસો ઘટી શકે.

૫. ભાવવધારો (રીટેલ ઇન્ફ્લેશન) જાન્યુઆરી મહિને (નવેમ્બર અને ડિસેમ્બરમાં નીચો રહ્યા પછી) રિઝર્વ બૅન્કના લક્ષ્યાંકની ઉપરની લિમિટ (છ ટકા)થી વધુ રહ્યો છે. એ કારણે પૉલિસી દરનો વધારો ચાલુ રહે તો આપણા આર્થિક વિકાસ માટે જોખમ ઊભું કરી શકે.

૬. રિઝર્વ બૅન્કનો ક્રૂડ ઑઇલના ભાવો વધવાનો અંદાજ છે. જો એ અંદાજ સાચો પડે તો એને કારણે પેટ્રોલ/ડીઝલના ભાવો વધી શકે (છેલ્લા ૧૧ મહિનાથી એ વધારાયા નથી). એને લઈને ટ્રાન્સપોર્ટની કિંમત વધે તો એ સર્વવ્યાપી ભાવવધારામાં પરિણમે, જેને કારણે પણ આર્થિક વિકાસનો દર ધીમો પડી શકે.

ખાનગી વપરાશખર્ચ (ડિમાન્ડ)નો વધારો ધીમો કેમ છે?

જીડીપીમાં ખાનગી વપરાશ ખર્ચનો હિસ્સો સૌથી મોટો હોય છે (૫૫થી ૬૦ ટકા), એમાં પણ ડિસેમ્બર ક્વૉર્ટરમાં એ ૬૨ ટકા જેટલો હતો. આ વપરાશ ખર્ચમાં માત્ર નજીવો (૨.૧ ટકા) વધારો થયો છે.

હાલમાં થઈ રહેલી આર્થિક રિકવરીમાં શ્રીમંત વર્ગની આવક વધી રહી છે. બીજી તરફ મોટા ભાગના દેશવાસીઓ મહામારી પત્યાના દોઢ વરસથી વધુ સમય પછી પણ પોતાની આવક પુન:સ્થાપિત કરવા કે થોડી પણ વધારવા માટે મથામણ કરી રહ્યા છે.

માગ કે ખાનગી વપરાશ ખર્ચના નજીવા વધારાને લીધે ૩૩૦૦ જેટલી નૉન-ફાઇનૅ​ન્શિયલ કંપનીઓના ડિસેમ્બર ક્વૉર્ટરના ચોખ્ખા વેચાણનો ૧૫ ટકાનો વધારો છેલ્લાં બે વરસનો સૌથી નીચો છે. ખાનગી વપરાશ ખર્ચનો આ ઘટાડો મોબાઇલ ફોનની સંખ્યાના ઘટાડામાં પણ પ્રતિબિંબિત થાય છે: મોબાઇલ ટેલિ ડે​ન્સિટી (દર ૧૦૦ની વસ્તીએ મોબાઇલ ફોનની સંખ્યા) છેલ્લાં પાંચ વરસથી ઘટી રહી છે. જે ઘટીને ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૮૩ જેટલી થઈ છે (જૂન ૨૦૧૭માં એ ૯૨ જેટલી હતી).

ડિસેમ્બર ક્વૉર્ટરમાં ડૉમે​સ્ટિક ટૂ-વ્હીલરના વેચાણમાં આગલા વરસની સરખામણીએ ૬ ટકાનો વધારો થયો છે (નીચા બેઇઝને કારણે), પણ ૨૦૧૯ (નવ ટકા) અને ૨૦૧૮ (૨૨ ટકા)ની સરખામણીએ એમાં ઘટાડો નોંધાયો છે.

મહામારીમાંથી રિકવર થયા પછી હજી પણ એક મોટો વર્ગ આર્થિક રીતે સ્ટેબલ થયો નથી.

મૂડીરોકાણ વધારવું પડે, સાથે-સાથે મધ્યમ વર્ગની ખરીદશક્તિ પણ

ડિસેમ્બર ક્વૉર્ટરમાં મૂડીરોકાણમાં વધારો (૮.૩ ટકા) થયો છે જે ડિસેમ્બર ૨૦૨૧ના ક્વૉર્ટરના નીચા બેઝ (૧.૨ ટકાનો વધારો) પર છે. છેલ્લાં ત્રણ વરસમાં મૂડીરોકાણનો સરેરાશ વધારો ઓછો (૪ ટકા) છે એટલે સરકારે પોતાનો ખર્ચ વધારીને પણ અર્થતંત્રને જરૂરી પુશ આપવો પડે. ડિસેમ્બર ક્વૉર્ટરમાં આ ખર્ચમાં ઘટાડો (૦.૮ ટકા) થયો છે.

પ્રજાના મધ્યમ વર્ગની આવક અને ખરીદશકિત નહીં વધે તો માત્ર શ્રીમંતોના ખર્ચથી આપણું પણ કેપિટા હાઈ-ઇન્કમ નેશન બનવાનું સ્વપ્ન આઝાદીનાં ૧૦૦ વરસ પછી પણ સફળ નહીં થાય. બે વર્ગ વચ્ચે ખર્ચનો આ તફાવત ચાલુ રહ્યો તો આપણે મિડલ ઇન્કમવાળા દેશથી આગળ નહીં વધી શકીએ.

બધા વર્ગની ખરીદશક્તિ (ખાસ કરીને મધ્યમ વર્ગની) વધારવાનો એકમાત્ર ઉપાય છે ઉત્પાદક રોજગારી વધારવાનો. તો જ પ્રજાનો બહોળો વર્ગ બજારમાં ખરીદી માટે પ્રવેશી શકે અને બજારુ અર્થતંત્રનો હિસ્સો બની શકે. એ માટે આપણા વર્ક ફોર્સ (માનવબળ)નો ઝડપી વિકાસ અને તેમની કાર્યકુશળતા વધારવાં પડે.

કામ કરવા માટે કૅપેબલ હોય એવો આપણો વર્કફોર્સ પ્રમાણમાં ઓછો હોવાને લીધે આપણા બેરોજગારોની સંખ્યા મોટી છે. એટલે માત્ર ઉપલો ધનિક વર્ગ આપણાં બજારોને ધમધમતાં રાખી ન શકે. પ્રજાના બધા વર્ગમાં વપરાશ ખર્ચનો વધારો થાય તો જ આપણું અર્થતંત્ર સડસડાટ દોડતું થાય.

આપણા સાઉથ-વેસ્ટ મૉન્સૂનનો સાચો અણસાર મિડ-એપ્રિલમાં મળશે

‘અલ નીનોની અસર હેઠળ આપણું સાઉથ વેસ્ટ મૉન્સૂન નબળું (બીલો-નૉર્મલ) રહી શકે. સરળ ભાષામાં ‘અલ નીનો’ની અસર હેઠળ વરસાદનું પ્રમાણ ઘટે અને ખરીફ પાક ઓછો ઊતરે તો ખેતપેદાશોના ભાવો વધે, જેને કારણે સામાન્ય ભાવવધારો ઊંચો રહે.

 મૉન્સૂનનો આધાર ઘણા બધા પૅરામીટર્સ ઉપર રહેતો હોવાથી ચાલુ વરસનું ચોમાસુ કેવું રહેશે એનો પ્રથમ સત્તાવાર અંદાજ મિડ-એપ્રિલમાં મળશે.

ફેબ્રુઆરીમાં મનરેગા સ્કીમ હેઠળ કામ કરવા માટેની અરજીઓ આઠ મહિનાની સૌથી ઊંચી

મનરેગા (નૅશનલ રૂરલ એમ્પ્લૉયમેન્ટ ગૅરન્ટી) સ્કીમ હેઠળ કામ કરવા માટે ફેબ્રુઆરીમાં ગ્રામ્ય વિસ્તારમાં ૨.૬ કરોડથી વધુ લોકોએ અરજી કરી હતી. આઠ મહિનાનો સૌથી ઊંચો આ આંક એમ સૂચવે છે કે આપણી આર્થિક પ્રવૃત્તિઓનું વિસ્તરણ હજી પણ જોઈએ એટલું વિશાળ નથી કે જે વધુમાં વધુ લોકોને રોજગાર પૂરો પાડી શકે. આપણી આર્થિક રિકવરી, ખાસ કરીને આપણા ઔદ્યોગિક ક્ષેત્રે અસમાન છે અને ટકાઉ પણ નથી.

આપણા અર્થતંત્રની ક્ષમતા ૬થી ૭ ટકાના વિકાસની છે. છેલ્લાં ત્રણ વરસનો સરેરાશ વિકાસનો દર આ ક્ષમતાથી ઓછો (૪ ટકા જેટલો) છે એટલે પેન્ટ-અપ ડિમાન્ડ (જે હાલમાં મટીરિયલાઇઝ થઈ નથી) ફરી એક વાર ઍ​ક્ટિવેટ થવાની અપેક્ષા રાખી શકાય. એમાં બે પરિબળો આપણને પુશ કરી શકે.

૧. આપણી બૅન્કોની ચોખ્ખી (એનપીએ મર્યાદિત કરાયેલી કે એ માટેની જોગવાઈ કરાયેલી) બૅલૅન્સ-શીટ અને ૨. જાહેર ક્ષેત્રની ડિજિટલ માળખાકીય સવલતો. આ સવલતોને કારણે આપણા ઑર્ગેનાઇઝ્‍ડ (સંગઠિત) ક્ષેત્રનો ઝડપી વિકાસ થઈ શકે, જે આપણા અર્થતંત્રને જરૂરી ધક્કો આપી શકે.

Whatsapp-channel Whatsapp-channel

06 March, 2023 03:59 PM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK