શ્રીલંકામાં ચાના ઉત્પાદનમાં ઘટાડો-કટોકટીથી ભારતને ફાયદો થયો : ઈરાન સાથે પેમેન્ટનો પ્રશ્ન ઉકેલાય તો ઑર્થોડૉક્સ ચાની નિકાસ વધી શકે
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
દેશમાંથી ચાની નિકાસમાં વીતેલા નાણાકીય વર્ષમાં ૧૮ ટકાનો વધારો થયો છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ દેશમાંથી ૨૦૨૨-૨૩માં ચાની કુલ નિકાસ ૬૫૮૨.૧૪ કરોડ રૂપિયાની થઈ છે જે અગાઉના વર્ષ દરમ્યાન ૫૫૯૬.૬૭ કરોડ રૂપિયાની થઈ હતી. ખાસ કરીને અગાઉના વર્ષે રશિયામાં ચાની નિકાસ નોંધપાત્ર વધી હોવાથી નિકાસ વધી હતી. રશિયા દ્વારા યુક્રેન પર હુમલાને કારણે રશિયામાં બીજા દેશોની નિકાસ ઘટતાં ભારતની વધી હતી.
ચા બજાર સાથે સંકળાયેલા ટ્રેડરોએ જણાવ્યું હતું કે ચાની નિકાસ ખાસ કરીને નિકાસકારોની ધારણા મુજબની જ થઈ છે. શ્રીલંકામાં કટોકટીને પગલે ભારતીય ચાની નિકાસમાં વધારો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં ભારતીય ચાની માગ પણ સારી છે.
ADVERTISEMENT
જોકે ઈરાનમાં હજી પણ પરિસ્થિતિ નાજુક હોવાથી ત્યાં માગ ઓછી છે. ભારતીય ચાનો મોટો બાયર દેશ ઈરાન પણ છે. ઈરાન ભારતીય ઑર્થોડૉક્સ ચાની સૌથી વધુ આયાત કરે છે. જોકે ચાલુ વર્ષે ત્યાં નિકાસ વધે એવી ધારણા છે.
ભારતીય ટી એક્સપોર્ટર્સ અસોસિએશનના ચૅરમૅન અંશુમન કનોરિયાએ જણાવ્યું હતું કે શ્રીલંકામાં ચાના પાકમાં ઘટાડાને કારણે ત્યાંથી નિકાસ ઘટી હોવાથી ભારતીય ચાની નિકાસમાં વધારો જોવા મળ્યો છે અને નિકાસકારોની ધારણા મુજબ જ ચાની નિકાસ વધી છે. ઈરાન સાથેનો પેમેન્ટનો ઇશ્યુ હજી પણ લટકેલો જ હોવાથી ભારતની નિકાસ ત્યાં થતી નથી. દેશની ઑર્થોડૉક્સ ચાની જેટલી નિકાસ થાય છે એમાંથી ૫૦ ટકા નિકાસ એકલા ઈરાનમાં જ થાય છે, પંરતુ હાલ કોઈને ખબર નથી કે ઈરાનમાં નિકાસ અંગે શું થશે?
જોકે નિકાસકારો એવી આશા રાખે છે કે ચાલુ વર્ષ દરમ્યાન ભારતમાંથી ચાની નિકાસ સારી થાય એવી ધારણા છે અને ઈરાન સાથે પણ પેમેન્ટનો પ્રશ્ન ઉકેલાય જશે તો ભારતીય ચાની નિકાસનો ગ્રોથ આ વર્ષે પણ સારો રહેશે. ખાસ કરીને ઑર્થોડૉક્સ ચાની નિકાસ વધશે તો દેશની વિદેશી હૂંડિયામણમાં પણ વધારો જોવા મળશે.
હાલના સંજોગોમાં ચાનો પાક પણ સારો છે અને ઉત્પાદન પણ ૨૦૨૩માં સારું થાય એવી ધારણા છે. ચાના ભાવ છેલ્લા થોડા સમયથી અથડાઈ રહ્યા છે. સરકાર પણ ચાના ઉત્પાદનને લઈને હાલ જાગ્રત છે અને ઈરાન સાથે નિકાસ વેપારો ચાલુ થાય એ માટે પ્રયાસો કરી રહી છે.