સરકાર વધારાના ક્વોટાનો નિર્ણય હાલ ન લે એવી સંભાવના
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
દેશમાંથી ખાંડની કુલ નિકાસ ક્વોટાની ૫૦ ટકા જેવી સંપન્ન થઈ ગઈ હોવાનું ટ્રેડ અસોસિએશન કહે છે. મુંબઈસ્થિતિ ઑલ ઇન્ડિયા શુગર ટ્રેડ અસોસિએશને જણાવ્યું હતું કે ચાલુ સીઝન વર્ષમાં નવમી ફેબ્રુઆરી સુધીમાં દેશમાંથી કુલ ૨૭.૮૩ લાખ ટન ખાંડની નિકાસ થઈ ચૂકી છે, જેમાં બંગલાદેશ અને ઇન્ડોનેશિયા ટોચનાં બજારો છે.
અન્ય દેશોમાં ભારતે વર્તમાન માર્કેટિંગ વર્ષના ઑક્ટોબર-ફેબ્રુઆરી મહિના દરમ્યાન ડીજીબુટીમાં ૨.૪૭ લાખ ટન, સોમાલિયાને ૨.૪૬ લાખ ટન અને યુએઈમાં ૨.૦૬ લાખ ટન ખાંડની નિકાસ કરી છે, એમ ઑલ ઇન્ડિયા શુગર ટ્રેડ અસોસિએશને જણાવ્યું હતું.
ADVERTISEMENT
ખાંડનું માર્કેટિંગ વર્ષ ઑક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. સરકારે ચાલુ માર્કેટિંગ વર્ષના મે સુધી ૬૦ લાખ ટનની નિકાસને મંજૂરી આપી છે.
ટ્રેડ મુજબ, મિલોએ પહેલી ઑક્ટોબર ૨૦૨૨થી નવમી ફેબ્રુઆરી સુધીમાં કુલ ૨૭,૮૩,૫૩૬ ટન ખાંડની નિકાસ કરી છે. લગભગ ૪.૨૪ લાખ ટન લોડિંગ હેઠળ છે, જ્યારે ૩.૭૯ લાખ ટન ખાંડ રિફાઇનરીઓને પહોંચાડવામાં આવી છે, જે આ સમયગાળામાં નિકાસ માનવામાં આવે છે, એમ તેણે ઉમેર્યું હતું.
વિશ્વના મુખ્ય ખાંડ ઉત્પાદક રાષ્ટ્ર ભારતમાંથી ખાંડની નિકાસ ગયા વર્ષે ૧૧૨ લાખ ટન રહી હતી.
એઆઇએસટીએના પ્રારંભિક અનુમાન મુજબ ચાલુ માર્કેટિંગ વર્ષ દરમ્યાન ખાંડનું ઉત્પાદન ૩૫૮ લાખ ટન જેટલું થશે, જે અગાઉના વર્ષમાં રેકૉર્ડ ૩૬૫ લાખ ટન હતું.દેશમાં ખાંડના ઉત્પાદનમાં ઘટાડાની અસરે નિકાસ વેપારો પણ ઓછા થાય એવી ધારણા છે. સરકાર ૬૦ લાખ ટનથી વધુ ખાંડની નિકાસને મંજૂરી આપશે કે નહીં એનો નિર્ણય પણ માર્ચ-એપ્રિલ મહિનામાં જ લે એવી ધારણા છે. દેશમાં ખાંડના ઉત્પાદનમાં ઘટાડો અને ૬૦ લાખ ટન જેટલી નિકાસને પગલે સ્થાનિક ભાવ જો ઊંચકાશે તો સરકાર વધારાના ક્વોટાની મંજૂરી નહીં આપે અને જો ભાવ સ્ટેબલ રહેશે તો સરકાર ૧૦થી ૨૦ લાખ ટનની મંજૂરી આપે એવી સંભાવના છે.