સેમી-ફિનિશ્ડ સ્ટીલની આયાત ૫૦૦ ટકા વધતાં કુલ આયાત વધી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશની સ્ટીલની આયાતમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ભારતની સ્ટીલની આયાત જેમાં ફિનિશ્ડ અને સેમી-ફિનિશ્ડની વાર્ષિક ધોરણે ૪૫ ટકાથી વધુ વધીને ૭૦ લાખ ટન થઈ છે, જે છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ વધારો છે. સેમી-ફિનિસ્ડ સ્ટીલની આયાતમાં ૫૦૦ ટકાના તીવ્ર ઉછાળાને કારણે આ વધારો થયો છે. સ્ટીલ મંત્રાલયના અહેવાલ મુજબ ફિનિશ્ડ સ્ટીલની આયાતમાં ૩૦ ટકાનો વધારો થયો છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારત સ્ટીલનું નેટ નિકાસકાર બન્યું ત્યારથી નાણાકીય વર્ષ ૨૦૨૦માં સૌથી વધુ આયાત ૭૨ લાખ ટનની હતી. ત્યાર પછી એ વર્ષ ૨૦૨૧માં ઘટીને ૫૦.૪ લાખ ટન અને વર્ષ ૨૦૨૨માં ૪૮ લાખ ટનની આયાત થઈ હતી.
ADVERTISEMENT
વર્ષ ૨૦૨૩ માટે ભારતમાં આવતા સેમી-તૈયાર સ્ટીલની આયાત ૧૦ લાખ ટનની થઈ છે, જે અગાઉ બે લાખ ટનની જ હતી, જ્યારે ફિનિશ્ડ સ્ટીલની આયાત ૪૭ લાખ ટનથી વધીને ૬૦ લાખ ટનની થઈ હતી.
સ્ટીલની કુલ આયાતમાં સેમી જેમ કે ઇંગોટ્સ, બ્લુમ્સ, સ્લૅબ અને બિલેટ્સ અને ઍલૉય્ડ, નૉન-ઍલૉય્ડ અને સ્ટેનલેસ સ્ટીલ ઑફરિંગ સહિત ફિનિશ્ડ સ્ટીલનો સમાવેશ થાય છે. અર્ધ-તૈયાર સ્ટીલ, એક મધ્યવર્તી ઑફરિંગ, વધુ પ્રક્રિયાની જરૂર છે અને એનો ઉપયોગ ઘણી વાર કાસ્ટિંગ માટે થાય છે.