ખાનાર વર્ગને રાહત, પણ ખેડૂતોની નિરાશા વધતાં કઠોળનું વાવેતર મોટા પ્રમાણમાં ઘટવાનું જોખમ : એક વર્ષમાં તુવેર ૨૭ ટકા, વટાણા ૩૦, સફેદ ચણા ૧૮ અને અડદ નવ ટકા સસ્તાં થયાં
કૉમોડિટી વૉચ
પ્રોટીનયુક્ત દાળ-કઠોળ
પ્રોટીનયુક્ત દાળ-કઠોળના ભાવ છેલ્લા બે-ત્રણ મહિનાથી એકધારા ઘટી રહ્યા છે, કારણ કે સરકારે મોંઘવારીને કાબૂમાં લેવા માટે વિશ્વના દરેક દેશોમાંથી કઠોળની આયાત માટે લાલ જાજમ પાથરી દેતાં સસ્તી આયાતના ઢગલા થવા લાગતાં ભાવ ગગડીને તળિયે પહોંચી ગયા છે. ભારત ખાદ્ય તેલો અને દાળ-કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા તનતોડ પ્રયત્નો કરી રહ્યું હોવા છતાં વધુ ને વધુ વિદેશી આયાત પર નિર્ભર બની રહ્યું છે. દેશની દાળ-કઠોળની જરૂરિયાતની પચીસથી ૩૦ ટકા જથ્થાની આપણે આયાત કરી રહ્યા છીએ. દાળ-કઠોળના ભાવ વધે ત્યારે સરકાર સસ્તી આયાત માટે તમામ દ્વાર ખોલી નાખતી હોવાથી ભારતમાં સસ્તી આયાતના ઢગલા થવા લાગે છે ત્યારે ભાવ ગગડી જાય છે અને ખેડૂતો નિરાશ થઈને કઠોળનું વાવેતર ઘટાડે છે ત્યારે ફરી દાળ-કઠોળના ભાવ આસમાની ઊંચાઈએ પહોંચે એટલે સરકાર ફરી આયાતના દ્વાર ખોલી નાખે છે. આ ચક્ર અનેક વર્ષોથી ચાલ્યું આવે છે અને દેશ દાળ-કઠોળના ઉત્પાદન બાબતે આત્મનિર્ભર બનવાને બદલે સતત અન્ય દેશોનું ઓશિયાળું બની રહ્યું છે. ખાટલે મોટી ખોડ એ છે કે ગ્રાહકો અને ખેડૂતો બન્નેને વાજબી ભાવ મળે એવી કોઈ ઇફેક્ટિવ પૉલિસી બનાવવામાં સરકારની નિષ્ફળતાને કારણે દાળ-કઠોળનો ખાનાર વર્ગ અને ખેડૂત બન્ને વારાફરતી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
કઠોળના ઉત્પાદનક્ષેત્રે આત્મનિર્ભર બનવામાં સરકાર કેમ નિષ્ફળ?
ADVERTISEMENT
૧૪૫ કરોડની વિશાળ વસ્તી ધરાવતા અને વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકાસ પામી રહેલા કૃષિપ્રધાન ભારત પાસે ખાદ્ય તેલો અને કઠોળના ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર થવાના શું કોઈ ઉપાય નથી? કે પછી સરકારની ઇચ્છાશક્તિ બૂઠી બની ચૂકી છે? સાવ આવું નથી એ એક જ ઉદાહરણથી સમજીએ તો સરકાર શું કામ નિષ્ફળ જઈ રહી છે એ સમજાશે. હાલ ખેતરમાં તુવેરનો પાક તૈયાર થઈ ચૂક્યો છે અને કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોની મંડીઓમાં તુવેરની નવી આવકોના ઢગલા થવા લાગ્યા છે એની સાથે સસ્તી આયાતી તુવેર પણ પોર્ટ પર હજી આવી રહી છે. આમ તુવેરની સપ્લાય હાલ બમણી થઈ છે. સરકાર પાસે ઑક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ખરીફ તુવેરના વાવેતરના ફાઇનલ ડેટા આવી ગયા હતા, જેમાં ચાલુ વર્ષે તુવેરનું વાવેતર ૧૪.૧૫ ટકા વધ્યું હતું. ખરેખર તુવેરના ખેડૂતોને આગામી વર્ષે પણ તુવેરના વાવેતર માટે ઉત્સાહ રહે એવી પૉલિસી બનાવવી હોય તો સરકારે ડિસેમ્બર મહિનાથી તુવેરની આયાતને ચાર કે પાંચ મહિના માટે નિયંત્રિત કરવી જોઈએ જેથી તુવેરના ભાવ વધુ પડતા ન ઘટી જાય, પણ સરકારે આવાં કોઈ પગલાં લીધાં નથી. આમ દરેક કૃષિપેદાશનાં વાવેતર, ઉત્પાદનના આગોતરા ડેટા મેળવીને સમયસર આયાત-નિકાસ પર નિયંત્રણ મૂકવાનાં પગલાં લેવામાં સરકાર ઉદાસીન હોવાથી આપણે આત્મનિર્ભર બનવાનું લક્ષ્ય પાર પાડી શકતા નથી.
દાળ-કઠોળના ભાવ એક વર્ષમાં પાંચથી ૩૦ ટકા ઘટ્યા
દાળ-કઠોળના ભાવ આસમાની ઊંચાઈએ પહોંચ્યા ત્યારે સરકારે અનેક પ્રકારનાં નિયંત્રણો મૂક્યાં હતાં. જીવનજરૂરી ચીજોની તેજીને રોકવા સરકારે ત્રણ વર્ષ અગાઉ તુવેર-અડદના વાયદા બંધ કર્યા હતા. ત્યાર બાદ છેલ્લા એક વર્ષમાં ચણાની આયાત પરની ૬૬ ટકા ડ્યુટી અને વટાણાની આયાત પરનો પ્રતિબંધ એકઝાટકે દૂર કરી દીધા બાદ અન્ય કઠોળની આયાત પરનાં તમામ નિયંત્રણો દૂર કરી નાખતાં દેશમાં સસ્તી આયાતના ઢગલા થવા લાગ્યા છે. છેલ્લા એક વર્ષમાં વટાણાના ભાવમાં ૩૦ ટકા, લૅમન તુવેરના ભાવમાં ૨૭, દેશી તુવેરના ભાવમાં બાવીસ, સફેદ ચણાના ભાવમાં ૧૮, અડદના ભાવમાં નવ, મગના ભાવમાં આઠ અને મસૂરના ભાવમાં પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે. એકમાત્ર પીળા વટાણાના ભાવ છેલ્લા એક વર્ષમાં ૧૧ ટકા વધ્યા છે. વટાણાના ભાવ એક વર્ષ અગાઉ ક્વિન્ટલના ૫૨૦૦ રૂપિયા હતા એ ઘટીને હાલ ૩૬૭૫ રૂપિયા થયા છે એ જ રીતે લૅમન તુવેરના ભાવ એક વર્ષ અગાઉ ક્વિન્ટલના ૯૩૫૦ રૂપિયા હતા એ ઘટીને ૬૮૫૦ રૂપિયા થયા છે. દેશી તુવેરના ભાવ એક વર્ષ પહેલાં ક્વિન્ટલના ૧૦,૦૦૦ રૂપિયા હતા એ ઘટીને ૭૮૫૦ રૂપિયા થયા છે. સફેદ ચણાના ભાવ એક વર્ષમાં ૧૬,૩૦૦થી ઘટીને ૧૩,૪૦૦ રૂપિયા, મગના ભાવ ૮૫૦૦થી ઘટીને ૭૯૦૦ રૂપિયા, અડદના ભાવ ૯૧૦૦થી ઘટીને ૮૩૦૦ રૂપિયા, મસૂરના ભાવ ૬૩૦૦થી ઘટીને ૬૦૦૦ રૂપિયા થયા છે. હવે દેશમાં ખરીફ કઠોળની આવકો મંડીઓમાં શરૂ થતાં આગામી બેથી ત્રણ મહિનામાં દરેક દાળ-કઠોળના ભાવમાં હજી ત્રણથી પાંચ ટકા ઘટાડો થવાનો અંદાજ છે, કારણ કે સસ્તા આયાતી કઠોળ હજી પણ દેશમાં ઢગલામોઢે આવી રહ્યા છે એટલે માર્કેટમાં કઠોળની સપ્લાયનો ફ્લો ડબલ થતાં ભાવ વધુ ઝડપથી ઘટશે.
ભારત વિશ્વમાં સસ્તાં કઠોળનું ડમ્પિંગ-સ્ટેશન બન્યું
લોકસભામાં પુછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં નીતિઆયોગના રિપોર્ટને ટાંકીને સરકારે છ મહિના પહેલાં જણાવ્યું હતું કે હાલ ભારતની દાળ-કઠોળની વાર્ષિક જરૂરિયાત ૩૨૫થી ૩૩૦ લાખ ટનની છે એની સામે ભારતનું કઠોળનું ઉત્પાદન ૨૭૦ લાખ ટનનું થતું હોવાથી વાર્ષિક પંચાવનથી ૬૦ લાખ ટનની આયાતની જરૂર પડે છે. દેશમાં ગયા નાણાકીય વર્ષમાં કઠોળની આયાતમાં ૪૪ ટકાનો વધારો થયો હતો. સરકારે કઠોળની આયાત પરનાં તમામ નિયંત્રણો દૂર કર્યાં હોવાથી હાલ ભારત વિશ્વમાં સસ્તા કઠોળની આયાતનું ડમ્પિંગ-સ્ટેશન બન્યું છે, જેમાં તુવેરની આયાત કૂદકે ને ભૂસકે વધી રહી છે. દેશમાં તુવેરની આયાત ૨૦૨૦-’૨૧ના નાણાકીય વર્ષમાં ૪.૪૨ લાખ ટન થઈ હતી જે વધીને ૨૦૨૧-’૨૨માં ૮.૩૬ લાખ ટન, ૨૦૨૨-’૨૩માં ૮.૮૧ લાખ ટન, ૨૦૨૩-’૨૪માં ૭.૯૮ લાખ ટન અને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫માં એપ્રિલથી નવેમ્બર દરમ્યાન ૯.૭૦ લાખ ટન થઈ છે. હજી ચાલુ નાણાકીય વર્ષના ચાર મહિનાના ડેટા આવવાના બાકી છે. આમ ચાલુ નાણાકીય વર્ષમાં તુવેરની આયાત રેકૉર્ડબ્રેક થશે એ નક્કી છે. ભારત તુવેરની આયાત મ્યાનમાર (બર્મા), સુદાન, મોઝૅમ્બિક, માલાવી, ટાન્ઝાનિયા, યુગાન્ડા, કેન્યા અને નાઇઝિરિયાથી કરી રહ્યું છે. અડદની આયાત ૨૦૨૦-’૨૧માં ૩.૩૪ લાખ ટન થઈ હતી જે વધીને ૨૦૨૧-’૨૨માં ૬.૧૧ લાખ ટન થયા બાદ ૨૦૨૨-’૨૩માં થોડી ઘટીને ૫.૨૪ લાખ ટન થયા બાદ ૨૦૨૩-’૨૪માં ફરી ૬.૩૪ લાખ ટનની થઈ હતી અને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫માં એપ્રિલથી નવેમ્બર સુધીમાં ૫.૨૭ લાખ ટનની આયાત થઈ ચૂકી છે. ચાલુ વર્ષે અડદની પણ બમ્પર આયાત થવાનો અંદાજ છે. ભારત અડદની આયાત મ્યાનમાર, બ્રાઝિલ, સિંગાપોર, થાઇલૅન્ડ, અમેરિકા અને યુનાઇટેડ અમીરાતથી કરી રહ્યું છે. દેશમાં વટાણાની આયાત પર નવેમ્બર ૨૦૨૩ સુધી પ્રતિબંધ હતો. ત્યાર બાદ સરકારે પ્રતિબંધ ઉઠાવી લીધા બાદના ચાર મહિનામાં દેશમાં ૧૧.૬૯ લાખ ટન વટાણાની આયાત થઈ હતી, જેમાં માર્ચ ૨૦૨૪માં એક જ મહિનામાં રેકૉર્ડબ્રેક ૬.૭૦ લાખ ટન વટાણાની આયાત થઈ હતી. ત્યાર બાદ ચાલુ નાણાકીય વર્ષમાં ઑક્ટોબર સુધીમાં ૧૨.૪૮ લાખ ટન વટાણાની આયાત થઈ ચૂકી છે. ભારત વટાણાની આયાત કૅનેડા, રશિયા, ટર્કી, યુક્રેન, લુથાનિયા, યુનાઇટેડ આરબ અમીરાત, સિંગાપોર, સ્પેન, અમેરિકા અને લેટિવાથી કરી રહ્યું છે. દેશમાં મસૂરની રેકૉર્ડબ્રેક આયાત ૨૦૨૩-’૨૪માં વાર્ષિક ૧૬.૭૬ લાખ ટનની થઈ હતી. ભારત મસૂરની આયાત ઑસ્ટ્રેલિયા, કૅનેડા, અમેરિકા અને રશિયાથી કરી રહ્યું છે. આમ દુનિયાના અનેક દેશોથી ભારતમાં વાર્ષિક પંચાવનથી ૬૦ લાખ ટન દાળ-કઠોળ ઠલવાય છે. ગયા નાણાકીય વર્ષમાં કઠોળની આયાતનું બિલ ૩૧,૦૭૪ કરોડ રૂપિયાનું થયું હતું.