એશિયામાં સૌથી વધુ IPO અને સૌથી અધિક ઇક્વિટી કૅપિટલ મૂડી-સર્જનનો રેકૉર્ડ
પ્રતીકાત્મક તસવીર
નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)માં કૅલેન્ડર વર્ષ ૨૦૨૪માં મેઇન બોર્ડમાં ૯૦ અને સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (SME)માં ૧૭૮ ઇનિશ્યલ પબ્લિક ઑફર (IPO) લિસ્ટ થયા છે, આ IPO મારફત ૧.૬૭ લાખ કરોડ રૂપિયા એકત્ર કરાયા હોવાનું નોંધાયું છે. આમ કુલ ૨૬૮ IPO થયા છે.
વર્ષ ૨૦૨૪માં આગલા વર્ષના ૧૨૭૧ની તુલનાએ વિશ્વમાં કુલ ૧૧૪૫ IPO આવ્યા હતા. આ યાદીમાં ભારત સૌથી ઉપર છે, જેમાં NSE પરથી આશરે ૧.૬૭ લાખ કરોડ રૂપિયા (૧૯.૫ અબજ ડૉલર) એકત્ર કરવામાં આવ્યા હતા. જપાનમાં ૯૩ IPO, હૉન્ગકૉન્ગમાં ૬૬ અને ચીનમાં ૧૦૧ IPO આવ્યા હતા.
ADVERTISEMENT
ભારતમાં NSE પરથી ૧૯.૫ અબજ ડૉલર, હૉન્ગકૉન્ગ સ્ટૉક એક્સચેન્જ પરથી ૧૦.૪ અબજ ડૉલર અને ચીનના શાંઘાઈ સ્ટૉક એક્સચેન્જ પરથી ૮.૮ અબજ ડૉલર એકત્ર કરવામાં આવ્યા હતા. અમેરિકાના સ્ટૉક એક્સચેન્જ પરથી ૩૨.૪ અબજ ડૉલર એકત્ર કરાયા હતા.
NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઑફિસર (CBDO) શ્રીરામ કૃષ્ણે કહ્યું છે કે કૅલેન્ડર વર્ષ ૨૦૨૪માં રેકૉર્ડ સંખ્યામાં IPO ભારતના અર્થતંત્રની સક્ષમતા અને સંભાવનાને દર્શાવે છે. વિવિધ ક્ષેત્રોની કંપનીઓ તેમની વિકાસ યોજનાઓ માટે સાર્વજનિક બજારોના ટેકાના મૂલ્યને ઓળખી રહી છે. એશિયાનાં બધાં સ્ટૉક માર્કેટ્સની તુલનાએ NSEમાં વિક્રમી સંખ્યામાં IPO લિસ્ટ થયા છે અને એ પછીના ક્રમે એશિયાનાં પ્રમુખ બજારો જેવાં કે જપાન એક્સચેન્જ ગ્રુપ, હૉન્ગકૉન્ગ સ્ટૉક એક્સચેન્જ અને શાંઘાઈ સ્ટૉક એક્સચેન્જ છે. વધુમાં NSEમાં આવેલા IPO દ્વારા એશિયામાં સૌથી અધિક રકમ એકત્ર કરાઈ છે.