ઇન્ડિયા ગ્લોબલ ફોરમ, મુંબઈ એનએક્સટી-25માં વક્તવ્ય આપતી વખતે તેમણે આ વિચાર રજૂ કર્યો હતો.
આશિષકુમાર ચૌહાણ
તાજેતરના ગ્લોબલ નકારાત્મક સંજોગો અને બજારના કડાકાઓમાં ઉપલા સ્તરેથી ૧.૫ ટ્રિલ્યન ડૉલર જેટલા મૂલ્યનો ઘટાડો થયો હોવા છતાં ભારતીય મૂડીબજારોના લાંબા ગાળાના વિકાસના માર્ગ પર અકબંધ છે. ‘૨૦૧૪માં ભારતનું માર્કેટ કૅપ એક ટ્રિલ્યન ડૉલરથી નીચે હતું. આજે એ પાંચ ટ્રિલ્યન ડૉલરની નજીક છે જે નોંધપાત્ર સંપત્તિ-સર્જનની મજબૂત સાબિતી આપે છે,’ એવું વિધાન નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)ના મૅનેજિંગ ડિરેક્ટર અને CEO આશિષકુમાર ચૌહાણે કર્યું હતું. ઇન્ડિયા ગ્લોબલ ફોરમ, મુંબઈ એનએક્સટી-25માં વક્તવ્ય આપતી વખતે તેમણે આ વિચાર રજૂ કર્યો હતો.
વિદેશી રોકાણકારોની એક્ઝિટ વિશેની ચિંતાઓને સંબોધતાં આશિષકુમાર ચૌહાણે આ વલણ માટે વૈશ્વિક વ્યાજદરની હિલચાલ અને ઊભરતાં બજારોને અસર કરતી વ્યાપક જોખમી સંભાવનાને જવાબદાર ગણાવી હતી. જોકે રીટેલ ભાગીદારી ભારતીય બજાર માટે ચાલકબળ બની રહી છે. સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા છ કરોડથી વધુ ભારતીયો માસિક ૨૫૦ રૂપિયા જેટલો રોકાણપ્રવાહ વહેતો કરે છે ત્યારે બજારમાં દર મહિને લગભગ ૨.૫-૩ બિલ્યન અમેરિકન ડૉલરનો સતત પ્રવાહ જોવા મળે છે. આ ભારતીય ઉદ્યોગસાહસિકો અને વ્યવસાયોમાં વધતો વિશ્વાસ દર્શાવે છે એમ તેમણે કહ્યું હતું.
ADVERTISEMENT
નાણાકીય સર્વ સમાવેશના વિષય પર મત વ્યકત કરતાં આશિષકુમાર ચૌહાણે બજારના વ્યાપને વધુ ગહન અને સશક્ત બનાવવામાં નાની-ટિકિટ રોકાણોના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આ સીધાં રોકાણો બજારની અસ્થિરતાના તબક્કાઓ દરમ્યાન પણ વધતી જતી રોકાણકારોની પરિપકવતાને પ્રતિબિંબિત કરે છે, જ્યારે IPOનો પ્રવાહ પણ વેગવંતો રહીને બજારને મજબૂત રાખે છે. એકલા માર્ચના અંતમાં પચાસથી વધુ IPO માટે દસ્તાવેજો ફાઇલ થયા હતા. ૨૦૨૪માં NSEએ ૨૬૮ IPOનું આયોજન કર્યું હતું, જેના મારફત બજારમાં ૧૯.૬ બિલ્યન ડૉલર એકત્ર કરાયા હતા.

