૮૦ દેશોમાં ઑફિસ ધરાવતી એક ગ્લોબલ રિયલ એસ્ટેટ સર્વિસ કંપનીના અહેવાલ મુજબ ૨૦૨૫ના પહેલા બે મહિનામાં ચાર અલ્ટ્રા લક્ઝુરિયસ ઘરોનું વેચાણ થયું છે
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં અલ્ટ્રા લક્ઝુરિયસ ઘરોના વેચાણનું બજાર તેજીમાં છે. ગયાં ત્રણ વર્ષમાં આવાં ૪૯ ઘરો ૭૫૦૦ કરોડ રૂપિયામાં વેચાયાં હતાં જેમાં એકની કિંમત ૧૦૦ કરોડ રૂપિયા કે એથી વધારે હતી. આમ હવે બંગલાની સરખામણીમાં અલ્ટ્રા લક્ઝુરિયસ અપાર્ટમેન્ટ્સની માગણી વધી રહી છે.
૮૦ દેશોમાં ઑફિસ ધરાવતી એક ગ્લોબલ રિયલ એસ્ટેટ સર્વિસ કંપનીના અહેવાલ મુજબ ૨૦૨૫ના પહેલા બે મહિનામાં ચાર અલ્ટ્રા લક્ઝુરિયસ ઘરોનું વેચાણ થયું છે જેનું સંયુક્ત મૂલ્ય ૮૫૦ કરોડ રૂપિયા છે. આમ આ શ્રેણીમાં અપાર્ટમેન્ટ્સના વેચાણમાં ગતિ ધીમી પડે એવી શક્યતા નહીંવત છે. ભૂતકાળમાં બંગલા અને વિલા જેવાં સ્વતંત્ર ઘરોને ઍસેટનો પર્યાય ગણવામાં આવતો હતો, પણ હવે એવું રહ્યું નથી. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ત્રણ વર્ષમાં થયેલા સોદાઓમાં ૧૦૦ કરોડ કે એથી વધારે કિંમતના અપાર્ટમેન્ટ્સનો હિસ્સો ૬૫ ટકા હતો, બાકીનો ૩૫ ટકા હિસ્સો બંગલાનો હતો. થોડી સંપત્તિઓ ૨૦૦થી ૫૦૦ કરોડ રૂપિયાની કિંમતની હતી.
ADVERTISEMENT
ભારતનાં ઘણાં શહેરોમાં આવી પ્રીમિયમ અલ્ટ્રા લક્ઝરી પ્રૉપર્ટીની માગણી સતત વધી રહી છે. આવા ઘરની ખરીદીમાં મુંબઈ અને દિલ્હી નૅશનલ કૅપિટલ રીજન (NCR) મોખરે છે. ૧૦૦ કરોડ કે એનાથી વધુ કિંમતના ઘર ખરીદનારાઓમાં મોટાં બિઝનેસ ગ્રુપો, ઍક્ટરો અને નવા સ્ટાર્ટ-અપ્સના સ્થાપકોનો સમાવેશ છે.
ક્યાં કેટલાં ઘર વેચાયાં?
છેલ્લાં ત્રણ વર્ષમાં વેચાયેલાં ૪૯ અલ્ટ્રા લક્ઝરી ઘરોમાં મુંબઈમાં ૬૯ ટકા અપાર્ટમેન્ટ્સ વેચાયા હતા. બીજો નંબર દિલ્હી NCRનો હતો. મુંબઈમાં આવાં ઘરો મલબાર હિલ અને વરલીમાં વેચાયાં હતાં. દિલ્હી NCRમાં આવા સોદા માત્ર લુટિયન્સ બંગલો ઝોન (LBZ) પૂરતા મર્યાદિત હતા. ગુરુગ્રામના ગૉલ્ફ કોર્સ રોડ પર ઘણા હાઇરાઇઝ અપાર્ટમેન્ટ્સના સોદા નોંધાયા હતા.
૧૦૦ કરોડ રૂપિયાથી વધારે કિંમતના જે અપાર્ટમેન્ટ્સ વેચાયા હતા એના એરિયા ૧૦,૦૦૦થી ૧૬,૦૦૦ ચોરસ ફૂટ (સુપર બિલ્ટ અપ) હતા.

