Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > કોવિડના પૅનિકમાં બજારનો કચ્ચરઘાણ, રોકાણકારોના ૮.૪૨ લાખ કરાેડ થયા સ્વાહા

કોવિડના પૅનિકમાં બજારનો કચ્ચરઘાણ, રોકાણકારોના ૮.૪૨ લાખ કરાેડ થયા સ્વાહા

Published : 24 December, 2022 02:43 PM | IST | Mumbai
Anil Patel

સેન્સેક્સ ૯૮૧ પૉઇન્ટ ગગડ્યો : સેન્સેક્સના ૩૦માંથી એક પણ શૅર ન સુધર્યો

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


સેન્સેક્સ ૯૮૧ પૉઇન્ટ ગગડ્યો : એનએસઈ ખાતે એક શૅર વધ્યો, સામે ૧૩ જાતો ઘટાડામાં: સેન્સેક્સના ૩૦માંથી એક પણ શૅર ન સુધર્યો : ઑટો, બૅન્કિંગ, કૅપિટલ ગુડ્સ, પાવર, ઑઇલ-ગૅસ, એનર્જી, યુટિલિટી, મેટલ જેવા બેન્ચમાર્કના બધા જ શૅર રેડ ઝોનમાં : આઇટી અને એફએમસીજી ઇન્ડેક્સ ખાતે એક શૅર પ્લસ, બાકી બધા લાલ થયા : ફાઇનૅન્સના ૧૩૬ શૅર ઘટ્યા, ઇકરા નામ પૂરતો પ્લસમાં : લૅન્ડમાર્ક કાર્સ અને અબાન હોલ્ડિંગ્સનાં લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં ગયાં, દ્રોણાચાર્યના લિસ્ટિંગમાં ૯૮ ટકાનું રિટર્ન : ૬૦૮ શૅર મંદીની સર્કિટમાં બંધ રહ્યા, ૨૯૪ જાતોમાં નવાં ઐતિહાસિક બૉટમ 


ચાઇના સાથેની સરહદી તંગદિલી અને કોવિડના ખોફને પગલે ભારતીય શૅરબજારની ક્રિસમસ પાર્ટી આ વખતે બરાબરની બગડી છે. બજાર છેલ્લાં સાતેક સત્રથી લગભગ રોજ નવું લોઅર બૉટમ બનાવી રહ્યું છે. ચાર્ટવાળાના મહત્ત્વનાં સપોર્ટ લેવલ એક પછી એક તૂટી રહ્યાં છે. આંતરપ્રવાહ ભારે ખરડાયો છે. શુક્રવારે એશિયન બજારો નરમ હતાં, પરંતુ સાઉથ કોરિયાના પોણાબે ટકાના ઘટાડા સિવાય અન્યત્ર નબળાઈ ખાસ મોટી નહોતી. તાઇવાન સવા ટકા નજીક તો જપાન એક ટકો માઇનસ હતું. યુરોપ રનિંગમાં પૉઝિટિવ બાયસ સાથે ફ્લૅટ હતું. બસ, ભારતીય શૅરબજાર ખાસ્સું ડૂલ થયું છે. સેન્સેક્સ ૯૮૧ પૉઇન્ટ ગગડીને ૫૯૮૪૫ તથા નિફ્ટી ૩૨૦ પૉઇન્ટ તૂટીને ૧૭૮૦૭ બંધ થયા છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ નીચામાં ૫૯૭૬૫ અને નિફ્ટી ૧૭૭૭૯ થયા હતા. સેન્સેક્સ નિફ્ટીનો આ પોણાબે ટકા જેવો ઘટાડો મોટો જરૂર છે, પણ એને કડાકો હરગિજ કહી ન શકાય, છતાં બજારનો અન્ડર કરન્ટ જે હાલતમાં જોવા મળ્યો છે એ કડાકાથી કમ નથી. મેઇન બેન્ચમાર્કની તુલનામાં સમગ્ર બજાર વધુ મોટા પાયે બગડ્યું છે. લાર્જકૅપ બેન્ચમાર્ક ૨.૧ ગગડ્યો છે અને એના ૯૦માંથી માત્ર ૧ શૅર જ વધ્યો છે. બ્રૉડર માર્કેટનો આંક પણ અઢી ટકા ઘટ્યો છે. એના ૫૦૧માંથી ફક્ત ૧૬ શૅર પ્લસ હતા. મિડકૅપ ઇન્ડેક્સ ૧૨૨માંથી ૧૧૮ શૅરની ખરાબીમાં ૩.૪ ટકા ખુવાર થયો છે. સ્મૉલકૅપ ઇન્ડેક્સ ૧૧૬૯ પૉઇન્ટ કે ચાર ટકાથી વધુ લથડ્યો છે. એના ૯૫૨માંથી માત્ર ૫૫ શૅર સુધર્યા છે. બન્ને બજારનાં તમામ સેક્ટોરલ લાલ થયાં છે. પાવર, યુટિલ‌િટી, પીએસયુ બૅન્ક, મેટલ, નિફ્ટી મીડિયા, રિયલ્ટી, ઑઇલ-ગૅસ, એનર્જી જેવાં સેક્ટોરલ સાડાત્રણ ટકાથી લઈને પોણાછ ટકા સુધી સાફ થયાં છે. માર્કેટ બ્રેડ્થમાં ખાસ્સી ખુવારી જોવા મળી છે. એનએસઈમાં ૧૩૭ શૅર વધ્યા છે; સામે ૧૩ ગણા ૧૯૨૦ શૅર ઘટીને બંધ આવ્યા છે. પ્રોવિઝનલ ફિગર પ્રમાણે બજારનું માર્કેટ કૅપ ગઈ કાલે ૮.૪૨ લાખ કરોડના ધોવાણમાં ૨૭૨.૧૩ લાખ કરોડ થઈ ગયું છે.



બીએસઈ ખાતે ૩૬૫૫ શૅરનાં કામકાજ થયાં એમાંથી ૩૧૧૫ શૅર માઇનસમાં બંધ રહ્યા છે. ૬૪ શૅર એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવી ટોચે ગયા, સામે ૨૯૪ કાઉન્ટર્સમાં ઐતિહાસિક બૉટમ બન્યાં છે. ગઈ કાલે ૧૨૨ શૅર તેજીની સર્કિટમાં બંધ હતા. એની સામે ૬૦૮ શૅરમાં મંદીની સર્કિટ લાગેલી રહી છે.


સેન્સેક્સના ૩૦માંથી ૨૯ શૅર ડાઉન, ટાઇટન યથાવત્ બંધ

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૯ શૅર ઘટ્યા છે અને ટાઇટન યથાવત્ રહ્યો છે, તો નિફ્ટીના ૫૦માંથી ૪૭ શૅર ઘટ્યા છે. સિપ્લા, ડિવીઝ લૅબ અને ટાઇટન ૦.૨ ટકા જેવા નહીંવત્ સુધર્યા છે. અદાણી પોર્ટ્સ સાત ટકા ઘટી ૭૯૬ના બંધમાં ટૉપ લૂઝર બન્યો છે. અદાણી એન્ટર ૨૧૮ રૂપિયા કે ૫.૭ ટકા, હિન્દાલ્કો ૫.૨ ટકા, તાતા સ્ટીલ પાંચ ટકા, તાતા મોટર્સ ચાર ટકા, સ્ટેટ બૅન્ક સાડાત્રણ ટકા નજીક ધોવાયો છે. સેન્સેક્સ ખાતે તાતા સ્ટીલ અને તાતા મોટર્સ વર્સ્ટ પર્ફોર્મર હતા. રિલાયન્સ ત્રણ ગણા કામકાજમાં ત્રણેક ટકા તૂટી ૨૫૦૧ના બંધમાં બજારને સર્વાધિક ૨૩૧ પૉઇન્ટ નડ્યો છે. મારુતિ સુઝુકી ૨.૪ ટકા કે ૧૯૬ રૂપિયા ખરડાઈ ૮૧૪૩ થયો છે. લાર્સન સવાબે ટકા, બજાજ ફિનસર્વ ૩.૧ ટકા, બજાજ ફાઇનૅન્સ ૧.૯ ટકા, સ્ટેટ બૅન્ક ૩.૩ ટકા, આઇટીસી ૧.૮ ટકા ડાઉન હતા. અદાણી ગ્રુપ અદાણી પાવર પાંચ ટકાની નીચલી સર્કિટમાં, અદાણી ટ્રાન્સમિશન પોણાદસ ટકા કે ૨૪૪ રૂપિયા, અદાણી ગ્રીન ૧૭૪ રૂપિયા કે પોણાનવ ટકા, અદાણી ટોટલ ૮.૭ ટકા કે ૩૦૭ રૂપિયા, અદાણી વિલ્મર સાડાનવ ટકા, એસીસી પોણાછ ટકા કે ૧૪૪ રૂપિયા, અંબુજા સિમેન્ટ્સ પોણાઆઠ ટકા તૂટ્યા છે. એનડીટીવી પોણાત્રણ ટકાના સુધારામાં ૩૪૦ ઉપર બંધ આવ્યો છે.


ફાર્મા હેલ્થકૅરમાં સિલેક્ટિવ બાઇંગ, ઑક્સિજન શૅરોમાં લાવ-લાવ

કોવિડનો ફફડાટ શરૂ થતાની સાથે જ એને લગતી દવાઓ અને ઇલાજ માટે ઇતર સામગ્રી બનાવતી કંપનીના શૅર આડેધડ ચાલવા માંડ્યા છે. ગઈ કાલે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૨૦માંથી ૧૬ શૅરના ઘટાડા છતાં માત્ર અડધો ટકો નરમ હતો. બીએસઈનો હેલ્થકૅર બેન્ચમાર્ક ૯૬માંથી કેવળ ૨૦ શૅરના સુધારા વચ્ચે સવા ટકા નજીક માઇનસ થયો છે. સિન્કૉમ ફૉર્મ્યુલેશન્સ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં પોણાદસ થયો છે. મોરપેન લૅબ ૧૬.૪ ટકાની આગેકૂચમાં ૪૨ વટાવી ગયો છે. નેક્ટર લાઇફ ૧૪.૪ ટકાના ઉછાળે ૨૭, તો શિલ્પામેડી ૮ ટકાની તેજીમાં ૨૮૯ હતા, આઇઓએલ કેમિકલ્સ સવાછ ટકા ઊંચકાઈ ૪૦૯ રહ્યો છે. સામે વિમતા લૅબ નવ ટકા, યુનિકેમ સાડાઆઠ ટકા, એસ્ટર ડીએમ પોણાસાત ટકા, સ્પાર્ક પોણાછ ટકા તૂટ્યા હતા. ડૉ. લાલ પૅથલૅબ્સ એકાદ ટકો ઘટી ૨૩૪૯, મેટ્રોપોલિસ પોણો ટકો ઘટી ૧૩૨૧, થાયરોકૅર પોણાબે ટકા વધી ૬૩૬ તો વિજયા ડાયગ્નોસ્ટિક અડધો ટકો ઘટી ૪૫૦ ઉપર બંધ હતા. સનફાર્મા પોણો ટકો, લુપિન દોઢ ટકો, ઝાયડ્સ લાઇફ પોણો ટકો, ડૉ. રેડ્ડીમ લૅબ ૦.૯ ટકા, અપોલો હૉસ્પિટલ્સ ૧.૭ ટકા, ફોર્ટિસ હેલ્થકૅર ત્રણ ટકા, ટૉરન્ટ ફાર્મા પોણાબે ટકા માઇનસ હતા. ન્યુરેક્રા સાડાત્રણ ટકા વધીને ૫૪૫ વટાવી ગઈ છે.

નૅશનલ ઑક્સિજન પાંચ ગણા કામકાજે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૭૧ બંધ હતી. એવરેસ્ટ કાન્ટો ૨૦ ગણા વૉલ્યુમમાં ઉપરમાં ૧૦૮ થઈ નવ ટકાના ઉછાળે ૧૦૨ દેખાઈ છે. બૉમ્બે ઑક્સિજન (જેના નામમાં જ ઑક્સિજન છે. બાકી કંપનીમાં કાંઈ નથી) ૨૦ ટકા કે ૨૩૮૩ રૂપિયાના જમ્પમાં ૧૪૨૯૬ થઈ છે. લિન્ડે ઇન્ડિયા ૫.૪ ટકા ઘટી ૩૩૧૨ હતા.

ઇકરા સિવાય ફાઇનૅન્સના તમામ શૅર ડાઉન, બૅન્કિંગમાં બધું જ લાલ

ગઈ કાલે બૅન્ક નિફ્ટી ૭૪૧ પૉઇન્ટ કે પોણાબે ટકા અને પીએસયુ બૅન્ક નિફ્ટી ૬ ટકાથી વધુ ધોવાયા છે. બૅન્કિંગ ઉદ્યોગના તમામ ૩૭ શૅર ઘટ્યા છે. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, યુકો બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, યુનિયન બૅન્ક, આઇઓબી, સૂર્યોદય બૅન્ક સાડાનવથી સાડાચૌદ ટકા તૂટ્યા છે. આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક, જેકે બેન્ક, સીએસબી બેન્ક, યસ બૅન્ક, કર્ણાટક બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, પીએનબી, બૅન્ક ઑફ ઇન્ડિયા, કૅનેરા બૅન્ક, આરબીએલ બૅન્ક, કરુર વૈશ્ય બૅન્ક, સિટી યુનિયન બૅન્ક ૬થી ૯ ટકા ડૂલ થયા છે. એચડીએફસી બૅન્ક પોણો ટકો, આઇસીઆઇસીઆઇ બૅન્ક સવા ટકો, ઍક્સિસ બૅન્ક ૧.૪ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૨.૮ ટકા અને કોટક બૅન્ક સામાન્ય નરમ હતા. ફાઇનૅન્સ ઇન્ડેક્સ બે ટકા બગડ્યો છે. ઇકરા નામ પૂરતો સુધરી ૪૩૭૭ બંધ હતો. બાકીની ૧૩૬ જાતો લાલ થઈ છે. ઇન્ફીબીમ, જનરલ ઇન્શ્યૉરન્સ, આઇઆરએફસી, ઉજ્જીવન ફાઇ. સાડાદસથી સાડાઅગિયાર ટકા કપાયા છે. પૂનાવાલા, મોનાર્ક, પીએનબી હાઉસિંગ, ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ, હુડકો,  માસ ફાઇ., ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, જીઆઇસી હાઉસિંગ, આઇએફસીઆઇ સાતથી પોણાદસ ટકા તૂટ્યો હતો. એલઆઇસી સવાત્રણ ટકા ઘટી ૬૫૯, પૉલિસી બાઝાર અઢી ટકા ઘટી ૪૩૯, પેટીએમ ૬ ટકાની ખરાબીમાં ૪૭૬ બંધ આવ્યા છે. નાયકા સતત નવા ઑલટાઇમ બૉટમ બનાવતાં નીચામાં ૧૩૯ થઈ સાડાચાર ટકા ખરડાઈ ૧૪૫ નજીક રહી છે. ઝોમૅટો ૯ ટકાના કડાકામાં ૫૪ની અંદર ઊતરી ગયો છે. સ્ટાર હેલ્થ બે ટકા ઘટીને ૫૬૧ હતી. એચડીએફસી પોણા ટકાથી વધુની નરમાઈમાં ૨૬૨૨ નજીક જોવા મળી છે. એમસીએક્સ બે ટકા અને બીએસઈ સવાચાર ટકા માઇનસ હતો.

લૅન્ડમાર્ક અને અબાનના નબળાં લિસ્ટિંગ, દ્રોણાચાર્યમાં તગડું રિટર્ન

અમદાવાદી લૅન્ડમાર્ક કાર્સ ૫૦૬ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ સામે ૪૭૧ ખૂલી ઉપરમાં ૪૮૧ અને નીચામાં ૪૪૬ થઈ પોણાદસ ટકાની લિસ્ટિંગ લૉસમાં ૪૫૬ બંધ થયો છે. અબાન હોલ્ડિંગ્સ બેના શૅરદીઠ ૨૭૦ના ભાવે ઇશ્યુ લાવી હતી. શૅર ૨૭૦ ખૂલ્યા પછી ઉપરમાં ૨૭૨ અને નીચામાં ૨૧૬ થઈ ૨૦ ટકાની નીચલી સર્કિટે ત્યાં જ બંધ રહેતાં અહીં ૨૦ ટકાનો લિસ્ટિંગ લૉસ થયો છે. જ્યારે ૧૦ના શૅરદીઠ ૫૪ના ભાવે એસએમઈ આઇપીઓ કરનારી દ્રોણાચાર્ય એરિયલ લિસ્ટિંગમાં ૧૦૨ ખૂલી ઉપરમાં ૧૦૭ અને નીચામાં ૯૭ થઈ ૧૦૭ બંધ થતાં અહીં ૯૮.૩ ટકાનું રિટર્ન છૂટ્યું છે.

ગઈ કાલે ઑટો ઇન્ડેક્સ તમામ ૧૬ શૅરના ઘટાડામાં અઢી ટકા કે ૭૨૪ પૉઇન્ટ બગડ્યો છે. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ પાંચ ટકા તૂટી મોખરે હતો. યુટિલિટી તથા પાવર બેન્ચમાર્ક પણ બધા જ શૅરની નરમાઈમાં પાંચેક ટકા ડૂલ થયા છે. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ દસેદસ શૅર લપસી પડતાં પોણાચાર ટકા ધોવાયા છે. એનર્જી બેન્ચમાર્ક તમામ ૨૭ શૅરની નબળાઈમાં ૩.૮ ટકા ડાઉન હતો. નિફ્ટી મેટલ બધા જ ૧૫ શૅર ગગડતાં સાડાચાર ટકા પીગળ્યો છે. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સના બધા જ બે ડઝન શૅર ઘટ્યા છે. આંક ૨.૮ ટકા કે ૯૫૧ પૉઇન્ટ ધોવાયો છે. આઇટી ખાતે એકમાત્ર લેટેન્ટ વ્યુ ૩.૩ ટકા વધી ૩૪૩ બંધ હતો. બાકીના ૫૯ શૅર ઘટ્યા છે. આંક બે ટકા નરમ હતો. એફએમસીજી ઇન્ડેક્સ ૧.૯ ટકા ઘવાયો છે. અહીં ૮૧માંથી એકમાત્ર પ્રોક્ટર ગેમ્બલ હાઇજીન એક ટકો વધી ૧૪૦૬૨ બંધ હતો.

Whatsapp-channel Whatsapp-channel

24 December, 2022 02:43 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK