બીજા દેશોની તુલનાએ ઈન્ડિયાની આર્થિક સ્થિતિ સારી હોવાથી રોકાણ વધ્યું
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ)એ એપ્રિલમાં શૅરોના વાજબી મૂલ્યાંકન અને રૂપિયામાં વૃદ્ધિને કારણે ભારતીય ઇક્વિટી માર્કેટમાં ૧૧,૬૩૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. માર્ચમાં એફપીઆઇ દ્વારા ઇક્વિટીમાં ૭૯૩૬ કરોડ રૂપિયાની ચોખ્ખી રકમ રોકાણ કરી આવ્યા બાદ આ બન્યું હતું, જે મુખ્યત્વે યુએસ સ્થિત જીક્યુજી પાર્ટનર્સ દ્વારા અદાણી ગ્રુપની કંપનીઓમાં મોટા પ્રમાણમાં રોકાણ દ્વારા સંચાલિત હતું. આગળ જતાં, અમેરિકન ફેડરલ રિઝર્વની ચુસ્ત નાણાકીય નીતિને કારણે એફપીઆઇ પ્રવાહ માટેનો દૃષ્ટિકોણ અસ્થિર રહેવાની ધારણા છે. રોકાણ સલાહકાર ફર્મ રાઇટ રિસર્ચના સ્થાપક સોનમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે અમેરિકન ફેડ મિનિટ્સ દ્વારા સૂચવ્યા મુજબ આગામી પૉલિસી મીટિંગમાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો એફપીઆઇનાં રોકાણોને અસર કરી શકે છે. જોકે, અન્ય ઊભરતાં બજારોની સરખામણીમાં ભારતીય અર્થતંત્રની સ્થિરતા અને વાજબી મૂલ્યાંકન એફપીઆઇને ભારતીય ઇક્વિટી તરફ આકર્ષવાનું ચાલુ રાખી શકે છે, એમ ઉમેર્યું હતું.