કુલ ખાદ્ય તેલની આયાતમાં માત્ર ત્રણ ટકાનો વધારો, સોયાની ૨૭ ટકા ઘટી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશમાં માર્ચ મહિનામાં ખાદ્ય તેલની કુલ આયાત આગલા માસની તુલનાએ મામૂલી વધી હતી, પરંતુ ક્રૂડ પામતેલની આયાતમાં સૌથી વધુ ૪૨ ટકાનો વધારો જોવા મળ્યો હતો. સામે સોયાતેલની આયાત આગલા માસ કરતાં ૨૭ ટકા ઘટી હતી.
સૉલ્વન્ટ એક્સટ્રૅક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (સી)ના આંકડાઓ મુજબ દેશમાં માર્ચ મહિનામાં ખાદ્ય તેલની કુલ આયાત ત્રણ ટકા વધીને ૧૧.૩૫ લાખ ટનની થઈ હતી, જે આગલા મહિને ૧૦.૯૮ લાખ ટનની આયાત થઈ હતી. માર્ચ મહિનામાં ક્રૂડ પામતેલની આયાત ૪૨ ટકા વધીને ૫.૫૧ લાખ ટનની થઈ હતી, જે આગલા મહિને ૩.૮૯ લાખ ટનની થઈ હતી.
ADVERTISEMENT
સોયાતેલની આયાત ૨૭ ટકા ઘટીને ૨.૫૮ લાખ ટનની થઈ હતી, જે ફેબ્રુઆરી મહિનામાં ૩.૫૫ લાખ ટનની થઈ હતી.
સીના આંકડાઓ મુજબ દેશમાં ચાલુ સીઝન વર્ષમાં નવેમ્બર ૨૦૨૨થી માર્ચ ૨૦૨૩ દરમ્યાન ખાદ્ય તેલની કુલ આયાત ૬૯.૮૦ લાખ ટનની થઈ છે, જે ગયા વર્ષે આજ સમયગાળામાં ૫૬.૪૨ લાખ ટનની થઈ હતી. આમ આયાતમાં ૨૨ ટકા જેવો વધારો જોવા મળ્યો છે. પાંચ મહિના દરમ્યાન ક્રૂડ પામતેલની આયાત ૩૩.૬૭ લાખ ટનની થઈ છે, જે આગલા વર્ષે ૧૮.૪૭ લાખ ટનની આયાત થઈ હતી. આમ ક્રૂડ પામતેલન આયાતમાં મોટો વધારો થઈ રહ્યો છે.
પોર્ટ પર વિક્રમી સ્ટૉક
દેશમાં પહેલી એપ્રિલના રોજ પોર્ટ પર ખાદ્ય તેલનો કુલ ૯.૭૮ લાખ ટનનો સ્ટૉક હતો, જેમાં ક્રૂડ પામતેલનો ૩.૮૦ લાખ ટન, રિફાઇન્ડ પામોલીનનો ૨.૧૧ લાખ ટન, સોયાડીગમનો ૧.૯૮ લાખ ટન અને સનફ્લાવરનો ૧.૮૯ લાખ ટનનો સ્ટૉક હતો, જ્યારે પાઇપલાઇનમાં ૨૪.૬૯ લાખ ટનનો સ્ટૉક પડ્યો છે.
આમ કુલ મળીને ૩૪.૪૭ લાખ ટનનો સ્ટૉક છે, જે એક મહિના પહેલાંના સ્ટૉકની તુલનાએ ૨૨,૦૦૦ ટનનો વધારો બતાવે છે.