ખાંડના ઉત્પાદન પર પણ અસર પહોંચે એવી ધારણા : મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ઘટીને ૧૨૮ લાખ ટન થશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશમાં ખાંડની સીઝન આ વર્ષે દોઢથી બે મહિના વહેલી સમેટાઈ જાય એવી પૂરી સંભાવના દેખાઈ રહી છે. ખાસ કરીને ભારતના ટોચના ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રની શુગર મિલો ગયા વર્ષની સરખામણીએ ૪૫થી ૬૦ દિવસ વહેલી શેરડીનું પિલાણ બંધ કરશે, કારણ કે પ્રતિકૂળ હવામાને શેરડીની ઉપલબ્ધતામાં ઘટાડો કર્યો છે, એમ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. દેશના ખાંડના ઉત્પાદનમાં મહારાષ્ટ્રનો હિસ્સો ત્રીજા ભાગથી વધુ છે.
મહારાષ્ટ્રના શુગર કમિશનર શેખર ગાયકવાડે જણાવ્યું હતું કે રાજ્ય પહેલી ઑક્ટોબરથી શરૂ થયેલા માર્કેટિંગ વર્ષમાં ૨૦૨૨-’૨૩માં ૧૨૮ લાખ ટન ખાંડનું ઉત્પાદન કરી શકે છે, જે અગાઉની ૧૩૮ લાખ ટનની આગાહી કરતાં ઓછી છે.
ADVERTISEMENT
ખાંડનું ઉત્પાદન વિશ્વના બીજા સૌથી મોટા નિકાસકારને વધારાની નિકાસને મંજૂરી આપતાં અટકાવી શકે છે, સંભવિતપણે વૈશ્વિકભાવને ટેકો આપે છે અને હરીફો બ્રાઝિલ અને થાઇલૅન્ડને તેમના શિપમેન્ટમાં વધારો કરવાની મંજૂરી આપે એવી સંભાવના છે એમ ઍનલિસ્ટોએ જણાવ્યું હતું.
અતિશય વરસાદે શેરડીની વૃદ્ધિમાં ઘટાડો કર્યો છે. આ વર્ષે શેરડી પિલાણ માટે ઓછી ઉપલબ્ધ છે. રાજ્યના મધ્ય ભાગમાં કેટલીક મિલો ૧૫ દિવસમાં કામકાજ બંધ કરવાનું શરૂ કરી શકે છે અને એપ્રિલના અંત સુધી ત્રણ કે ચાર મિલો સિવાયની બધી પિલાણ બંધ કરી શકે છે એમ તેમણે કહ્યું.
દરમ્યાન ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે ૨૦૨૧-’૨૨ની ખાંડની સીઝન દરમ્યાન રેકૉર્ડ ૫૦૦૦ લાખ ટન શેરડીનું ઉત્પાદન થયું હતું.
ખાંડની નીચી કિંમતને કારણે ખાંડમિલોને થતી રોકડની ખોટ અટકાવવા માટે, ભારત સરકારે જૂન ૨૦૧૮માં ખાંડની લઘુતમ વેચાણકિંમત ફેબ્રુઆરી ૨૦૧૯માં ૨૯ રૂપિયા પ્રતિ કિલોથી વધારીને ૩૧ રૂપિયા પ્રતિ કિલો કરી હતી, જેમાં હવે વધારો કરવાની માગ થઈ રહી છે, પંરતુ સરકાર હાલમાં મોંઘવારી વધે એવાં કોઈ પગલાં લેવાંના મૂડમાં નથી.
મહારાષ્ટ્રમાં ઉત્પાદન ઘટવાને પગલે દેશમાં કુલ ઉત્પાદનમાં પણ ઘટાડો આવશે અને એની અસરે સરકાર જે ખાંડનો બીજા તબક્કાનો નિકાસ ક્વોટા જાહેર કરવા માગે છે એમાં ઘટાડો થાય અથવા તો જો રીટેલ ભાવ બહુ વધી જશે તો સરકાર બીજા તબક્કાનો ક્વોટા નાબૂદ કરે એવી પણ સંભાવના છે. સરેરાશ ખાંડબજારમાં તેજીની સંભાવના છે. વૈશ્વિક ભાવ પણ મજબૂત છે ત્યારે ભારતની નિકાસ જો ધારણાથી ઓછી થાય તો વૈશ્વિક ભાવને ટેકો મળે એવી ધારણા છે. બ્રાઝિલ અને થાઇલૅન્ડની નિકાસ જો પૂરતી માત્રામાં નહીં થાય તો ભાવ ઝડપથી ઉપરની તરફ પહોંચે એવી સંભાવના પણ કેટલાક વૈશ્વિક ઍનલિસ્ટો વ્યક્ત કરી રહ્યા છે.