ખાદ્ય તેલોમાંથી બાયોડીઝલ અને અનાજ-શેરડીમાંથી ઇથેનૉલ બનાવવાની દોડ વિશ્વને કેવા દિવસો દેખાડશે? : ઇન્ડોનેશિયામાં G20ની મીટિંગમાં ઇશારા-ઇશારામાં નરેન્દ્ર મોદીએ કરેલો ફૂડ ક્રાઇસિસનો ઉલ્લેખ ખરેખર ભયંકર રૂપ લેશે?
કૉમોડિટી વૉચ
પ્રતીકાત્મક તસવીર
રશિયા અને યુક્રેન વચ્ચે સાડાદસ મહિનાથી ચાલી રહેલા યુદ્ધે વિશ્વને એક નવી મહામુસીબતને આરે લાવી દીધું છે. વિશ્વના જે દેશો સરપ્લસ કૃષિ પેદાશોનું ઉત્પાદન કરી રહ્યા છે તેઓએ હવે અન્ય દેશોને અનાજ-તેલીબિયાં, ખાદ્ય તેલો કે અન્ય કૃષિ પેદાશો આપવાને બદલે એમાંથી ઈંધણ બનાવવાનો નવો ખેલ શરૂ કર્યો છે, જેને કારણે વિશ્વ ફૂડ ક્રાઇસિસના કગારે પહોંચી ગયું છે. હાલ વિશ્વ ઑલરેડી એનર્જી ક્રાઇસિસનો સામનો કરી રહ્યું છે. ભારતમાં છેલ્લા પાંચ મહિનાથી ઘઉં, ચોખા, મકાઈની તેજી ભભૂકી રહી છે. એ પહેલાં ખાદ્ય તેલોના ભાવ અઢીથી ત્રણ ગણા મોંઘા થયા હતા.
ભારતમાં ઘઉંની તેજી
ADVERTISEMENT
ભારતમાં ઘઉંના ભાવ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૨૨ ટકા વધ્યા છે. ઘઉંના ભાવ વધીને ૨૭૨૧ રૂપિયા પ્રતિ ક્વિન્ટલની સપાટી પર પહોંચ્યા છે. આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં ઘઉંના ઍવરેજ ભાવ ૨૨૨૮ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે ઘઉં સહિતની કૃષિ પેદાશોના ભાવ બજારમાં માગ અને પુરવઠાની સ્થિતિ, આંતરરાષ્ટ્રીય કિંમતો વગેરે દ્વારા નક્કી કરવામાં આવે છે.
ડેટા મુજબ, ઘઉંના અખિલ ભારતીય માસિક સરેરાશ જથ્થાબંધ ભાવ જાન્યુઆરીમાં ૨૨૨૮ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ફેબ્રુઆરીમાં ૨૨૩૦ રૂપિયા, માર્ચમાં ૨૩૩૯ રૂપિયા, એપ્રિલમાં ૨૩૮૪ રૂપિયા, મેમાં ૨૩૫૨ રૂપિયા, જૂનમાં ૨૩૧૬ રૂપિયા, જૂનમાં ૨૪૦૯ રૂપિયા હતા. જુલાઈ-ઑગસ્ટમાં ૨૪૮૬, સપ્ટેમ્બરમાં ૨૫૧૬, ઑક્ટોબરમાં ૨૫૭૧ અને નવેમ્બરમાં ૨૭૨૧ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા. સરકારી આંકડાઓ મુજબ ઑક્ટોબર અને નવેમ્બરના ભાવ કામચલાઉ છે.
ભારતમાં ચોખાના ભાવની તેજી
દેશમાં ચોખાના ભાવ સરેરાશ ચાલુ સીઝનમાં આઠથી નવ ટકા વધ્યા છે. દેશમાં આ વર્ષે ડાંગરના ઉત્પાદનમાં ઘટાડો થવાને પગલે ચોખાનું ઉત્પાદન ઘટ્યું છે, જેને પગલે સરેરાશ ભાવ ઊંચકાયા છે. સરકારી આંકડાઓ મુજબ દેશમાં નૉન-બાસમતી ચોખાના ભાવ સરેરાશ ૪૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યા છે.
સરકારી ગોડાઉનમાં ચોખાનો સ્ટૉક પણ સરેરાશ ઓછો છે અને સરકાર દ્વારા જો મફત અનાજની યોજના ડિસેમ્બર બાદ પણ ચાલુ રાખવામાં આવશે તો સ્ટૉક વધુ ઘટી જાય એવી ધારણા છે. જોકે સરકાર આ યોજના મોટા ભાગે બંધ કરે એવી સંભાવના વધારે દેખાઈ રહી છે. ચાલુ સપ્તાહમાં ખાદ્ય મંત્રાલયે આ વિશેની એક બેઠક પણ બોલાવી છે.
વૈશ્વિક ચોખાના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ભાવ ૧૬ મહિનાની ઊંચી સપાટી પર પહોંચ્યા હતા. ભારતીય ચોખાના ભાવમાં પણ તેજીનો માહોલ છે અને ચાલુ સીઝનમાં સરેરાશ નવ ટકા જેટલા વધી ગયા છે. ભારતીય ચોખાની નિકાસ પર નિયંત્રણો લાદ્યાં હોવાથી વૈશ્વિક બજારમાં પુરવઠો ઘટ્યો છે, જેને પગલે વૈશ્વિક ભાવમાં તેજી જોવા મળી રહી છે.
વિયેટનામ પાંચ ટકા બ્રોકન ચોખાના ભાવ ૪૪૫થી ૪૫૦ ડૉલર પ્રતિ ટનની સપાટી પર પહોંચ્યા છે, જે જુલાઈ ૨૦૨૧ બાદના સૌથી ઊંચા ભાવ છે. એક સપ્તાહ પહેલાં ૪૪૦થી ૪૪૫ ડૉલર હતા.
થાઇલૅન્ડ પાંચ ટકા બ્રોકન ચોખાના ભાવ સતત છઠ્ઠા સપ્તાહે વધીને ૪૪૪ ડૉલર પ્રતિ ટનની સપાટી પર પહોંચ્યા હતા, જે એક સપ્તાહ પહેલાં ૪૨૭થી ૪૪૦ ડૉલર પ્રતિ ટનની સપાટી પર હતા. ભારતીય પાંચ ટકા પારબૉઇલ્ડ વરાઇટીના ચોખાના ભાવ ૩૭૩થી ૩૭૮ ડૉલર પ્રતિ ટન ચાલે છે, જે સરેરાશ સ્ટૅબલ રહ્યા હતા.
મકાઈમાં પણ તેજીનો ઊકળતો ચરુ
દેશમાં ઘઉં અને ચોખા બાદ મકાઈ સૌથી મોટો ધાન્ય પાક છે અને આ વર્ષે એની અછતની સાથે નિકાસમાગ સારી હોવાથી સ્થાનિક વપરાશકારોને પૂરતી મકાઈ મળતી નથી. સરકાર દ્વારા આ વિશે જે નિર્ણય લેવાશે એના પર બજારનો આધાર રહેલો છે.
કેન્દ્ર સરકાર ઘઉં અને ચોખાની નિકાસ પર નિયંત્રણો-પ્રતિબંધો લાદ્યાં બાદ હવે મકાઈની નિકાસ પર પણ નિયંત્રણો લાદવાની તૈયારીઓ કરી રહી છે. દેશમાં મકાઈના ભાવ વધીને અત્યારે ૨૧૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલની ઉપર પહોંચી ગયા હોવાથી પોલ્ટ્રી અને સ્ટાર્ચ ઉત્પાદકોએ પોતાના ક્ષેત્રની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે સરકારને નિકાસ પર પ્રતિબંધ મૂકવા વિશે માગણી કરી રહ્યા છે.
દેશમાં મકાઈના ભાવ સરકારી વેબસાઇટ એગમાર્ક.નેટના આંકડાઓ મુજબ ૧થી ૮ ડિસેમ્બર દરમ્યાન ૨૧૭૩.૬૬ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યા છે, જે કેન્દ્ર સરકારે નક્કી કરેલા મિનિમમ સપોર્ટ પ્રાઇસ ૧૯૬૨ રૂપિયા અને ગયા વર્ષે આજ સમયે ૧૬૫૩.૮૮ રૂપિયા હતા, જેની તુલનાએ ઘણા વધારે છે.
મકાઈના ભાવ ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં ૨૨૦૦ રૂપિયા સુધી પહોંચ્યા બાદ નવેમ્બરમાં ઘટીને ૨૦૫૭ રૂપિયા સુધી ગયા હતા અને ત્યાર બાદ ફરી એમાં સતત વધારો થઈ રહ્યો છે. મકાઈમાં સામાન્ય રીતે અત્યારે આયાત પર ૫૦ ટકાની ડ્યુટી ચાલે છે ત્યારે પોલ્ટ્રી અને સ્ટાર્ચ ઉદ્યોગે દેશમાં મકાઈની અછતનું કારણ ધરીને ટૅરિફ રેટ ક્વોટા હેઠળ પાંચ લાખ ટન મકાઈની આયાતછૂટ આપવાની અને ૧૫ ટકા ડ્યુટી સાથે આયાત કરવાની છૂટ આપવાની પણ માગ કરી રહ્યા છે.
વિશ્વમાં સતત વધી રહેલો ભૂખમરો
ભારત-ચીન વગેરે મહાકાય વસ્તી ધરાવતા દેશોને આગામી વર્ષોમાં ભૂખમરાની સૌથી વધુ તકલીફ સહન કરવાની આવી શકે છે. ૨૦૨૨ના આરંભે ઇન્ડોનેશિયાએ માત્ર ત્રણ સપ્તાહ માટે પામતેલની નિકાસ પર પ્રતિબંધ મૂકીને ભારતની પ્રજાને ધોળે દિવસે તારા દેખાડી દીધા હતા. ખાદ્ય તેલોના ભાવ પ્રતિ કિલો ૫૦થી ૬૦ રૂપિયા વર્ષોથી ચાલ્યા આવતા હતા એ એકાએક વધીને કિલોના ૧૫૦થી ૧૮૦ રૂપિયા સુધી બોલાવા લાગ્યા હતા. ઇન્ડોનેશિયા વિશ્વનું સૌથી મોટું પામતેલનું ઉત્પાદક છે. ઇન્ડોનેશિયા ભારત, ચીન, પાકિસ્તાન, યુરોપિયન દેશો, અમેરિકા સહિત વિશ્વના લગભગ પાંચ ડઝનથી વધુ દેશોને પામતેલ પૂરું પાડે છે. ભારતની વાર્ષિક ૨૨૫ લાખ ટન ખાદ્ય તેલોની જરૂરિયાત સામે ઇન્ડોનેશિયા એકલું દર વર્ષે ૫૦૦ લાખ ટન પામતેલનું ઉત્પાદન કરે છે. ઇન્ડોનેશિયા પામતેલની નિકાસ કરવાને બદલે પામતેલમાંથી બાયોડીઝલ બનાવીને ફ્યુઅલ સાથે ૩૦ ટકા ફરજિયાત ભેળવણીનો નિયમ બનાવ્યો છે અને ૧ જાન્યુઆરી ૨૦૨૩થી ઇન્ડોનેશિયા પામતેલમાંથી બનેલા બાયોડીઝલની ૩૫ ટકા ફ્યુઅલ સાથે ભેળવણી ફરજિયાત કરવા જઈ રહ્યું છે.
અમેરિકા હાલ સોયાતેલના કુલ ઉત્પાદનના ૫૦ ટકા હિસ્સામાંથી બાયોડીઝલ બનાવી રહ્યું છે અને ઘઉં, મકાઈમાંથી ઇથેનૉલ બનાવી રહ્યું છે. બ્રાઝિલ વર્ષોથી શેરડીના કુલ ઉત્પાદનના ૫૦ ટકા હિસ્સામાંથી ઇથેનૉલ બનાવી રહ્યું છે. યુરોપિયન દેશો રાયડાતેલમાંથી બાયોડીઝલ બનાવીને એના વડે ટ્રકો ચલાવી રહ્યા છે. બ્રાઝિલ હવે વિશ્વનું સૌથી મોટું સોયાબીનનું ઉત્પાદક છે. બ્રાઝિલની ગવર્નમેન્ટે ૧ માર્ચથી સોયાતેલમાંથી બાયોડીઝલ બનાવીને એનો ૧૫ ટકા ફરજિયાત ફ્યુઅલ સાથે ભેળવણી કરવાનો નિયમ બનાવવાની જાહેરાત કરી છે. આર્જેન્ટિના વિશ્વનું સૌથી મોટું સોયાતેલનું નિકાસકાર છે, જે પણ સોયાતેલમાંથી બાયોડીઝલ બનાવવા માટે અગ્રેસર બની રહ્યું છે. આ તમામ ઘટનાક્રમ વિશ્વને ભૂખમરા તરફ દોરી જશે. ઇન્ડોનેશિયામાં G20ની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક ફૂડ ક્રાઇસિસના સંભવિત ખતરા તરફ અંગૂલિનિર્દેશ કર્યો હતો જે ખરેખર સૂચક હતો.