ચાર દિવસની તેજી પછી ફરી મંદીની વાત : બૅન્ક નિફ્ટીમાં વધુ નબળાઈ : ડીમાર્ટ એક જ દિવસમાં 11 ટકા જેટલો ઊછળ્યો, FIIની નેટ વેચવાલી ચાલુ, ઑઇલ ઇન્ડિયા- ઇન્દ્રપ્રસ્થ ગૅસ એક વીકમાં 13 ટકા સુધર્યા, ONGC દૈનિક પાંચ ટકા અપ
માર્કેટ મૂડ
પ્રતીકાત્મક તસવીર
ચાર દિવસની તેજીએ આપણી ધારણા અનુસાર શુક્રવારે પોરો ખાધો હતો. બૅન્કિંગ ફાઇનૅન્સ, આઇટી, રિયલ્ટી, ફાર્મા જેવાં ક્ષેત્રોના શૅરો ઓપનિંગથી જ એકધારા ઘટ્યા હતા. મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજારો રાબેતા મુજબ ગુરુવારથી ખૂલ્યાં અને એમાં અમેરિકન માર્કેટ ઘટીને બંધ આવ્યું એના પગલે આપણે ત્યાં પણ ઘટાડો શરૂ થઈ ગયો હતો. આ ઘટાડામાં NSEના કુલ 121 ઇન્ડેક્સોમાંથી 14 તો સાપ્તાહિક ધોરણે ડાઉન હતા અને આ 121માંથી 81 દૈનિક ધોરણે લાલ રંગમાં બંધ રહ્યા હતા. બૅન્ક નિફ્ટી દૈનિક 1.20 ટકા અને સાપ્તાહિક 0.63 ટકા ગુમાવી 50,988.80ના સ્તરે વિરમ્યો હતો. નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસે પણ દૈનિક 1.13 અને સાપ્તાહિક 0.22 ટકાના લૉસે 23,735.70 બંધ આપી બૅન્કિંગ અને ફાઇનૅન્સ શૅરોની નબળાઈ છતી કરી હતી. વાયદાના સોદાવાળા પાંચ ઇન્ડેક્સોમાંથી જોકે નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી દૈનિક તેમ જ સાપ્તાહિક ધોરણે 0.13 અને 0.93 ટકાનો સુધારો નોંધાવી 69,192.45ના લેવલે વિરમ્યો હતો. મિડકૅપ સિલેક્ટ ઇન્ડેક્સે દૈનિક 0.65 ટકા ગુમાવી સાપ્તાહિક 1.88 ટકાનો લાભ મેળવી 13,009.85 બંધ આપ્યો હતો. મુખ્ય આંક નિફ્ટીએ પણ દૈનિક 0.8 ટકાનો લૉસ સહન કરી સાપ્તાહિક 0.80 ટકાનો ફાયદો જાળવી રાખી 24,004નું ક્લોઝ આપ્યું હતું. દૈનિક ગણતરીએ સૌથી વધુ ઘટાડો કૅપિટલ માર્કેટનું પ્રતિનિધિત્વ ટ્રેક કરવા માટે બનાવવામાં આવેલા કૅપિટલ માર્કેટ ઇન્ડેક્સમાં 1.61 ટકાનો જોવા મળ્યો હતો. જોકે એ સાપ્તાહિક 0.69 ટકા વધી 4042.50 બંધ રહ્યો હતો. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ દૈનિક 1.41 ટકા ઘટી વીકલી 0.01 ટકાના નગણ્ય સુધારાએ 43,726.55 બંધ રહ્યો હતો. નિફ્ટી રિયલ્ટી સાપ્તાહિક 0.70 અને દૈનિક 0.62 ટકા ગુમાવી સપ્તાહાંતે 1045.10 થઈ ગયો હતો. ફાર્મા ઇન્ડેક્સે શુક્રવારે 1.23 ટકા ઘટી વીકલી 1.11 ટકા વધી 23,263.50 બંધ આપ્યું હતું. નિફ્ટીના બે પ્રતિનિધિ શૅરો ONGC અને તાતા મોટર્સ 5.11 ટકા અને 3.13 ટકા વધી અનુક્રમે 258.65 અને 789 રૂપિયા બંધ રહ્યા હતા. આ ઇન્ડેક્સના SBI લાઇફ 2 ટકા વધી 1450 રૂપિયા, ટાઇટન પોણાબે ટકા સુધરી 3450 રૂપિયા અને નેસ્લે દોઢ ટકો પ્લસ થઈ 2231ના લેવલે બંધ થયા હતા. સામે પક્ષે ઘટનારા ચાર શૅરોમાં 2થી 3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. વિપ્રો 2.83 ટકા ઘટી 295 રૂપિયા, HDFC બૅન્ક અઢી ટકાના લૉસે 1748 રૂપિયા, અદાણી પોર્ટ્સ સવાબે ટકાના નુકસાને 1197 અને ટેક મહિન્દ્ર સવાબે ટકા ગુમાવી 1690 થઈ ગયા હતા. સિપ્લા પણ બે ટકા ઘટી 1507ના સ્તરે બંધ હતો. HDFC બૅન્કના 2.53 ટકાના ઘટાડાએ નિફ્ટીના 76, બૅન્ક નિફ્ટીના 503, નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સના 280, સેન્સેક્સના 286 અને બૅન્કેક્સના 316 પૉઇન્ટ્સનો ભોગ લીધો હતો. નિફ્ટી 24,188ના પુરોગામી બંધ સામે 23,196 ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન સતત ઘટાડામાં ઓપનિંગને જ હાઈ રાખીને 23,976નો દિવસનો લો ભાવ રાખી અંતે ૧૮૪ પૉઇન્ટ્સ તૂટી 24,004 બંધ રહ્યો હતો. નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસ અને નિફ્ટી બૅન્કની જુગલબંધીએ બૅન્કિંગ ઍન્ડ ફાઇનૅન્શ્યલ સર્વિસિસ (BFS) ક્ષેત્રોની નબળાઈ પર પ્રકાશ પાડ્યો હતો. નિફ્ટી ફાઇનૅન્સના 20માંથી 11 અને બૅન્ક નિફ્ટીના 12માંથી છ શૅરો તૂટ્યા હતા. એ ઘટનારા શૅરોમાં એમસેક્સ 3 ટકા, ICICI બૅન્ક 2 ટકા, HDFC એએમસી સવા ટકો, મુથૂટ અને SBI 1-1 ટકો તેમ જ ફેડરલ અને ઍક્સિસ બૅન્ક અડધો-અડધો ટકો ઘટ્યા હતા. જોકે આરઈસી ત્રીજા ત્રિમાસિક અને નવમાસિક અપડેટના આંકડાઓમાં સારા દેખાવના જોરે પોણાચાર ટકા ઊછળી 537 રૂપિયા બંધ હતો. ચોલામંડલમ પણ સાડાત્રણ ટકા સુધરી 1315 રૂપિયાના લેવલે વિરમ્યો હતો. નિફ્ટી નેક્સ્ટ પચાસના પા ટકાના સુધારામાં 50માંથી 26 શૅરો વધ્યા હતા. આ ઇન્ડેક્સનો પ્રતિનિધિ ડીમાર્ટ ગુરુવારે બજાર બંધ થયા પછી એક્સચેન્જ ફાઇલિંગમાં ડિસેમ્બર ક્વૉર્ટરમાં કંપનીનો રેવન્યુ ગ્રોથ સ્ટૅન્ડ અલોન ધોરણે ધંધાકીય કામગીરી થકી સાડાસત્તર ટકાનો રહ્યો હોવાની માહિતીના પ્રતિસાદરૂપે શુક્રવારે 11.10 ટકાના હનુમાન કૂદકાએ 4011 રૂપિયા બંધ રહ્યાની નોંધ લેવી ઘટે. નૌકરી અને લોધા બન્નેમાં સવાબે ટકાનો સુધારો થતાં ભાવ 9085 અને 1403 રૂપિયા બંધ રહ્યા હતા. એથી વિપરિત ઝોમાટો સવાચાર ટકાના ગાબડાએ 272 રૂપિયા, બજાજ હોલ્ડિંગ 3 ટકા તૂટી 11,562 થયા હતા. નિફ્ટી મિડકૅપ સિલેક્ટ 0.65 ટકા ઘટ્યો હોવા છતાં એનો પ્રતિનિધિ એસઆરએફ અઢી ટકા વધી 2282 રૂપિયા બંધ હતો. આ ઇન્ડેક્સના પ્રતિનિધિ ગોદરેજ પ્રૉપર્ટી અને પૉલિકૅબ 3-3 ટકા ઘટી અનુક્રમે 2728 અને 7175 રૂપિયાની સપાટીએ વિરમ્યા હતા. MRF સવાબે ટકા એટલે કે 2913 રૂપિયા ઘટી 1,26,299 થઈ ગયો હતો. ગુરુવારે જણાવ્યાનુસાર તેજી થતી હોય ત્યારે દૈનિક હાઈ ભાવની ઍવરેજોને રેઝિસ્ટન્સ તરીકે અને લો ભાવની ઍવરેજોને સપોર્ટ તરીકે મહત્ત્વ આપવું જોઈએ એવી માન્યતા મુજબ રેઝિસ્ટન્સ લેવલ 60 દિવસની ઍવરેજનું 24,400નું હતું એ ક્રૉસ નથી થયું. હવે 23,800 આસપાસનું 15 દિવસની ઍવરેજનો સ્તર તૂટે છે કે નહીં એ જોવું રહ્યું. નિફ્ટીના 50માંથી 32, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીના 50માંથી 24, મિડકૅપ સિલેક્ટના 25માંથી 19, નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસના 20માંથી 11 અને બૅન્ક નિફ્ટીના 12માંથી 6 શૅરો ઘટાડા સાથે બંધ રહ્યા હતા. BSEનો સેન્સેક્સ 720 પૉઇન્ટ્સ ઘટીને 0.90 ટકાના લૉસે 79,223ના સ્તરે અને બૅન્કેક્સ 1.07 ટકા ઘટી, 643 પૉઇન્ટ્સના નુકસાને 57,927ના સ્તરે વિરમ્યા હતા. સેન્સેક્સના 30માંથી 18 અને બૅન્કેક્સના 10માંથી 5 શૅરો ડાઉન હતા.
NSE લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન 446.70(447.40) લાખ કરોડ રૂપિયાના સ્તરે તો BSE લિસ્ટેડ શૅરોનું 449.78 (450.47) લાખ કરોડ રૂપિયા હતુ. NSEના 2903 ટ્રેડેડ શૅરોમાંથી 1470 તથા BSEના 4103 ટ્રેડેડ શૅરોમાંથી 2032 વધ્યા હતા. NSE ખાતે 88 અને BSEમાં 199 શૅરો બાવન સપ્તાહની નવી ટોચે હતા તો સામે અનુક્રમે 15 અને 23 શૅરો 52 વીક લો પર હતા. NSEના 139 શૅરો ઉપલી સર્કિટે અને 35 શૅરો નીચલી સર્કિટે પહોંચ્યા હતા.
ADVERTISEMENT
FII ફરી નેટ વેચવાલ
FIIની 4227 કરોડ રૂપિયાની નેટ વેચવાલી રહી હતી. ડીઆઇઆઇએ 820 કરોડ રૂપિયાની નેટ લેવાલી કરી એથી સમગ્રતયા 3407 કરોડ રૂપિયાની નેટ લેવાલી કૅશ સેગમેન્ટમાં જોવા મળી હતી.
સાપ્તાહિક સિતારા
ઑઇલ ઇન્ડિયા એક સપ્તાહમાં 13.16 ટકા સુધરી 481 રૂપિયાના સ્તરે બંધ હતો. મંગળવારથી રોજ સુધરી આ લેવલે પહોંચ્યો હતો. બ્રૅન્ટ ક્રૂડના ભાવ વધીને બે મહિનાની ટોચે પહોંચ્યા એની સાથે-સાથે આ શૅર અને ONGCમાં સુધારો થયો હોવાનું જાણકારો માને છે.
ઇન્દ્રપ્રસ્થ ગૅસ પણ સાપ્તાહિક 13.13 ટકાના ઉછાળા સાથે 441.20 રૂપિયા થઈ ગયો હતો. આ શૅરે તો 21મી નવેમ્બરથી 306 રૂપિયાથી શરૂ કરેલી સુધારાની ચાલમાં પાછું વાળીને જોયું નથી. સરકારે ઓછી કિંમતના નૅચરલ ગૅસની પુનઃફાળવણીમાં, સીએનજી ગૅસના પુરવઠાની તંગી ઘટાડવા વધુ સપ્લાય સીટી ગૅસ રીટેલર્સને આપવાના નિર્ણયના પગલે શૅરના ભાવ પણ વધ્યા છે.
ઇક્વિનૉક્સ ઇન્ડિયા ડેવલપમેન્ટ્સ (ઇન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટ) વીકલી 12 ટકા વધી 130 રૂપિયા થયો છે.