ઇન્ડેક્સના તમામ કૉઇન વધ્યા હતા, જેમાં સોલાના ૩.૬૫ ટકાની વૃદ્ધિ સાથે મોખરે હતો
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં ઑગસ્ટ મહિનામાં ફુગાવો ૩.૭ ટકાના દરે વધ્યો એ જાહેરાત થયા બાદ વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં વૃદ્ધિ નોંધાઈ હતી. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૧.૦૧ ટકા (૩૩૯ પૉઇન્ટ) વધીને ૩૪,૦૭૭ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૩૩,૭૩૮ ખૂલીને ૩૪,૩૭૩ની ઉપલી અને ૩૩,૬૪૧ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કૉઇન વધ્યા હતા, જેમાં સોલાના ૩.૬૫ ટકાની વૃદ્ધિ સાથે મોખરે હતો. લાઇટકૉઇન, ઇથેરિયમ, બીટકૉઇન અને ચેઇનલિંકમાં ત્રણેક ટકા સુધીનો વધારો થયો હતો.
દરમ્યાન, ફિન્ચ કૅપિટલના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ક્રિપ્ટોકરન્સી અને બ્લૉકચેઇન ઉદ્યોગમાં મુખ્ય યુરોપિયન માર્કેટ્સમાં વધુ રોકાણ આવ્યું છે. એક અહેવાલ મુજબ યુરોપિયન સંસદસભ્યોમાંથી ૯૦ ટકા લોકો ક્રિપ્ટોકરન્સી માટે કરવેરાનું કડક માળખું રચવાની તરફેણ કરે છે. બીજી બાજુ, રશિયાએ ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનૅન્શિયલ ઑર્ગેનાઇઝેશન્સને કાનૂની સ્વરૂપ આપવાની તૈયારી કરી છે.