Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > ભારતનો સૌથી મોટો IPO આવી રહ્યો છે આવતી કાલે

ભારતનો સૌથી મોટો IPO આવી રહ્યો છે આવતી કાલે

Published : 14 October, 2024 08:32 AM | Modified : 14 October, 2024 08:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હ્યુન્દાઇ મોટર ઇન્ડિયાનો ૨૭,૮૭૦ કરોડ રૂપિયાનો IPO રેકૉર્ડ તોડશે LICનો

હ્યુન્દાઇ મોટર

હ્યુન્દાઇ મોટર


આજથી શરૂ થઈ રહેલા નવા અઠવાડિયામાં ભારતીય શૅરબજારોમાં ઇતિહાસ રચાઈ જવાનો છે, કારણ કે હ્યુન્દાઇ મોટર ઇન્ડિયાનો ૨૭,૮૭૦ કરોડ રૂપિયાનો IPO ખૂલવાનો છે. અત્યાર સુધીનો આ સૌથી મોટો IPO છે, આ સિવાય બીજા બે IPO પણ આ અઠવાડિયે નાણાં ઊભાં કરવા માટે આવી રહ્યા છે.


અત્યાર સુધીમાં લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (LIC)નો IPO ભારતનો સૌથી મોટો હતો અને એણે ૨૦૨૨માં ૨૧,૦૦૮ કરોડ રૂપિયા ઊભા કર્યા હતા. એ પહેલાં ૨૦૨૧માં વન ૯૭ કમ્યુનિકેશન્સ (પેટીએમ)નો ૧૮,૩૦૦ કરોડનો IPO આવ્યો હતો. આ પહેલાં ૨૦૧૦માં કોલ ઇન્ડિયાએ IPO દ્વારા માર્કેટમાંથી ૧૫,૧૯૯ કરોડ ઊભા કર્યા હતા. 



સરકારના વિવિધ ઇનિશ્યેટિવના પગલે અર્થતંત્રમાં વિકાસ થવાની આશા હોવાથી ભારતની IPO માર્કેટ આગામી દિવસોમાં બિઝી રહેવાની શક્યતા છે. વિકાસ માટે જે મૂડીભંડોળ જોઈએ એના માટે કેટલીયે કંપનીઓ નાણાં ઊભાં કરવા માટે માર્કેટમાં આવશે એમ નિષ્ણાતો જણાવી રહ્યા છે.


NTPC ગ્રીન એનર્જી, સ્વિગી, SK ફાઇનૅન્સ, ઍફકૉન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, NSDL, ઍક્મે સોલર હોલ્ડિંગ્સ, મોબીક્વિક, વારી એનર્જીઝ, એન્વાયરો ઇન્ફ્રા એન્જિનિયર્સ, સુરક્ષા ડાયગ્નૉસ્ટિક અને ઝિન્કા લૉજિસ્ટિક્સ જેવી ઘણી કંપનીઓને IPO લાવવા માટે શૅરબજારની નિયમનકારી સંસ્થા પાસેથી અપ્રૂવલ મળી ગયું છે.

ભારતની બીજા નંબરની સૌથી મોટીકાર-ઉત્પાદક કંપની હ્યુન્દાઇ મોટર ઇન્ડિયાનો ૩.૩ અબજ ડૉલરનો IPO ૧૫ ઑક્ટોબરે ખૂલી રહ્યો છે. એની પ્રાઇસબૅન્ડ પ્રતિ શૅર ૧૮૬૫થી ૧૯૬૦ રૂપિયા રહેશે. ૮૩૧૫ કરોડ રૂપિયાની ઍન્કર બુક (ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ બુકના ૬૦ ટકા સુધીની) આજે એક દિવસ માટે ‍ખૂલશે. આ IPO ૧૭ ઑક્ટોબરે બંધ થશે. સાઉથ કોરિયાની પેરન્ટ કંપનીનો આ IPO સંપૂર્ણ રીતે ૧૪.૨ કરોડ ઇક્વિટી શૅર્સ માટે ઑફર ફૉર સેલ (OFS) છે. કોરિયન પેરન્ટ કંપની ભારતીય સબસિડિયરી માટે ૧.૫૯ લાખ કરોડ રૂપિયાનું માર્કેટ-કૅપ માગી રહી છે. કંપનીના કર્મચારીઓ માટે ૭,૭૮,૪૦૦શૅર રિઝર્વ રાખવામાં આવ્યા છે અને તેમને ઇશ્યુ-પ્રાઇસ પર શૅરદીઠ ૧૮૬ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.


પ્રાઇસ-બૅન્ડની જાહેરાત પહેલાં એનું પ્રીમિયમ પંદરથી વીસ ટકા બોલાતું હતું, પણ હવે એ ઘટીને અપર પ્રાઇઝ-બૅન્ડના પાંચથી સાત ટકા વધુ સુધી નીચે બોલાઈ રહ્યું છે. IPOનું બાવીસ ઑક્ટોબરે લિસ્ટિંગ થશે. એ દિવસે શૅરબજારોમાં આ શૅરના સોદા પડવાની શરૂઆત થશે.

આ અઠવાડિયે બંધ થનારા IPO

પ્રાણિક લૉજિ​સ્ટિક્સનો ૨૨.૫ કરોડ રૂપિયાનો મેઇડન પબ્લિક ઇશ્યુ આજે બંધ થશે. ૧૦ ઑક્ટોબરે એ ખૂલ્યો હતો અને એમાં પ્રાઇસ-બૅન્ડ શૅરદીઠ ૭૩થી ૭૭ રૂપિયા છે. ૧૭ ઑક્ટોબરે NSE ઇમર્જ પર એનું લિસ્ટિંગ થશે.

આ અઠવાડિયાનાં લિસ્ટિંગ

મુંબઈ સ્થિત ગરુડા કન્સ્ટ્રક્શન ઍન્ડ એન્જિનિયરિંગ કંપનીનો IPO એકમાત્ર મેઇન બોર્ડ IPO છે જેનું લિસ્ટિંગ BSE અને NSE પર ૧૫ ઑક્ટોબરે થશે. ૯૫ના ફિક્સ ભાવે કંપની ૨૬૪ કરોડ રૂપિયાનો IPO લાવી હતી.SME સેગમેન્ટમાં શિવ ટેક્સકેમના શૅર BSE SME પર ૧૫ ઑક્ટોબરે લિસ્ટ થશે. આ સિવાય ૧૭ ઑક્ટોબરે પ્રાણિક લૉજિસ્ટિક્સના શૅરનું NSE ઇમર્જ પર લિસ્ટિંગ થશે.

બીજું શું છે?

લક્ષ્ય પાવરટેક: આ અઠવાડિયે સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (SME) સેગમેન્ટમાં આ પહેલો IPO રહેશે જે ૧૬થી ૧૮ ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે. આ કંપની અમદાવાદ સ્થિત એન્જિનિયરિંગ કન્સલ્ટન્સી સર્વિસ પ્રોવાઈડર છે અને ફ્રેશ ઈશ્યુ દ્વારા માર્કેટમાંથી પચાસ કરોડ રૂપિયા ઊભા કરવા માગે છે. આ બુક બિલ્ટ ઈશ્યુની શેરદીઠ પ્રાઈસ ૧૭૧થી ૧૮૦ રૂપિયા રાખવામાં આવી છે અને નૅશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના NSE ઈમર્જ પર ૨૩ ઓક્ટોબરે લિસ્ટ થશે.

ફેશારા ઍગ્રો એક્સપોર્ટ્સ: SME સેગમેન્ટનો બીજો IPO ફેશારા ઍગ્રો એક્સપોર્ટ્સનો છે જે માર્કેટમાંથી ફ્રેશ ઈશ્યુ દ્વારા ૭૫.૪ કરોડ રૂપિયા ઊભા કરશે. આ IPO ૧૭ ઓક્ટોબરે ખૂલશે અને ૨૧ ઓક્ટોબરે બંધ થશે. આ કંપની શેરદીઠ ૧૧૦થી ૧૧૬ રૂપિયાના ભાવે ફ્રેશ ઈશ્યુ લાવી રહી છે અને ૨૪ ઓક્ટોબરે એના શૅર NSE ઇમર્જ પર લિસ્ટ થશે. આ કંપની પિકલ્ડ વેજિટેબલ્સ પ્રોસેસ કરીને એક્સપોર્ટ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

14 October, 2024 08:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK