બજારની કાર્યક્ષમતા ભરતી-ઓટની માફક વધતી-ઘટતી રહે છે. લોકો માર્કેટમાં પ્રવેશે છે અને પૈસા કમાવવાનો પ્રયાસ કરે છે
ફાઇનૅન્સ પ્લાન
પ્રતિકાત્મક તસવીર
મારા ગયા લેખમાં આપણે કોઈ પણ સ્ટૉકનું મૂલ્યાંકન કરવા બાબતના ત્રણ મુદ્દાઓ પર વિસ્તારપૂર્વક જોઈ ગયા હતા. આજના લેખમાં આપણે બાકીના મુદ્દાઓ વિશે સમજીશું.
૪. ટેક્નૉલૉજી જૂની થતાં કંપની પણ કાળગ્રસ્ત થઈ શકે છે એ હકીકત અવગણશો નહીં
ADVERTISEMENT
ચાલો આપણે ધારીએ કે તમે ‘ઝૂમ’ કંપનીનું મૂલ્યાંકન કરી રહ્યા છો અને તમે આ કંપની વિશે આશાવાદી છો. ‘ઝૂમ’ એક પ્રચલિત પ્લૅટફૉર્મ છે. આપણે બધા એનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આ પ્લૅટફૉર્મ માટેનો સૌથી ઉત્સાહિત અને આશાવાદી વ્યક્તિ પણ એક વાત સ્વીકારશે કે આ પ્લૅટફૉર્મનો આપણે આજથી ૧૫ વર્ષ પછી ઉપયોગ નહીં કરતા હોઈએ. ટેક્નૉલૉજી બહુ જ ઝડપથી બદલાઈ રહી છે. આપણે એ પણ જાણતા નથી કે ભવિષ્યમાં આપણે કયા મીડિયાનો ઉપયોગ કરતા હોઈશું. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે સતત થતા ડેવલપમેન્ટને કારણે કોણ જાણે ભવિષ્યમાં આપણે કઈ ટેક્નિક વાપરતા હોઈશું?
એથી જો તમે ‘ઝૂમ’ વિશે ઉત્સાહિત હો અને તમે આગામી પાંચ વર્ષમાં કંપનીની કમાણી અને કૅશફ્લોને પ્રોજેક્ટ કરી રહ્યા હો તો હું તમારી સાથે સહમત છું, પરંતુ જો તમે એમ કહો છો કે એ કાયમ માટે એવું જ પ્રદર્શન કરી શકશે તો મારો તમને એ પ્રશ્ન હશે કે કેવી રીતે આ સંભવ બનશે? આ એક ટેક્નૉલૉજી કંપની છે અને જ્યારે ટેક્નૉલૉજી બદલાય અથવા નકામી બની જાય ત્યારે કંપનીની વૅલ્યુએશન પણ નીચે જતી હોય છે.
‘યાહૂ’ ખરાબ કંપની નહોતી. એ એક સર્ચ એન્જિન હતું, પરંતુ ‘યાહૂ’ ફક્ત એક સર્ચ એન્જિન બનીને જ રહી ગયું. એક વાર ‘ગૂગલ’ માર્કેટમાં આવી ગઈ એટલે ‘યાહૂ’ માટે બધું જ ઠપ થઈ ગયું. જેવી ટેક્નૉલૉજી જૂની થઈ જાય છે એની સાથે આવી ટેક્નૉલૉજી આધારિત કંપનીઓના નૂર પણ ઓસરી જતા જોવા મળે છે. ટેક્નૉલૉજી કંપનીઓની આ સમસ્યા છે. એમ છતાં, કેટલીક ટેક્નૉલૉજી કંપનીઓ આવી સમસ્યાનો નિકાલ કરવામાં સફળતા મેળવી શકી છે, જેમ કે ઍપલ, માઇક્રોસૉફ્ટ, પરંતુ આવી અપવાદરૂપ કંપનીઓનાં ઉદાહરણ ધ્યાનમાં રાખીને તમે બાકીની બધી કંપનીઓની કમાણીઓનું વૅલ્યુએશન ન કરી શકો અને એના આધારે રોકાણ પણ ન કરી શકો. દરેક ક્ષેત્રની કંપનીઓને એના સંજોગોને આધારે, બદલાતી પરિસ્થિતિઓ સાથે એની પોતાને બદલી શકવાની ક્ષમતાને આધારે વૅલ્યુએશનના નિયમો બનાવવા જોઈએ.
૫. સચેત રહો
બજારો બિનકાર્યક્ષમતાથી કાર્યક્ષમતા તરફ આગળ વધતાં હોય છે. બજારની કાર્યક્ષમતા ભરતી-ઓટની માફક વધતી-ઘટતી રહે છે. લોકો માર્કેટમાં પ્રવેશે છે અને પૈસા કમાવવાનો પ્રયાસ કરે છે. આમ વધારે લોકોના માર્કેટમાં આવવાથી માર્કેટ કાર્યક્ષમ બને છે, પરંતુ જ્યારે લોકો માર્કેટમાંથી બહાર જાય છે અને પૈસા બનાવવાનો પ્રયાસ કરવાનું બંધ કરે છે ત્યારે માર્કેટ ફરીથી બિનકાર્યક્ષમ બને છે. આમ આ એક ભરતી-ઓટ જેવી પ્રક્રિયા છે, જ્યાં એક સમયે સ્ટૉકની કિંમતો યોગ્ય ન હોય એવા ઘણા બધા સ્ટૉક તમારી પાસે હોઈ શકે છે અને એવો પણ સમય હોય જ્યારે તમારી પાસે સ્ટૉકની કિંમતો યોગ્ય ન હોય એવા ઓછા શૅરો હોય છે.
કેવો સમય છે એના આધારે તમને રોકાણ કરવા માટે ઓછી અથવા વધુ કંપનીઓ મળી શકે છે. માર્કેટ જ્યારે સરખામણીમાં કાર્યક્ષમ હોય એવા સમયગાળામાં તમે તમારા પૈસા ઇન્ડેક્સ ફન્ડમાં રોકી શકો છો અને પછી રાહ જુઓ. છ કે બાર મહિના પછી પાછી માર્કેટમાં કટોકટી આવે ત્યારે લોકોમાં ગભરાટ ફેલાય છે. આવા સમયે ફરીથી યોગ્ય કિંમત હોય એવા શૅરો તમને મળી શકશે. પૈસા કમાવા માટે અમુક તકો મળતી રહે છે અને એ દરમ્યાન તમારે ફાયદા મેળવવાના મોકા શોધવાના હોય છે.
માર્કેટ પોતાની ભૂલો સુધારતી રહે છે. આ ભૂલસુધારની પ્રવૃત્તિ મને રોકાણકાર બનવા માટે પ્રેરે છે. જો માર્કેટ પોતાની ભૂલો સુધારી ન શકે, તો આપણે ક્યારેય પૈસા ન બનાવી શકીએ. સવાલ એ છે કે પૈસા બનાવવાની તક કેટલો સમય ચાલે છે? મને લાગે છે કે જો તમને વિશ્વાસ હોય તો એનો લાભ લેવા માટે એ લાંબા સમય સુધી ચાલે છે, કારણ કે અમુક કંપનીઓમાં જે ક્ષણોમાં રોકાણ કરી શકાય એ ક્ષણો તમારા માટે ખૂબ જ ભયાનક હોઈ શકે છે, જેમ કે જ્યારે ફેસબુકે એનાં મેટાવર્સ રોકાણ સંબંધિત કમાણીના અહેવાલની જાણ કરી ત્યારે એના સ્ટૉકની કિંમત પડી ગઈ. દરેક જણને ખાતરી થઈ કે માર્ક ઝકરબર્ગ ફેસબુકને ડુબાડી દેશે. હકીકતમાં આ જ ફેસબુકનો સ્ટૉક ખરીદવાનો ખરો સમય હતો. એથી ઘણી વાર એનો અર્થ એ થાય છે કે જ્યારે તમને ભય લાગતો હોય અને આખી દુનિયા તમને એ સ્ટૉક ખરીદવા માટે રોકતી હોય ત્યારે જ એ સ્ટૉકને ખરીદવાનો ઉત્તમ સમય હોઈ શકે છે.
આમ કોઈ પણ કંપનીના બિઝનેસને સમજવાની કળા વિકસાવી શકાય તો કોઈ પણ જાતના ભય વગર, વિશ્વાસપૂર્વક લાંબા ગાળા માટે સ્ટૉકમાં રોકાણ કરીને સંપત્તિનું સર્જન કરી શકાય.