મહિલાઓ માટેની આ ખાસ પૉલિસીઓ શું કામ દરેક પરિવારમાં હોવી જોઈએ.
વીમાની વાત
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
આપણા દેશમાં મહિલાઓનું આરોગ્ય સાચવવા પર હવે વિશેષ લક્ષ અપાવા લાગ્યું છે. આવા સંજોગોમાં આરોગ્ય વીમા કંપનીઓએ પણ એમની અલગ-અલગ જરૂરિયાતો અનુસાર પૉલિસીઓ ઘડી છે. એમાં સગર્ભાવસ્થા, પ્રસૂતિ તથા મહિલાઓની અનેક બીમારીઓને વિશેષપણે આવરી લેવામાં આવે છે.
સૌથી પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે મહિલાઓ માટેની આ ખાસ પૉલિસીઓ શું કામ દરેક પરિવારમાં હોવી જોઈએ.
ADVERTISEMENT
સગર્ભાવસ્થા સંબંધિત સેવા : ભારતમાં હવે પ્રસૂતિનો ખર્ચ પણ ઘણો મોટો થાય છે. સગર્ભાવસ્થામાં પણ અલ્ટ્રાસાઉન્ડ, ચેક-અપ અને પ્રસૂતિ બાદની સેવાનો ખર્ચ એમાં સામેલ હોય છે જે સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં યોગ્ય મૅટરનિટી પ્લાન હોય તો બાળજન્મને લગતા ખર્ચ સારી રીતે પૂરા કરી શકાય છે.
મહિલાઓની બીમારીઓ સામે રક્ષણ : કેટલીક બીમારીઓ ફક્ત મહિલાઓને થતી હોય છે. એમાં સ્તનનું કૅન્સર, અંડાશયનું કૅન્સર, ગર્ભાશયનું કૅન્સર વગેરે સામેલ છે. આથી એના માટે કંપનીઓએ ઘડેલી પૉલિસીઓમાંથી યોગ્ય પૉલિસીની પસંદગી કરવી જોઈએ.
કલમ ૮૦ડી હેઠળ કરલાભ : મહિલાઓ પણ કમાતી થઈ છે અને તેમને પણ કરવેરાની બચત કરવાની જરૂર પડતી હોય છે. આ જરૂર પૂરી કરનારી આરોગ્ય વીમા પૉલિસીઓ લઈને એના દ્વારા આર્થિક રક્ષણ પણ મેળવી શકાય છે.
અલગ-અલગ કંપનીઓએ બહાર પાડેલી મહિલાઓ માટેની આરોગ્ય વીમા પૉલિસીઓની કેટલીક વિશેષ જોગવાઈઓ આ પ્રમાણે છેઃ
આ પણ વાંચો : શું તમે જાણો છો કે હેલ્થ ચેક-અપ માટેના ખર્ચનું આવકમાંથી ડિડક્શન મળે છે?
તાતા એઆઇજી વેલશ્યૉરન્સ વિમેન
૧૧ ગંભીર બીમારીઓ આવરી લે છે. કૅન્સર માટે સૌથી વધુ રિસ્ક કવર.
હૉસ્પિટલાઇઝેશન, આઇસીયુ/આઇસીસીયુ, ફિટ આવવી, કૉસ્મેટિક રીકન્સ્ટ્રક્શન સર્જરી (અકસ્માતને પગલે જરૂર પડે ત્યારે જ) તથા ઇમર્જન્સી ઍમ્બ્યુલન્સ સેવાને આવરી લે છે.
અલગ-અલગ સમ ઇન્શ્યૉર્ડ અને અલગ-અલગ લાભ સાથે ક્લાસિક, સુપ્રીમ અને એલાઇટ એમ ત્રણ પ્રકારની પૉલિસીઓ.
પૉલિસી લેવાની ઉંમર ૧૮થી ૬૫ વર્ષ સુધી. આજીવન નવીનીકરણ શક્ય છે.
બજાજ અલાયન્સ વિમેન સ્પેસિફિક ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યૉરન્સ પ્લાનઃ
મહિલાઓને થતાં છ પ્રકારનાં કૅન્સર, દાઝ્યાની સારવાર, લકવો અને મલ્ટિ ટ્રોમાની સ્થિતિમાં ૧૦૦ ટકા સમ ઇન્શ્યૉર્ડ મળે છે.
નવજાત શિશુઓને થતી જન્મજાત બીમારીઓ (જેમાં ફક્ત બે બાળકો સુધીની પ્રસૂતિ આવરી લેવાય છે)ની સ્થિતિમાં સમ ઇન્શ્યૉર્ડની ૫૦ ટકા રકમ મળે છે. બાળકોના શિક્ષણ સંબંધિત બોનસ મળે છે અને નોકરી જતી રહેવાની સ્થિતિ પણ આવરી લેવામાં આવે છે.
પૉલિસી લેવાની ઉંમર ૨૧થી ૬૫ વર્ષ સુધી. આજીવન નવીનીકરણ શક્ય છે.
સ્ટાર વિમેન કૅર ઇન્શ્યૉરન્સ પૉલિસી
વીમા પૉલિસી આપતાં પહેલાં મેડિકલ સ્ક્રીનિંગ કરાતું નથી વ્યક્તિગત અને ફ્લોટર બન્ને પ્રકારના પ્લાન ઉપલબ્ધ ફૅમિલી ફ્લોટરમાં સર્વસાધારણ હૉસ્પિટલાઇઝેશન, મૅટરનિટી કવચ, પ્રસૂતિ પહેલાંનું અને પછીનું કવચ, નવજાત શિશુ માટેનું કવચ, એક કરતાં વધુ વખતનું કન્સલ્ટેશન, આરોગ્ય રક્ષણ માટેનું ચેક-અપ, સ્વૈચ્છિક વંધ્યીકરણ અને બાળકના હૉસ્પિટલાઇઝેશનને આવરી લેવાય છે.
પૉલિસી લેવાની ઉંમર ૧૮થી ૬૫ વર્ષ સુધી. આજીવન નવીનીકરણ શક્ય છે.
સ્ટાર વિમેન કૅર ઇન્શ્યૉરન્સ પૉલિસીની કેટલીક ખાસિયતોઃ
માતા માટેનું કવચ : જો ૧૨ વર્ષથી ઓછી ઉંમરનું બાળક આઇસીયુમાં સારવાર હેઠળ હોય તો ત્યાં રહેવાનો માતાનો ખર્ચ પણ આ પૉલિસી હેઠળ મળે છે.
માથામાં ઈજા, પક્ષઘાત, કરોડની બીમારી જેવી સ્થિતિમાં પુનઃવસન અને પીડાશમન માટેની સારવારનો ખર્ચ પણ મળે છે.
કૃત્રિમ ગર્ભાધાન : સબ-ફર્ટિલિટી તરીકે ઓળખાતી સ્થિતિમાં કૃત્રિમ ગર્ભાધાન માટેની સારવારને પણ આવરી લેવાઈ છે.
અકસ્માતને લીધે ગર્ભપાત થવાની સ્થિતિમાં એક ચોક્કસ રકમ એકસામટી ચૂકવવામાં આવે છે.
મણિપાલ સિગ્ના
ઇન્ડિવિજ્યુઅલ પ્લાનની સાથે સ્ટાન્ડર્ડ ઇન્શ્યૉરન્સ ઉપરાંત રાઇડર ઉપલબ્ધ હોય છે.
સ્તનના કૅન્સર માટેની તપાસ, ઑસ્ટિઓપોરોસિસ માટેની તપાસ, ગર્ભાશયના મુખના કૅન્સર માટેની તપાસ, અંડાશયના કૅન્સર માટેની તપાસ, ગર્ભાશયના મુખના કૅન્સરના નિવારણ માટેની રસી, ગાયનેકોલૉજિકલ કન્સલ્ટેશન વગેરે જેવી મહિલાઓની બીમારીઓના નિદાનના ખર્ચ પણ આવરી લેવામાં આવે છે.
સાઇકિયાટ્રિસ્ટ અને સાઇકોલૉજિકલ કન્સલ્ટેશન માટેનો ખર્ચ પણ આવરી લેવાય છે.
પ્રવેશની લઘુતમ ઉંમર ૧૨ વર્ષ છે.
ઉક્ત સંપૂર્ણ ચર્ચા પરથી સ્પષ્ટ થાય છે કે મહિલાઓની સારવાર માટેની અનેક આવશ્યકતાઓ આ પૉલિસીઓ દ્વારા સંતોષાય છે. અલગ-અલગ કંપનીઓના પ્લાન વિશેની માહિતી આપવાનું એકમાત્ર પ્રયોજન વાચકોને સ્પષ્ટ સમજ આપવાનું છે. આમાંથી જ કોઈ પૉલિસી લેવી એવું કહેવાનો કોઈ ઉદ્દેશ્ય નથી.
દરેક વ્યક્તિએ પૉલિસી લેતી વખતે એમાં આવરી લેવાતી સારવાર અને નહીં આવરી લેવાયેલી બાબતોની ચકાસણી કરવી જોઈએ. અમુક સારવાર માટેના વેઇટિંગ પિરિયડને પણ ધ્યાનમાં લેવો અને પૉલિસી લેતાં પહેલાં કોઈ બીમારી થયેલી હોય તો એની સ્પષ્ટ નોંધ પણ પ્રપોઝલમાં કરવી, જેથી ભવિષ્યમાં કોઈ ક્લેમ નકારી કાઢવામાં આવે નહીં.