૨૦૧૦માં જેણે આવનારા સમયને ભાખીને પે થ્રૂ મોબાઇલના કન્સેપ્ટને વહેતો કર્યો એ બ્રિલિયન્ટ બિઝનેસ આઇડિયા ટૂંક સમયમાં જ ખૂબ ફૂલ્યોફાલ્યો અને છતાં એને ધારી સફળતા ન મળી એનાં કારણો શું?
પ્રતીકાત્મક તસવીર
હા, એ વાત સાચી કે કોરોનાકાળ માંદગીનો કારમો આઘાત લઈને આવ્યો. એક એવી લડાઈ લઈને આવ્યો જ્યાં યુદ્ધના મેદાનમાં લડતાં-લડતાં જરા કોઈ થાક્યું કે ઢીલું પડ્યું તો તેણે મૃત્યુની આંગળી ઝાલીને ચીરવિદાયે નીકળી જવું પડ્યું. જોકે બે વર્ષનો એ કાળ જતાં પહેલાં આ એક બાબત સિવાય એની બીજી ઘણી-બધી સાઇડ ઇફેક્ટ્સ આપણી વચ્ચે છોડતો ગયો. સામાન્ય માણસની જિંદગીમાં તો એવા-એવા ધરખમ ફેરફારો આવ્યા કે કેટલાક બ્રહ્મજ્ઞાન પામી ગયા હોય એ રીતે જિંદગીનો સાચો અર્થ સમજી ગયા, કેટલાક અત્યંત લાગણીશીલ અને સંવેદનશીલ બની ગયા તો કેટલાક વધુ કઠોર, સ્વાર્થી અને નિ:સ્પૃહી પણ બની ગયા. જોકે આ બધા વ્યક્તિગત જિંદગીમાં આવેલા ફેરફારો છે.
કોરોનાકાળ અને ત્યાર પછી આપણા દેશમાં સામાજિક અને આર્થિક ફેરફારો પણ ઘણા મોટા પાયે સર્જાયા. એમાંનો એક મોટો ફેરફાર ‘ટચલેસ ટ્રાન્ઝૅક્શન્સ’નો પણ ખરો. ખિસ્સામાં પાકીટ રાખવું અને રિક્ષાભાડા કે શાકભાજી માટે કોઈક પાસે છુટ્ટા પૈસાની જીભાજોડી કરવી એ જાણે હવે જૂના જમાનાની વાત થઈ ગઈ છે. આવા બધા અનેક નાના-મોટા ફેરફારોને આપણે એક કૉમન નામ આપ્યું ‘ન્યુ નૉર્મલ!’ અને ખરેખર જ આ બધા ફેરફારો રોજિંદા જીવનમાં એવા વણાઈ ગયા કે હવે તો ‘ન્યુ નૉર્મલ’માંથી ‘ન્યુ’ પણ હટી ગયું અને માત્ર ‘નૉર્મલ’ રહી ગયું છે. આવા બદલાયેલા સંજોગોમાં એક સ્ટાર્ટઅપ કંપનીએ જબરદસ્ત ગ્રોથ કર્યો. પહેલી તક તરીકે આવી નોટબંધી અને બીજી તક તરીકે આવ્યું ટચલેસ ટ્રાન્ઝૅક્શન. One97 નામની આ કંપનીએ બંને બિઝનેસ ઑપોર્ચ્યુનિટીઝને બખૂબી ઝડપી લીધી. એક સમય એવો આવ્યો કે નાના-મોટા દરેકના મોઢે એ કંપનીની ઍપનું જ નામ ચડી ગયું હતું. પેલી એક જાહેરખબર યાદ આવે છે? ‘પેટીએમ કરો...’ બસ, એ જ ‘પેટીએમ’ એટલે એક ડિજિટલ વૉલેટ કંપની.
ADVERTISEMENT
હજી થોડાં વર્ષો પહેલાં તો કંપનીએ એની મોબાઇલ ઍપ્લિકેશન પરથી રોજનાં ૧૬ મિલ્યન ટ્રાન્ઝૅક્શન્સ થતાં હોવાનું અને ૩૦ મિલ્યન કરતાંય વધુ ઍક્ટિવ યુઝર્સ હોવાનું જણાવીને ઇન્વેસ્ટર્સ પાસે રોકાણ મેળવ્યું હતું. PayTM હૉટ ઑન ફેવરિટ લિસ્ટ કંપની છે એવું કૉલર ઊંચા કરીને કહેતી આ મોબાઇલ વૉલેટ કંપની ઘણા લાંબા સમય સુધી પોતાનું મોખરાનું સ્થાન જાળવી રાખી શકી હતી. ‘દુનિયાથી અલગ વિચારી શકો તો જ તમારું સ્થાન જમાવી શકો!’ એ થમ્બ-રૂલનું જીવતું-જાગતું ઉદાહરણ એટલે PayTM.
ડિજિટલ બેબી જન્મ્યું કઈ રીતે?
ડીમૉનેટાઇઝેશન આ વિચાર એન્જિનમાં પુરાયેલું પહેલી વારનું ફ્યુઅલ હતું. ત્યાર બાદ આ ફ્યુઅલથી એન્જિનને હાઈએસ્ટ માઇલેજ મળ્યું કોરોનાકાળને કારણે. પેટીએમનો જન્મ થયો એક ફિનટેક કંપની તરીકે. અલીગઢના સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારમાંથી આવતા વિજય શેખર શર્માએ One97 નામથી એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું.
એ વર્ષ હતું વીસમી સદીના અંતનું વર્ષ અને એકવીસમી સદીની શરૂઆત. ૨૦૦૦ની સાલમાં One97 કમ્યુનિકેશન નામની એક કંપની દ્વારા આ સ્ટાર્ટઅપની શરૂઆત થઈ. કંપનીનું મુખ્ય કામ હતું સમાચારો, ક્રિકેટ ન્યુઝ, જોક્સ વગેરે ઇન્ફર્મેશન અને એન્ટરટેઇનમેન્ટ કન્ટેન્ટ એના ગ્રાહકો સુધી પહોંચાડવાનું. મોબાઇલ યુગની શરૂઆતના આ દિવસો, દસ વર્ષ સુધી કંપની આ ફીલ્ડમાં કામ કરતી રહી. ધીરે-ધીરે જમાનો બદલાયો અને મોબાઇલ ફોન્સ પણ. સિમ્પલ કૉલિંગ ફોન્સની જગ્યાએ હવે સ્માર્ટફોન્સ આવવા માંડ્યા. તો One97 કમ્યુનિકેશન પણ એ પ્રમાણે અપગ્રેડ થઈ. ૨૦૧૦ની સાલમાં One97 કમ્યુનિકેશને એક પેરન્ટ કંપની તરીકે PayTM નામથી એક નવી કંપની ડિજિટલ ફિનટેક કંપની શરૂ કરી. એક ઇન્વેસ્ટર પાસેથી કંપનીને આ માટે બે મિલ્યન ડૉલરનું ઇન્વેસ્ટમેન્ટ પણ મળી ગયું.
એણે સ્માર્ટફોન યુઝર્સ માટે મોબાઇલ વૉલેટ તરીકે એક ઍપ્લિકેશન લૉન્ચ કરી. એમ કહો કે મોબાઇલ પેમેન્ટ ટ્રાન્ઝૅક્શન પ્લૅટફૉર્મ! આ વિચારનો જન્મ ત્યારે થયો જ્યારે વિજય શેખર શર્મા સાહેબે જોયું કે લોકો હવે ઘેરબેઠાં અનેક ચીજવસ્તુઓ મગાવતા થયા છે, પણ એનું પેમેન્ટ ક્યાં તો કૅશ ઑન ડિલિવરી કરે છે, ક્યાં ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી અથવા નેટબૅન્કિંગથી. હવે એવામાં ‘હટકે વિચારનારા’ આ ઑન્ટ્રપ્રનર શર્માજી કા લડકાને વિચાર આવ્યો કે કેમ લોકો સીધેસીધા મોબાઇલથી જ પેમેન્ટ ન કરી શકે? વિચારમાં દેખાયો ધંધો અને ધંધામાં દેખાયો ફાયદો. ટેક્નૉલૉજીનો સ્માર્ટલી અને ઇનોવેટિવ ઉપયોગ કરીને બનાવવામાં આવી એક ઍપ્લિકેશન. એવી ઍપ્લિકેશન જેમાં તમે પાકીટમાં પૈસા રાખો એ જ રીતે પૈસા રાખી શકો અને જરૂર પડે ત્યારે પાંચ રૂપિયાથી લઈને ૫૦૦૦ હજાર રૂપિયા સુધીની ચૂકવણી પણ કરી શકો.
બે મિલ્યન ડૉલરનું ઇન્વેસ્ટમેન્ટ તો મળી ચૂક્યું હતું. આથી ઍપ્લિકેશન તો બનાવી લેવામાં આવી, પણ હવે પ્રશ્ન એ આવ્યો કે આવી કોઈ મોબાઇલ વૉલેટ ઍપ્લિકેશનનું નામ શું રાખવું? તો જે કારણે વિચાર જન્મ્યો હતો એ જ કારણને નામ તરીકે કેમ ન અપનાવવું? ‘પે થ્રૂ મોબાઇલ’ જેનું શૉર્ટ ફૉર્મ બન્યું, ‘પેટીએમ!’
ગોલ્ડન ડેઝ આર હિયર
યાદ છે એ વર્ષ જ્યારે એક દિવસ સાંજે અચાનક આપણા બધા પર જાણે પસ્તાળ પડી હતી? જી હા, ૨૦૧૬ની સાલ જ્યારે એક સાંજે વડા પ્રધાન ટેલિવિઝન સ્ક્રીન પર પ્રગટ થયા અને જાહેરાત કરી નાખી કે આજે રાત્રે ૧૨ વાગ્યાથી ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ. પહેલી નજરે સામાન્ય લોકોને જે જાહેરાત મોટી ઉપાધિ જણાતી હતી, શર્માજી કે લડકે કો વહાં બડા બિઝનેસ દિખ રહા થા. નોટબંધીના એ સમયમાં વિજય શેખર શર્માએ બમણા અવાજથી લોકોને જણાવવા માંડ્યું કે તમે કોઈ પણ ખર્ચનું ભુગતાન તમારા મોબાઇલથી જ કરી શકો છો. જોતજોતામાં તો પેટીએમ એ જાણે મોબાઇલ વૉલેટનો સમાનાર્થી શબ્દ જેવું બની ગયું. ગ્રાહકો વધ્યા, વ્યવહારો વધ્યા અને આ વ્યવહારના માર્કેટમાં હજી માર્કેટશૅર વહેંચવાવાળી એવી કોઈ મોટી કંપની તો આવી જ નહોતી. પેટીએમ ભારતમાં એક પાઇલટ ઍપ્લિકેશન સાબિત થઈ. એનો કંપનીને સૌથી મોટો ફાયદો એ થયો કે ચીનની સૌથી મોટી કંપની અલીબાબા, અમેરિકાના સૌથી મોટા ઇન્વેસ્ટર વૉરન બફેટની કંપની બર્કશર અને ભારતની જાણીતી અને વિશ્વસનીય બ્રૅન્ડ એવી તાતાએ પેટીએમ અને એના ધંધામાં વિશ્વાસ દેખાડ્યો. વિશ્વની માંધાતા કંપનીઓમાં જેનું નામ મોખરે આવતું હોય એવી આ ત્રણ કંપનીઓએ પેટીએમમાં રોકાણ કર્યું.
સોનાનો સૂરજ લઈને આવેલું ૨૦૧૬નું વર્ષ કંપની માટે એવું સાબિત થયું કે વિશ્વભરના રોકાણકારોને પેટીએમ એક ડાર્ક હૉર્સ કંપની જણાવા માંડી. ભારતની આટલી બધી વસ્તી, સ્માર્ટફોન્સનું ઝડપથી વિકસી રહેલું માર્કેટ અને મહત્તમ યુવાન વયના યુઝર્સ. એમાં કોઈને શક નહોતો કે પેટીએમ જેવી ઍડ્વાન્સ ટેક્નૉલૉજીવાળી પેમેન્ટ ઍપ્લિકેશનનો ધંધો જબરદસ્ત ચાલવાનો છે.
આ સમય બાદ તો કંપની એટલી પ્રખ્યાત, એટલી લોકોપયોગી સાબિત થઈ કે પેટીએમએ વડા પ્રધાનને ધન્યવાદ કહેતો પત્ર પણ લખી મોકલ્યો. એટલું જ નહીં, માર્કેટમાં એને જબરદસ્ત સ્માર્ટલી એન્કૅશ પણ કર્યું. નરેન્દ્ર મોદીના ફોટો સાથે એક જબરદસ્ત માર્કેટિંગ સ્ટ્રૅટેજી લૉન્ચ થઈ, એક અનોખા સ્લોગન સાથે - ‘અબ એટીએમ નહીં, પેટીએમ કરો!’ અને ખરેખર આ જબરદસ્ત માર્કેટિંગની અસર પણ એવી જ જબરદસ્ત થઈ. પેટીએમનો માર્કેટશૅર એટલો વધ્યો કે મોબાઇલ અને આર્થિક વ્યવહારોમાં જ નહીં, રાજકારણમાં પણ ગરમી આવી ગઈ. ભાજપ સિવાયના બાકીના રાજકીય પક્ષોએ તો ત્યાં સુધી કહેવા માંડ્યું કે કેન્દ્ર સરકાર જાણીજોઈને કંપનીને ફાયદો પહોંચાડવા માટે આ રમત રમી છે. જોકે આવા આક્ષેપોથી કંપનીને ક્યાં કોઈ ફરક પડતો હતો? ફરક ક્યાં પડ્યો ખબર છે? ૧૪ કરોડ પેટીએમ યુઝર્સનો આંકડો પહોંચી ગયો છેક ૨૭ કરોડ યુઝર્સ કરતાં પણ વધુની ઊંચાઈએ.
વિકાસનું પગથિયું નહીં, છલાંગ
ત્યાર બાદ ૨૦૧૭ની સાલમાં તો રિઝર્વ બૅન્કે આ મોબાઇલ વૉલેટ કંપનીને પેમેન્ટ બૅન્ક તરીકે ખાતાંઓ ખોલવા માટેની પણ પરવાનગી આપી દીધી. જોકે એક જ વર્ષમાં ૨૦૧૮ની સાલમાં એક મોટી તકલીફ પણ આવી - KYCના નામની. જોકે આ તકલીફ પેટીએમ માટે પેટ ચોળીને શૂળ ઊભું કરવા જેવી હતી. RBIએ કહ્યું કે હવેથી દરેક બૅન્ક અને એનબીએફસી માટે KYC અર્થાત્ નો યૉર કસ્ટમર કમ્પલ્સરી કરવામાં આવશે અને આ નિયમનું દરેકેદરેક બૅન્ક અને એનબીએફસીએ પાલન કરવું પડશે. વડીલો ઘણી વાર એવું કહેતા હોય છેને કે જ્યારે માણસના દિવસો સારા ચાલતા હોય ત્યારે તે કોઈનું સાંભળતો નથી! પેટીએમની બાબતમાં પણ એ સમયે કંઈક આવું જ હતું. પેટીએમએ રીતસર જાણે RBIની આ નવી ગાઇડલાઇનને ઇગ્નૉર કરી. ક્યારેક ટેક્નૉલૉજિકલ ઇશ્યુ હોવાનું બહાનું દેખાડ્યું તો ક્યારેક ખૂબ મોટો કસ્ટમર-બેઝ હોવાને કારણે વાર લાગી રહી છે એમ કહેવામાં આવ્યું. આ બધાં બહાનાંનો નિચોડ એ કે પેટીએમના ગ્રાહકોનાં KYC સમયસર અપલોડ અને સબમિટ થયાં નહીં.
પણ કહેવાય છે કે જ્યારે માણસનું નસીબ સારું ચાલતું હોય ત્યારે તેનું ભાગ્ય ચાલતું નથી, કૂદકા મારી-મારીને ભાગતું હોય છે. પેટીએમ માટે ૨૦૧૯નું વર્ષ આવા જ કૂદકાઓનું વર્ષ સાબિત થયું. કોરોના નામની બીમારી આખા દેશમાં એવી ફેલાવા માંડી કે ભલભલો ચમરબંધી પોતાના ઘરમાં કેદ થઈ ગયો. દૂરથી વાત કરો, દૂરથી વ્યવહાર કરોના આ દિવસોમાં પેટીએમ કોઈ સધિયારો આપનાર આપ્તજન જેવું લોકોને લાગવા માંડ્યું.
૨૦૧૯નું વર્ષ પૂરું થયું ત્યાં સુધીમાં તો કંપની પાસે ૩૦ મિલ્યન ઍક્ટિવ યુઝર્સ થઈ ચૂક્યા હતા અને ૨૦૨૦ના અંત સુધીમાં આ આંકડો ૬૦ મિલ્યન સુધી પહોંચી ચૂક્યો હતો. એટલું જ નહીં, આ બધામાં એક નવો જ યુઝર્સ વર્ગ જોડાયો ફાસ્ટૅગ યુઝર્સ તરીકે. ૨૦૨૧નું વર્ષ પૂરું થતાં સુધીમાં ૬ મિલ્યન જેટલા તો કંપની પાસે ઍક્ટિવ ફાસ્ટૅગ યુઝર્સ પણ ગ્રાહક તરીકેની યાદીમાં આવી ચૂક્યા હતા.
એક અંદાજ મૂકી શકો કે આજે નહીં પણ છેક ચાર વર્ષ પહેલાં જ્યારે PayTM શૅરમાર્કેટમાં લિસ્ટેડ કંપની પણ નહોતી બની ત્યારે એનું વૅલ્યુએશન શું આંકવામાં આવ્યું હશે? ૧૬ બિલ્યન ડૉલર. જી હા, કંપનીનો પબ્લિક ઇશ્યુ આવ્યો ત્યારે પેટીએમનું વૅલ્યુએશન ૧૬ બિલ્યન ડૉલર જેટલું આંકવામાં આવ્યું હતું. પેટીએમ પછી તો આ વિચારને અનુસરીને બીજી કેટલીયે મોબાઇલ વૉલેટ કંપનીઓ આવી. ફ્રીચાર્જ, મોબીક્વિક, ફોનપે, ગૂગલપે, જીઓ મની, ઍમેઝૉનપે... આવી તો અંદાજે ચાલીસેક જેટલી મોબાઇલ વૉલેટ કંપનીઓ ત્યાર બાદ માર્કેટમાં આવી હતી, પરંતુ ડિજિટલ ટ્રાન્ઝૅક્શન્સની આ માર્કેટમાં પેટીએમ ૬૮ ટકા કરતાંય વધુ માર્કેટશૅર સાથે મોખરાના સ્થાને કેટલા લાંબા સમય સુધી ટકી રહી.
૨૦૨૧ના નવેમ્બર મહિનામાં One97નો પબ્લિક ઇશ્યુ આવ્યો અને કંપની શૅરબજારમાં લિસ્ટ થઈ ગઈ. ૧૮,૦૦૦ કરોડ કરતાંય વધુના વૅલ્યુએશન સાથે PayTM કોલ ઇન્ડિયા બાદ બીજી સૌથી મોટા વૅલ્યુએશન સાથે લિસ્ટ થનારી કંપની બની ગઈ. રોકાણકારોને સૌથી વધુ ફાયદો કરાવ્યો હોવાનો દાવો કરતી કંપનીએ IPO સમયે પોતાનું વૅલ્યુએશન ૨૦ બિલ્યન એટલે કે લગભગ ૧.૪ લાખ કરોડ જેટલું દેખાડ્યું, જ્યારે વાસ્તવમાં એ સમયે કંપનીની રેવન્યુ માત્ર ૩૩૦૦ કરોડ જેટલી જ હતી. આથીયે મોટી બીજી એક મુશ્કેલી એ થઈ કે ૩૩૦૦ કરોડની આવક દેખાડનારી આ કંપનીની બૅલૅન્સશીટ જોઈએ તો એ એક લૉસમેકિંગ કંપની હતી.
અર્થાત્ કંપનીએ લિસ્ટિંગ સમયે જે વૅલ્યુએશન દેખાડ્યું હતું એ કક્ષાએ ખરેખર જો કંપનીએ પહોંચવું હોય તો દર વર્ષે ૪૦૦ ટકાના દરે પ્રૉફિટ કરવો પડે એમ હતું, જે લગભગ અશક્ય જણાય એવી બાબત હતી. આથી જ ૨૦૮૦થી ૨૧૫૦ના ભાવ સાથે આવેલા પબ્લિક ઇશ્યુવાળી કંપની પેટીએમનો ભાવ શૅરમાર્કેટમાં લિસ્ટિંગ બાદ ટકી નહીં શક્યો અને નીચે આવી ગયો. આજે શર્માજી RBIથી લઈને નાણાપ્રધાનની ઑફિસ સુધી અનેક ચક્કર મારી રહ્યા છે, મીટિંગ્સ પણ કરી રહ્યા છે. આવનારા સમયમાં મામલો ક્યાં અને કઈ રીતે જશે અને એનાં પરિણામો શું આવશે એનો જવાબ તો હજી ભવિષ્ય નામના પીટારામાં જ કેદ છે.
યુપીઆઇ અપનાવવામાં પાછળ...
જોકે એક વાત ખરેખર અહીં નવાઈ પમાડે એવી છે. પાઇલટ ઍપ્લિકેશન હોવા છતાં, એક ફિનટેક કંપની હોવા છતાં, મોબાઇલ ઍપ્લિકેશન ચલાવતી કંપની હોવા છતાં upi અપનાવવામાં પેટીએમ પાછળ રહી ગઈ. પેટીએમ એક મોબાઇલ પેમેન્ટ બેન્કિંગ ઍપ્લિકેશન તો હતી, પરંતુ હવે નવી આવી રહેલી ઍપ્લિકેશન્સ એમાંય વળી એક નવી સુવિધા સાથે આવી રહી હતી અને એ હતી upi - યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ. અધૂરામાં પૂરું, ભારત સરકારે પણ upiની સુવિધા સાથેની પોતાની એક પેમેન્ટ ઍપ્લિકેશન લૉન્ચ કરી નાખી, જેનું નામ રાખવામાં આવ્યું BHIM પેટીએમ. આ ક્ષેત્રે એક પાઇલટ ઍપ્લિકેશન હોવા છતાં બજારની બદલાઈ રહેલી હવાનો ફાયદો નહીં ઉઠાવી શકી અને ગૂગલપે અને ભીમ જેવી ઍપ્લિકેશન્સ દ્વારા મોટો માર્કેટશૅર પેટીએમ પાસે પડાવી લેવામાં આવ્યો. આખરે આ ભૂલ કંપનીને સમજાઈ અને ત્યાર બાદ પેટીએમએ પણ upi ટેક્નૉલૉજી સ્વીકારી અને શરૂ થયું PayTM upi.