Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > સરકાર સામે ખેડૂતો વારંવાર આંદોલન શા માટે કરી રહ્યા છે? કોણ સાચું, કોણ ખોટું?

સરકાર સામે ખેડૂતો વારંવાર આંદોલન શા માટે કરી રહ્યા છે? કોણ સાચું, કોણ ખોટું?

Published : 06 January, 2025 07:15 AM | IST | Punjab
Mayur Mehta | mayur.mehta@mid-day.com

MSPને કાનૂની દરજ્જો આપવાની માગણી કેટલી વાજબી? સરકાર શા માટે કાનૂની દરજ્જાનો ઇનકાર કરી રહી છે?: ખેડૂતોને સરકાર દર ચાર મહિને ૬૦૦૦ રૂપિયાની સહાય કરે છે, આ સહાયથી શું ખેડૂતો ખુશ નથી?

શનિવારે પંજાબના સંગરુરમાં આયોજિત કિસાન મહાપંચાયતમાં આંદોલનકારી ખેડૂતો.

શનિવારે પંજાબના સંગરુરમાં આયોજિત કિસાન મહાપંચાયતમાં આંદોલનકારી ખેડૂતો.


૨૦૨૦-’૨૧માં એક વર્ષ, ચાર મહિના અને બે દિવસ સુધી સરકાર સામે ખેડૂતોએ આંદોલન કર્યા બાદ છેલ્લાં ત્રણ સપ્તાહથી દેશના ખેડૂતો ફરી સરકાર સામે જંગે ચડ્યા છે. ૨૦૨૦-’૨૧માં સરકારના ત્રણ કૃષિ-કાયદા સામે તેમ જ અન્ય માગણી સાથે ખેડૂતોએ આંદોલન છેડ્યું હતું. ૨૦૨૦-’૨૧નું આંદોલન એ ખેડૂતોનું કદાચ સૌથી મોટું આંદોલન હતું. આ આંદોલન દરમ્યાન ૭૦૦ ખેડૂતોનાં મોત થયાં હતાં. આ આંદોલનને કારણે ૨૦૨૧માં નરેન્દ્ર મોદી સરકારને ત્રણ કૃષિ-કાયદાઓ રદ કરવાની ફરજ પડી હતી. ત્રણ કૃષિ-કાયદાઓ રદ થવા છતાં ખેડૂતોની અનેક માગણીનો ઉકેલ આવ્યો ન હોવાથી ખેડૂત-આલમમાં સરકાર સામે વિરોધનું વાતાવરણ યથાવત્ રહ્યું હતું જેને પરિણામે ખેડૂતો ફરી સરકાર સામે જંગે ચડ્યા છે. ૨૦૨૦-’૨૧ની જેમ હાલના આંદોલનની આગેવાની પંજાબના ખેડૂતોએ જ લીધી છે. ૨૦૨૦-’૨૧માં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સાથે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સહિત દેશનાં કુલ ૨૦૦ ખેડૂત-યુનિયનો સરકાર સામે આંદોલન કરી રહ્યાં હતાં. છેલ્લાં ત્રણ સપ્તાહથી ચાલી રહેલા આંદોલનમાં ખેડૂતોની એક ડઝનથી વધુ માગણીઓ સામેલ છેઃ મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP)થી દરેક કૃષિ-ચીજોની ફરજિયાત ખરીદીનો કાયદો બનાવવો, ડૉ. સ્વામીનાથનની ભલામણ અનુસાર MSP નક્કી કરવી, દેશના તમામ ખેડૂતો અને ખેતમજૂરોનાં દેવાં માફ કરવાં, ખેડૂતોને જમીન અધિગ્રહણ કાયદા હેઠળ ચારગણું વળતર આપવું, વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન અને જે-તે દેશો સાથે ફ્રી ટ્રેડ ઍગ્રિમેન્ટ કર્યાં છે એમાંથી ભારતે નીકળી જવું, ખેડૂતો અને ખેતમજૂરોને પેન્શન આપવું, ૨૦૨૦નું ઇલેક્ટ્રિસિટી બિલ રદ કરવું અને મહાત્મા ગાંધી રૂરલ એમ્પ્લૉયમેન્ટ ફિક્સ ગૅરન્ટી ઍક્ટ (મનરેગા) હેઠળ વાર્ષિક ઓછામાં ઓછા ૨૦૦ દિવસનું અને રોજનું ૭૦૦ રૂપિયાનું વેતન આપવું અને દેશના ઍગ્રો માર્કેટિંગ ઍક્ટમાં સુધારો કરવો.


MSPને કાનૂની દરજ્જો અને C2ના અમલની માગ



૧૯૬૫થી સરકાર ખેડૂતોની વિવિધ કૃષિ-પેદાશોના ન્યુનતમ ભાવ નક્કી કરીને દરેક સીઝનમાં ખરીદી કરે છે. હાલ સરકાર દર વર્ષે ખરીફ અને શિયાળુ સીઝનમાં ૨૩ પાકની MSP નક્કી કરે છે જેમાં સાત અનાજ, પાંચ કઠોળ, સાત તેલીબિયાં અને પાંચ કમર્શિયલ ક્રૉપનો સમાવેશ થાય છે. સરકાર નક્કી કરેલી MSPથી ખેડૂતોની કુલ પેદાશમાંથી દસથી ૧૫ ટકાની ખરીદી કરે છે એવું વિવિધ અભ્યાસનું તારણ છે. ખેડૂતોની માગણી એ છે કે જેટલું પણ કૃષિ-ઉત્પાદન થાય એ બધું જ સરકારે MSPથી ખરીદવું. સરકારની દલીલ છે કે જો ૨૩ કૃષિ-પેદાશોની બધી જ ખરીદી સરકાર કરે તો સરકારને દર વર્ષે ૧૦ લાખ કરોડ રૂપિયાના ખર્ચની જોગવાઈ કરવી પડે. સરકારની દલીલ છે કે આ શક્ય નથી, કારણ કે સરકારનું ખર્ચનું વાર્ષિક બજેટ ૪૫ લાખ કરોડ રૂપિયાનું છે, એમાંથી ૧૦ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવી શક્ય નથી. ખેડૂતોની બીજી મહત્ત્વની માગણી ડૉ. સ્વામીનાથનની તમામ ભલામણો અનુસાર MSP નક્કી કરવાની છે જે સરકાર હાલ કરતી નથી. ડૉ. સ્વામીનાથને MSP નક્કી કરવા માટે ત્રણ ફૉર્મ્યુલા A2, FL અને C2 આપી હતી. A2માં સીડ, ફર્ટિલાઇઝર, પે​સ્ટિસાઇડ, લેબર, ફ્યુઅલ, ઇરિગેશન, તમામ પ્રકારનો ખેતી પરનો ખર્ચ સામેલ હતો. FLમાં ફૅમિલી લેબરની કૉસ્ટ સામેલ હતી અને C2માં ખેડૂતોની જમીનની કૉસ્ટ, રેન્ટલ કૉસ્ટ સહિતનો ખર્ચ સામેલ હતો. સરકાર હાલ MSP નક્કી કરવામાં C2ની ગણતરી કરતી નથી. ખેડૂતો સરકારને C2ના અમલની માગણી કરી રહી છે.


સરકાર વિરુદ્ધ ખેડૂતો : કોણ સાચું, કોણ ખોટું?

વિશ્વના તમામ દેશો ખેડૂતોને સહાય આપીને કૃષિ સેક્ટરનો રચનાત્મક વિકાસ કરી રહ્યા છે, પણ ભારતમાં ખેડૂતોને સહાય માત્ર ને માત્ર વોટબૅન્કને મજબૂત કરવા દરેક રાજકીય પક્ષ કરી રહ્યો છે. ભારત દેશ ૧૯૪૭માં આઝાદ થયો ત્યારથી દર વર્ષે બજેટમાં ખેડૂતોને કરોડો-અબજો રૂપિયાની ફાળવણી થાય છે છતાં પણ ભારત અત્યારે સમગ્ર વિશ્વમાં કૃષિ ક્ષેત્રે સૌથી પછાત દેશ છે, કારણ કે મોટા ભાગના કૃષિ-પાકોના પ્રતિ હેક્ટર ઉતારા વિશ્વની ઍવરેજથી ૩૦થી ૪૦ ટકા જ છે. ખેતીને મેકૅનિકલ બનાવવામાં ભારત મોટા ભાગના દેશોથી પાછળ છે તેમ જ કુદરતી રીતે હિમાલય, ગંગા અને અનેક નદીઓની સંપત્તિ ધરાવતા ભારતની માત્ર ૩૯ ટકા જમીનને સિંચાઈનું પાણી ઉપલબ્ધ છે. ભારતની ૬૧ ટકા જમીનમાં માત્ર ને માત્ર વરસાદ આધારિત ખેતી થઈ રહી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક રાજકીય પક્ષે ખેડૂતોનો કન્સ્ટ્રક્ટિવ ગ્રોથ કરવાને બદલે માત્ર ને માત્ર વોટબૅન્ક મજબૂત કરવા ખેડૂતોનો રાજકીય લાભ ઉઠાવ્યો છે. કૃષિ એક વ્યવસાય છે અને દરેક વ્યવસાયમાં ખોટ અને નફો થાય એ જ રીતે કૃષિમાં પણ ખોટ અને નફો થાય છે. સરકાર ખેડૂતોને દર ચાર મહિને ૬૦૦૦ રૂપિયાની લહાણી કરી રહી છે એનું કોઈ લૉજિક નથી. પ્રામાણિક કરદાતાની પરસેવાની કમાણીની આ રીતે લહાણી કરવાથી દેશના અર્થતંત્રને કોઈ ફાયદો થતો હોય તો એ વાજબી છે, પણ આ તો રાજકીય લાભ માટે લહાણી કરાઈ રહી છે. દેશના બીજા કોઈ વ્યવસાયને આટલી મોટી લહાણી કરાતી નથી છતાં પણ ખેડૂતો છાશવારે સરકાર સામે જંગ માંડી રહ્યા છે. ખેડૂતો જે પકવે એમાંથી બહુ જ થોડો જથ્થો MSPથી ખરીદવો એ પણ ખેડૂતો માટે અન્યાયકર્તા છે. સામાન્ય રીતે સરકાર જે કાયદો બનાવે એ દરેક માટે લાગુ પડે છે. કેટલાક ખેડૂતોની કૃષિ-પેદાશો MSPથી ખરીદાય અને કેટલાક ખેડૂતોને ખુલ્લા બજારમાં નીચા ભાવે કૃષિ-પેદાશો વેચવી પડે એ અન્યાયકર્તા છે. ડૉ. સ્વામીનાથનની મનપસંદ ભલામણોનો જ અમલ કરવો એ પણ અન્યાયકર્તા છે. આમ ખેડૂતોની કેટલીક માગણીઓ વાજબી છે તો કેટલીક માગણીઓ ગેરવાજબી અને કોઈ પણ સરકાર પૂરી કરી શકે એમ નથી. ખેડૂતોનું સરકાર સામેનું આંદોલન વાસ્તવિક કરતાં રાજકીય વધારે હોવાથી ખેડૂતો સંપૂર્ણ સાચા નથી. એની સામે સરકાર પણ છાશવારે ખેડૂતોને વોટબૅન્ક તરીકે ઉપયોગ કરીને કૃષિ-વિકાસને પ્રાધાન્ય આપવાને બદલે વોટબૅ‌ન્કની રાજનીતિને વધુ પ્રાધાન્ય આપતી હોવાથી સરકાર પણ ખેડૂતોને લાભ આપવાને મામલે સંપૂર્ણ સાચી નથી.


ખેડૂતોની માગણીનું વાજબીપણું

ખેડૂતોની ફરજિયાત MSPથી ખરીદી કરવાની માગણી અને MSP નક્કી કરવામાં ડૉ. સ્વામીનાથનની C2 ફૉર્મ્યુલાનો સમાવેશ કરવાની માગણી મહદંશે વાજબી હોવાનું ખેડૂતોતરફી તમામ પક્ષના રાજકીય નેતાઓ માની રહ્યા છે, જ્યારે અન્ય માગણીઓમાં ઘણીખરી માગણીઓ સરકાર પર દબાણ લાવવા માટેની અને આંશિક ગેરવાજબી પણ હોવાનું મનાય છે. દેશમાં સરકારી કર્મચારીઓ, પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા વર્કરોને પેન્શનની જોગવાઈ કરવામાં આવી હોવાથી ખેડૂતો પણ પેન્શનની માગણી કરી રહ્યા છે. વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશનના બંધન અને ફ્રી ટ્રેડ ઍગ્રિમેન્ટને કારણે સસ્તી કૃષિ-ચીજોની બેફામ આયાત થતી હોવાથી ખેડૂતોને તેમની કૃષિ-પેદાશોના પોષણક્ષમ ભાવ મળતા નથી. દરેક ચૂંટણી પહેલાં દરેક રાજકીય પક્ષ ખેડૂતોની વોટબૅન્ક મજબૂત કરવા ખેડૂતોનાં દેવાં-માફીની જાહેરાત કરી રહ્યો હોવાથી ખેડૂતોએ આવી માગણી મૂકી છે.

Whatsapp-channel Whatsapp-channel

06 January, 2025 07:15 AM IST | Punjab | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK