દેશની જરૂરિયાતની ૭૦ ટકાથી વધુ ખાદ્ય તેલોની આયાતને ઘટાડવા તેલીબિયાંનું ઉત્પાદન વધારવા સરકાર ઍક્શન મોડમાં: મસાલા-ઉત્પાદનની ક્વૉલિટી સુધારીને નિકાસ ક્ષેત્રે અમાપ શક્યતાઓને હાંસલ કરવા તરફ ધ્યાન જરૂરી
પ્રતીકાત્મક તસવીર
નરેન્દ્ર મોદી સરકાર ત્રીજી ટર્મમાં સત્તાસ્થાને આરૂઢ થયા બાદ હવે દેશને કૃષિ-ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનાં એક પછી એક પગલાં લેવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આ ભગીરથ પ્રયાસ કેટલો સફળ થશે? ૧૯૮૬થી વિવિધ સરકારો દ્વારા તેલીબિયાં અને દાળ-કઠોળની આયાત ડિપેન્ડન્સી ઘટાડીને સ્થાનિક ઉત્પાદન વધારવા અનેક પ્રયાસો થયા છે, પણ કમનસીબે અત્યાર સુધીના તમામ પ્રયાસો વિફળ થયા છે, કારણ કે દેશની સમૃદ્વિ વધવાની સાથે વપરાશ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે એની સામે ઉત્પાદનનો તાલમેલ બેસતો નથી, કારણ કે સરકારના પ્રયાસો અપૂરતા રહ્યા છે અને ભારતીય કૃષિનો પાયો નબળો હોવાથી પ્રતિ હેક્ટર ઉત્પાદકતામાં ભારત ઘણું પાછળ હોવાથી સરકારના એક પણ પગલાનું ધાર્યું પરિણામ મળ્યું નથી ત્યારે ફરી એક વખત સરકાર આ બાબતે ઍક્શન મોડમાં આવીને એક પછી એક પગલા લઈ રહી છે. કૃષિપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે તાજેતરમાં ખાદ્ય તેલોની આયાત ડિપેન્ડન્સી ઘટાડીને દેશમાં તેલીબિયાંનું ઉત્પાદન વધે એ માટે ભરપૂર પ્રયાસો શરૂ કર્યા છે, પણ છેલ્લાં ચાર વર્ષથી દાળ-કઠોળની આયાત કૂદકે ને ભૂસકે વધી રહી છે એ તરફ હજી સુધી સરકારનું ધ્યાન કેન્દ્રિત થયું નથી. ઉપરાંત અનેક મસાલાની નિકાસક્ષેત્રે ભારત લાંબા સમયથી ટોચનું સ્થાન ધરાવે છે, પણ કેટલાક દેશોની સ્પર્ધા હવે શરૂ થયા બાદ મસાલાની ક્વૉલિટી બાબતે જો સરકાર ધ્યાન નહીં આપે તો મસાલાની નિકાસમાં ભારતની પીછેહઠ થઈ શકે છે જે ઓવરઑલ કૃષિ ઉત્પાદનની આત્મનિર્ભરતા હાંસલ કરવામાં અસર કરી શકે છે.



