Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > રોકાણ માટે કેવી રીતે કામ લાગે છે વણલખ્યા નિયમો?

રોકાણ માટે કેવી રીતે કામ લાગે છે વણલખ્યા નિયમો?

Published : 20 February, 2023 03:25 PM | IST | Mumbai
Khyati Mashru Vasani

બધાં નાણાં બૅન્કમાં કેમ રાખ્યાં અને બચતનું રોકાણ કેમ કર્યું નહીં એવું મેં પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે ‘મને ખબર નથી કે કેટલી બચત કરવી.

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

ફાઇનૅન્સ પ્લાન

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર


મારી એક મિત્ર થોડાં વર્ષો પહેલાં કમાતી થઈ. તેણે બચતની બધી જ રકમ સેવિંગ્સ અકાઉન્ટમાં અને બે ફિક્સ્ડ ડિપોઝિટમાં રાખી છે. બધાં નાણાં બૅન્કમાં કેમ રાખ્યાં અને બચતનું રોકાણ કેમ કર્યું નહીં એવું મેં પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે ‘મને ખબર નથી કે કેટલી બચત કરવી. મને ખબર નથી કે કેટલું રોકાણ કરવું. મને ખબર નથી કે ક્યાં રોકાણ કરવું. મને ખબર નથી કે ક્યાંથી શરૂઆત કરવી, પણ મને લાગ્યું કે આમ ને આમ મારો સમય બગડી રહ્યો છે, એથી હું ગભરાઈ અને મેં એફડીમાં નાણાં રોક્યાં, જેથી એમાં કંઈક તો કમાણી થાય.’\


આનો અર્થ એવો થયો કે રોકાણ નહીં કરવાનું તેનું વલણ નહોતું. તેની પાસે નાણાં નહોતાં એવું પણ નહોતું. તેને ફક્ત નિર્ણય લેવાની અક્ષમતા અને વિકલ્પ પસંદ કરવાની મુશ્કેલી નડી. ઘણી વાર લોકોને અનેક વિકલ્પો મળે ત્યારે પસંદગી કરવામાં મૂંઝવણ થતી હોય છે. તેને મોબાઇલ ફોનની પસંદગી કરવામાં વાંધો નથી આવતો, પરંતુ નાણાં ક્યાં રોકવાં એનો નિર્ણય લેવામાં તેને મજા નથી આવતી. આવા સંજોગોમાં તેને કોઈ સહેલો રસ્તો બતાવવામાં આવે તો સારું પડે. આવા સારા અને સહેલા રસ્તાઓને ‘વણલખ્યા નિયમો’ કહેવાય છે. અંગ્રેજીમાં એના માટે ‘રુલ્સ ઑફ થમ્બ’ એવો શબ્દપ્રયોગ થાય છે. રોકાણકારોને જટિલ નાણાકીય જગતમાં સહેલાઈથી નિર્ણય લેવામાં આ વણલખ્યા નિયમો મદદ કરે છે. આ નિયમો કેવી રીતે ઉપયોગી થાય છે એની આજે આપણે વાત કરવાના છીએઃ



મનોવૈજ્ઞાનિક અવરોધ દૂર કરવામાં મદદ


વણલખ્યા નિયમો એટલા સહેલા હોય છે કે એના આધારે નિર્ણય લેવામાં કોઈ મનોવૈજ્ઞાનિક દબાણ આવતું નથી. માનસિક કે ભાવનાત્મક ક્ષમતા પર કોઈ જ મોટી અસર કર્યા વગર આ નિયમો નિર્ણય લેવામાં સહાયક ઠરે છે. એક વખત તમે આ અવરોધોને અતિક્રમી જાઓ પછી કામ સહેલું થઈ જાય છે. જેમને વણલખ્યા નિયમોને લગતી તાલીમ આપવામાં આવી હતી એવા લોકો નાણાકીય બાબતોને સારી રીતે સંભાળવા લાગ્યા હોવાનું જોવા મળ્યું છે. વણલખ્યા નિયમો સહેલાઈથી યાદ રહી જાય એવા અને સર્વસામાન્ય હોય છે. ઉપરાંત એમાં ફ્લેક્સિબિલિટી પણ હોય છે. 

વ્યવહારુ અવરોધો દૂર કરવામાં મદદ


વણલખ્યા નિયમો પરિપૂર્ણ નહીં, પરંતુ વ્યવહારુ હોય છે. એ નિયમો સર્વોત્તમ નહીં, પરંતુ ઉપયોગી જરૂર હોય છે. દા.ત. બચતમાંથી કેટલા ટકા રકમ ઇક્વિટીમાં રોકવી એને લગતો નિયમ કહે છે કે વ્યક્તિએ ૧૦૦ના અંકમાંથી પોતાની ઉંમરનો અંક બાદ કરવો અને જે અંક આવે એટલા ટકા ઇક્વિટીમાં રોકાણ કરી શકાય. આ નિયમને લીધે ઘણા લોકોને મદદ મળી છે. જોકે અહીં નોંધવું ઘટે કે જીવનમાં બીજાં પણ અનેક પરિબળો હોય છે જેના આધારે નિર્ણય લેવાનો હોય છે. દા.ત. તમારી બચત કેટલી છે? તમને પૈસાની જરૂર ક્યારે પડવાની છે? તમારા પર કેટલા લોકો નિર્ભર છે? તમારાં નાણાં ક્યાંથી અને કેટલા પ્રમાણમાં આવે છે? તમે કેટલી લોન ભરી રહ્યા છો? તમારા જીવનસાથી ક્યાં રોકાણ કરી રહ્યા છે? તમારી પાસે ઇમર્જન્સી ફન્ડ છે કે નહીં? તમે વહેલા નિવૃત્ત થવા માગો છો કે કેમ? આ બધાં પરિબળોનો વિચાર કરવામાં માણસ કદાચ ગભરાઈ કે મૂંઝાઈ જાય અને ઇક્વિટીમાં જરા પણ રોકાણ કરે નહીં એવું બને. આથી ૧૦૦માંથી ઉંમરનો અંક બાદ કરવાનો વણલખ્યો નિયમ ઘણો ઉપયોગી થાય છે.

આ પણ વાંચો: કોન્ટ્રા ફન્ડ કેવા રોકાણકારો માટે હોય છે?

સાતત્ય જાળવવામાં મદદ કરે છે

બચતમાંથી ૧૦ ટકા રકમનું રોકાણ નિવૃત્તિ ભંડોળ માટે કરવાનો નિયમ. આ રકમ આજની વાસ્તવિકતાને સંપૂર્ણપણે અનુરૂપ નથી, છતાં તમને નિશ્ચિતપણે બચત કરવામાં મદદરૂપ થાય છે. તમે નિવૃત્તિકાળ માટેનું ભંડોળ જમા કરવા માટે ચોક્કસપણે એનો ઉપયોગ કરી શકો છો. શરૂઆતમાં કદાચ ૧૦ ટકા રકમ રોકવાનું શક્ય ન બને, પરંતુ એ એક કારણસર આ નિયમ સદંતરપણે અપનાવવો નહીં એવું ન કરાય. 

સીમારેખા નક્કી કરવામાં મદદ

કરજનું પ્રમાણ કુલ આવકના ૩૦ ટકા કરતાં વધુ ન હોવું જોઈએ એ વણલખ્યો નિયમ કરજ માટેની મર્યાદા (સીમારેખા) નક્કી કરવામાં મદદરૂપ થાય છે. કરજનું પ્રમાણ ૩૦ ટકા સુધી મર્યાદિત રાખવાથી ઘણા લોકોને લાભ થયો છે. બીજા શબ્દોમાં કહીએ તો કરજ આટલી મર્યાદામાં હોય તો એની ચુકવણી સહેલાઈથી થઈ શકે છે. 

મગજનો ઉપયોગ કરવામાં થતી મદદ

આપણી પાસે સતત એટલી બધી માહિતી આવતી હોય છે કે આપણે ઝડપથી નિર્ણયો લેવા પડતા હોય છે. આવી સ્થિતિમાં આપણું મગજ શૉર્ટકટ પર આધાર રાખે છે. વણલખ્યા નિયમો પણ આવા જ શૉર્ટકટ હોય છે જે ટૂંકામાં ઘણું બધું કહી જાય છે. દરેક વ્યક્તિએ નાણાકીય પ્રવાસની શરૂઆત કરતી વખતે આ વણલખ્યા નિયમોને જ અનુસરવા જોઈએ, કારણ કે નવા માણસ માટે વધુપડતી માહિતી ગૂંચવી નાખનારી સાબિત થાય છે. 

પર્સનલ ફાઇનૅન્સ વિષય નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે એમાં દરેક વ્યક્તિની પોતપોતાની સ્થિતિને આધારે આયોજન કરવાનું હોય છે. વણલખ્યા નિયમોથી શરૂઆત કરીને પછી રોકાણના માર્ગ પર આગળ વધી શકાય છે. 

Whatsapp-channel Whatsapp-channel

20 February, 2023 03:25 PM IST | Mumbai | Khyati Mashru Vasani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK