એકવાર સુરેખા તેના ઑફિસના ટેબલ પર બેસીને લાઇફ ઇન્શ્યૉરન્સની પૉલિસીના દસ્તાવેજને જોઈ રહી હતી. પૉલિસીનાં શરૂઆતનાં પાનાંઓ ઉપર નજર ફેરવતાં જ તેને જાણે ઊંઘ ચઢવા માંડી હતી.
પ્રતીકાત્મક તસવીર
સુરેખા આકર્ષક શૈક્ષણિક પૃષ્ઠભૂમિ અને કારકિર્દીવાળી એક હોશિયાર અને સાહસી યુવતી છે. એકવાર સુરેખા તેના ઑફિસના ટેબલ પર બેસીને લાઇફ ઇન્શ્યૉરન્સની પૉલિસીના દસ્તાવેજને જોઈ રહી હતી. પૉલિસીનાં શરૂઆતનાં પાનાંઓ ઉપર નજર ફેરવતાં જ તેને જાણે ઊંઘ ચઢવા માંડી હતી. આજકાલના યુવાનોની જેમ જ સુરેખાને પણ લાઇફ ઇન્શ્યૉરન્સ બહુ જ ‘ઓલ્ડ-ફૅશન’ જણાતું હતું અને એથી એવા વૃદ્ધો કે જેમનો ખૂબ જ વ્યાવહારિક અને સાવચેતીભર્યો અભિગમ હોય તેમના માટે જ લાઇફ ઇન્શ્યૉરન્સ હોય એવું તેને લાગતું હતું. તેના મિત્રો પણ તેની જેમ જ કારકિર્દી બનાવવામાં, દુનિયા ઘૂમવામાં અને યુવાનીની મસ્તીમાં મસ્ત હતા. તેઓ પોતાના ટ્રાવેલ પ્લાન્સ, નવા અનુભવો અને રોમાંચક સાહસો વિશે ચર્ચા કરતા. લાઇફ ઇન્શ્યૉરન્સ તે લોકોની ચર્ચાનો કદી પણ ભાગ જ નહોતો.
એકવાર સુરેખાને પણ લાઇફ ઇન્શ્યૉરન્સના મહત્ત્વનો અહેસાસ થયો જ્યારે તેની ઑફિસમાં એક ૪૫ વર્ષની વ્યક્તિ કોઈ મોટી બીમારી કે તેનાં લક્ષણો વિના અચાનક જ મૃત્યુ પામી. આ ઘટના પછી તેણે પણ એક લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી ખરીદી, પણ આમ જોઈએ તો તેણે ફક્ત મન મનાવવા પૂરતી જ આ પૉલિસી લીધી હતી, પૉલિસીને વાંચીને સમજ્યા વગર જ તેણે લેવા ખાતર પૉલિસી લઈ લીધી હતી. લાઇફ ઇન્શ્યૉરન્સને સામાન્ય રીતે કંટાળાજનક અને શુષ્ક રોકાણના સાધન તરીકે ગણવામાં આવે છે, જેમાં અન્ય નાણાકીય અથવા વીમાનાં સાધનોમાં હોય એવી ઉત્તેજના અને અપીલનો અભાવ હોય છે. શૅરબજારમાં કરાતાં રોકાણ જેવું કે વિદેશી વેકેશનની યોજના બનાવવા જેવું આ રોમાંચક નથી લાગતું.
લાઇફ ઇન્શ્યૉરન્સને કેમ રોકાણનું શુષ્ક સાધન માનવામાં આવે છે?
ADVERTISEMENT
૧. પૉલિસી ખરીદ્યા પછી તરત જ સંતોષ અથવા આનંદ નથી મળતો : લાઇફ ઇન્શ્યૉરન્સ એ એક ખૂબ લાંબા સમયગાળા માટે કરાતું રોકાણ છે અને એ વીમાધારકની પૉલિસીના બેનિફિશ્યરીને વીમાધારકના મૃત્યુ પછી આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે અથવા તો વીમાધારકને પોતાને સર્વાઇવલ બેનિફિટની રકમ તરીકે ખૂબ લાંબા સમયગાળા પછી એ રકમ પ્રાપ્ત થાય છે. આજે આપણે એ સમયમાં જીવીએ છીએ જ્યાં પીત્ઝા માટે આપણે ૩૦ મિનિટથી વધુ રાહ જોવા તૈયાર નથી. આવા દોરમાં ખૂબ લાંબી સમયાવધિ પછી મળતા લાઇફ ઇન્શ્યૉરન્સના આર્થિક ફાયદાઓ લોકોને એટલા આકર્ષિત કરતા નથી. લોકોને તરત લાભ આપતાં સાધનોમાં અથવા તેમની સમસ્યાઓનું તાત્કાલિક નિવારણ કરી શકે એવાં સાધનોમાં વધુ રસ પડે છે.
૨. પૉલિસીના દસ્તાવેજની ગૂંચવણભરી શબ્દાવલિ અને યંત્રણાઓ : લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસીના દસ્તાવેજમાં વપરાયેલી ભાષા સામાન્ય માનવીને સમજાય એવી હોતી નથી. એમાં ઇન્શ્યૉરન્સને લગતા જટિલ ટેક્નિકલ શબ્દો વાપરવામાં આવ્યા હોય છે, જેવા કે ‘પ્રીમિયમ’, ‘અન્ડરરાઇટિંગ’, ‘બેનિફિશ્યરી’ અને ‘પૉલિસી રાઇડર્સ’ વગેરે. આને કારણે સામાન્ય લોકોને લાઇફ ઇન્શ્યૉરન્સની પૉલિસીને યોગ્ય રીતે સમજવામાં ખૂબ જ તકલીફ પડે છે. પૉલિસીની જટિલ જણાતી શબ્દાવલિને કારણે એમાં પારદર્શકતાનો અભાવ લાગે છે. આ કારણે પણ એ કંટાળાજનક બની રહે છે.
૩. પૉલિસીધારકની મર્યાદિત ભૂમિકા : લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી એક વાર જ ખરીદવાની હોય છે અથવા તો નિયમિત રીતે એનાં પ્રીમિયમ ભરવાનાં હોય છે. આથી વિશેષ પૉલિસીધારકની કોઈ વધારે એમાં ભાગીદારી હોતી નથી, એટલે એ થોડુંક નીરસ બની રહે છે. બીજાં રોકાણનાં સાધનો જેવાં કે સ્ટૉકમાં ટ્રેડિંગ અથવા રિયલ એસ્ટેટમાં રોકાણ વગેરેમાં સક્રિય રીતે રોકાણકારની ભૂમિકા માટે તકો હોય છે, જ્યારે લાઇફ ઇન્શ્યૉરન્સ એ જાણે કે પડદા પાછળ ચાલતી પ્રક્રિયા છે, જેમાં રોકાણકારની કોઈ ખાસ ભૂમિકા હોતી નથી. એટલે આ નીરસ પ્રવૃત્તિ બની જાય છે.
૪. મૃત્યુ પર વિશેષ ભાર આપવામાં આવે છે : લાઇફ ઇન્શ્યૉરન્સની પૉલિસીમાં અને ખાસ કરીને ટર્મ ઇન્શ્યૉરન્સ પૉલિસીમાં ‘પૉલિસીધારકનું મૃત્યુ’ એ જ કેન્દ્રનો વિષય હોય છે, આ વિશે વિચાર કરવો અથવા એના ઉપર ચર્ચા કરવી ઘણા લોકો માટે અસહજ બની શકે છે. લાઇફ ઇન્શ્યૉરન્સની વ્યાવહારિકતા પર એટલો બધો ભાર મૂકવામાં આવે છે કે એમાં વ્યક્તિની લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. આ કારણે પણ ઇન્શ્યૉરન્સ થોડુંક શુષ્ક અને નબળું સાધન બની રહે છે.
૫. પૉલિસીધારક માટે નોંધપાત્ર ફાયદાઓનો અભાવ : બીજાં બધાં રોકાણનાં સાધનો કે બીજાં આરોગ્ય કે મોટર ઇન્શ્યૉરન્સનાં સાધનોની માફક લાઇફ ઇન્શ્યૉરન્સમાં પૉલિસીધારકને કોઈ પ્રકારનો સીધો ફાયદો મળતો નથી. એ કાં તો પૉલિસીધારકના બેનિફિશ્યરીને ફાયદો પહોંચાડે છે અથવા તો ખૂબ જ લાંબે ગાળે પૉલિસીધારકને ખુદને પૉલિસીની રકમનો ફાયદો મળે છે. આને કારણે એ ઓછું ઉત્તેજક જણાય છે. ઉપરાંત પૉલિસીમાંથી મળતા અન્ય સંભવિત લાભો જેવા કે સારી એવી નગદ-રાશિનું જમા થવું અથવા પૉલિસીની સામે લોન લઈ શકવાની સગવડ ઉપલબ્ધ હોવી વગેરે વિશેની સમજણનો અભાવ પણ પૉલિસી બાબત હતોત્સાહ કરે છે.
મારા આગામી લેખમાં મિલેનિયલ્સના લાઇફ ઇન્શ્યૉરન્સ પ્રત્યેના અભિગમને કેવી રીતે બદલી શકાય અને એ માટે કેવાં પગલાં લેવાં જોઈએ એ વિશે ચર્ચા કરીશું.