ઇન્શ્યૉરન્સ ઉદ્યોગના ઝડપથી થઈ રહેલા ડિજિટલાઇઝેશનની પૃષ્ઠભૂમિમાં, લાઇફ ઇન્શ્યૉરન્સ એજન્ટોની ભૂમિકા ચર્ચાનો વિષય બની રહી છે
વીમાની વાત
પ્રતીકાત્મક તસવીર
હું આ લેખ ખાસ લાઇફ ઇન્શ્યૉરન્સ એજન્ટો પ્રત્યેના મારા આદરને કારણે લખી રહી છું! મને જે વાતે આ લખવા માટે સૌથી વધુ પ્રેરિત કરી એ વિશે તમને હું કહું. એક સવારે એક ક્લાયન્ટ ગાયત્રીએ તેના ઇન્શ્યૉરન્સ એજન્ટ નૈષધને ફોન કર્યો. તેણે કહ્યું, આજે કૃપા કરીને ભાભીને કહો કે રાત્રિભોજન ન બનાવે. હું તમારા ઘરે દક્ષિણ ભારતીય પદ્ધતિનું ભોજન રાત માટે મોકલવાની છું. નૈષધ એના ક્લાયન્ટ્સને હંમેશાં મદદરૂપ થતો, પરંતુ તેણે ક્યારેય તેમની પાસેથી કોઈ અપેક્ષાઓ રાખી નહોતી, પરંતુ ગાયત્રીએ આગ્રહ કર્યો. ઇન્શ્યૉરન્સ કંપનીમાં લાઇફ સર્ટિફિકેટ સમયસર સબમિટ ન કરવાને કારણે થોડા મહિના પહેલાં ગાયત્રીનું પેન્શન અટકી ગયું હતું. પછી બીજી વાર તેની પાકતી પૉલિસી બાબતે વિકલ્પો વિશે તે માર્ગદર્શન ઇચ્છતી હતી. આ પૉલિસીઓ નૈષધના એજન્સી ‘કોડ’માં નહોતી આવતી, છતાં એક સાચા નિષ્ણાત વ્યાવસાયિક તરીકે નૈષેધે દરેક તબક્કે ગાયત્રી અને તેના પરિવારને પ્રામાણિકપણે મદદ કરી હતી!
ઇન્શ્યૉરન્સ ઉદ્યોગના ઝડપથી થઈ રહેલા ડિજિટલાઇઝેશનની પૃષ્ઠભૂમિમાં, લાઇફ ઇન્શ્યૉરન્સ એજન્ટોની ભૂમિકા ચર્ચાનો વિષય બની રહી છે. વ્યક્તિઓ પોતે જાતે જ ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ અને અન્ય સાધનોની મદદથી સીધા જ જાતે પૉલિસીઓ ખરીદી શકે છે એવા માહોલમાં ઘણા લોકોને એ પ્રશ્ન થાય છે કે શું પરંપરાગત એજન્ટો હજી પણ જરૂરી છે? જોકે વાસ્તવિકતા એ દર્શાવે છે કે લાઇફ ઇન્શ્યૉરન્સ એજન્ટો ઘણી વાર તેમના ગ્રાહકો માટે પરિવારના સભ્યોની માફક નોંધપાત્ર અને અમૂલ્ય ભૂમિકા ભજવે છે. હકીકતમાં તો ઑનલાઇન બ્રોકર પ્લૅટફૉર્મ્સમાં પૉઇન્ટ-ઑફ-સેલ-ભાગીદારો પણ છે જે પૉલિસીધારકો સાથે સતત જોડાયેલા રહે છે. એજન્ટ્સ-ક્લાયન્ટ સંબંધ વિશષની આજે કેટલીક હૃદયસ્પર્શી વાતો જોઈએ.
ADVERTISEMENT
૧. સારાહ અને તેનો વિશ્વસનીય એજન્ટ
એક યુવાન માતા સારાહ તેના પરિવારના નાણાકીય ભાવિને સુરક્ષિત કરવા માટે લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી ખરીદવાનું વિચારતી હતી. તેણે ઑનલાઇન વિકલ્પોમાંથી પસંદ કરવાનું નક્કી કર્યું, કારણ કે તેણીને હંમેશાં એવું કહેવામાં આવ્યું હતું કે કેવળ પૉલિસી વેચવા માટે ઉત્સુક હોય એવા એજન્ટ સાથે તે કદાચ ભટકાઈ જશે. તેને લાગ્યું કે એજન્ટ ફક્ત એવી પૉલિસી વેચવામાં રસ ધરાવતા હોય છે જેમાંથી એમને સારું કમિશન મળી શકે અથવા કંપનીની અમુક કન્ટેસ્ટમાં એમનો કોઈ ફાયદો થતો હોય. તેને લાગ્યું કે કોઈ સારા અને પ્રામાણિક એજન્ટો હોતા જ નથી. તેની આ માન્યતાથી વિરુદ્ધ જ્યારે એજન્ટે સારાહની જરૂરિયાતોને સમજવા માટે સમય ફાળવ્યો અને એની જરૂરિયાત અનુસાર વ્યક્તિગત ભલામણ કરી, એ જોઈને તેણીને આનંદ થયો. સારાહે ન કેવળ એક પૉલિસી ખરીદી, પરંતુ એક વિશ્વસનીય સલાહકાર પણ મેળવ્યો હતો, જેના માધ્યમે તેને લાઇફ ઇન્શ્યૉરન્સની જટિલતાઓને સમજવામાં મદદ મળી હતી. જેમ-જેમ તેમનો પરિવાર વધતો ગયો તેમ-તેમ સારાહના એજન્ટે તેની વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેની પૉલિસીને અપડેટ પણ કરી આપી.
૨. આફ્ટર સેલ્સ સર્વિસ એક મોટો પડકાર
સરિતા તેની પૉલિસીઓની સચોટ વિગતો ભૂલી ગઈ હતી અને એ બાબતે તે ઘણી જ અસ્પષ્ટ હતી. ખાસ કરીને તેના છૂટાછેડા પછી તેના માટે બધુ જ ખૂબ જટિલ બની ગયું હતું. મોટા ભાગની સ્ત્રીઓની જેમ તે પણ આર્થિક બાબતે તેના પતિ પર સંપૂર્ણપણે નિર્ભર હતી. તેણે તેના મિત્રને મદદ કરવા વિનંતી કરી. તેણીને થોડા મિત્રો પાસેથી એવું જાણવા મળ્યું હતું કે જેવી તે કોઈ એજન્ટ પાસે પૉલિસી વિશે સમજવા જશે કે નામ બદલવાની પ્રક્રિયાઓ વિશષ જાણવા માગશે ત્યારે તે એજન્ટ તેને મદદ કરતાં પહેલાં એક નવી પૉલિસી ખરીદવા માટે દબાણ કરશે. એ પછી જ એજન્ટને તેનો કેસ લેવામાં કોઈક ફાયદો થશે. સરિતાના પિતાએ એક દિવસ તેમના પરિવારના સલાહકાર નૈષધને બોલાવ્યા. નૈષધને તેમના ગ્રાહકો હંમેશાં પોતાના પરિવારના એક સભ્ય જ ગણતા. નૈષધનું સ્પષ્ટ એવું માનવું હતું કે જો હું લાઇફ ઇન્શ્યૉરન્સ કંપની સાથે સંકળાયેલો છું તો કોઈ પણ ગ્રાહક કોઈ પણ પડકારનો સામનો કરે છે તો તેને મદદ કરવી એ મારી જ જવાબદારીનો એક ભાગ છે. ઉચ્ચ નૈતિક મૂલ્યો અને લાઇફ ઇન્શ્યૉરન્સ બાબતે નિપૂણતા ધરાવતા નૈષેધે સરિતાને પૉલિસીની બધી કાર્યવાહીમાં મદદ કરી અને એની દરેક પૉલિસીની વિગતો એને ખૂબ સરળ રીતે સમજાવી. સરિતાને એ બાબતની રાહત થઈ કે તેના પરણિત જીવનમાં થયેલી સમસ્યાને કારણે લાઇફ ઇન્શ્યૉરન્સ સાથેના તેના સંબંધને કોઈ અસર થશે નહીં!
૩. પરિવારનો આજીવન ઇન્શ્યૉરન્સ ભાગીદાર
ભટ્ટ પરિવાર બે દાયકાથી તેમના લાઇફ ઇન્શ્યૉરન્સ એજન્ટ સ્વરૂપના ગ્રાહકો હતા. સ્વરૂપે શરૂઆતમાં શ્રી ભટ્ટને તેમના પરિવારના ભાવિને સુરક્ષિત કરવા માટે યોગ્ય પૉલિસીઓ ખરીદવામાં મદદ કરી હતી. વર્ષોથી તે તેમના વિશ્વસનીય સલાહકાર બની રહીને પૉલિસીઓને અપડેટ્સ કરવામાં તથા રિન્યુઅલ કરવામાં કુટુંબના સભ્યની જેમ મદદ કરતી હતી. જ્યારે શ્રી ભટ્ટનું નિધન થયું ત્યારે દાવાની પ્રક્રિયા દરમ્યાન સ્વરૂપે શ્રીમતી ભટ્ટને ટેકો આપ્યો. આ સંબંધ વ્યાવસાયિક વ્યવહારથી ઘણો આગળ વધી ગયો અને સ્વરૂપ કુટુંબની એક અગંત મિત્ર બની ગઈ હતી.
૪. નિઃસ્વાર્થ ભાવના
એક લાઇફ ઇન્શ્યૉરન્સ એજન્ટ નામે અરુણ, એણે સાંભળ્યું કે એક પરિવારના મોભીના મૃત્યુ બાદ તેમના પરિવારને લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસીનું પ્રીમિયમ ભરવામાં તકલીફ આવી રહી છે. તે તેમનો એજન્ટ ન હોવા છતાં, અરુણે તેમને મદદ કરવાની ઓફર કરી. એણે તેમની પૉલિસીની સમીક્ષા કરી અને પૉલિસીની ગ્રેસ અવધિની પરિવારને જાણ કરી કે જેને કારણે પૉલિસીનું કવરેજ ગુમાવ્યા વગર તેઓ ભરવાના રહી ગયેલા પ્રીમિયમની ચૂકવણી કરી શકશે. એક સરળ પરંતુ નિઃસ્વાર્થ મદદને કારણે પરિવાર મુશ્કેલીની ઘડીએ વધારાનો આર્થિક બાબતના તણાવનો સામનો કરવામાંથી બચી ગયા. અરુણે તેમની લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસીઓનો એક વ્યાપક સારાંશ પણ પરિવારને બનાવી આપ્યો, જેથી તેઓ ભવિષ્યના પ્રીમિયમ ભરવા માટે યોગ્ય રીતે પ્લાન કરી શકે.
૫. જટિલ એસ્ટેટ પ્લાનિંગ સોલ્યુશન
એક સફળ ઉદ્યોગપતિ મનોજ પોતાના માટે એક વ્યાપક એસ્ટેટ પ્લાનિંગ કરવા માગતો હતો. આ યોજનામાં લાઇફ ઇન્શ્યૉરન્સ પણ સામેલ હતી. તે તેના વિશ્વાસુ એજન્ટ સુરેશ પાસે ગયો. સુરેશને એસ્ટેટ પ્લાનિંગનું ઊંડું જ્ઞાન હતું. સુરેશે ખૂબ કાળજીપૂર્વક એક પૉલિસીનું માળખું કર્યું જેના દ્વારા કોઈ પણ મુશ્કેલી અથવા અસંગતતા વિના મનોજના વારસદારોને અસરકારક રીતે સંપત્તિ સ્થાનાંતરિત થઈ શકે. હકીકતમાં સુરેશની લાઇફ ઇન્શ્યૉરન્સની બ્રાન્ચમાં એક કન્ટેસ્ટ હતી, જેમાં લાભ મળી શકે એ માટે સુરેશ કોઈ એવી યોજના મનોજને સૂચવીને લાભ લઈ શક્યો હોત જ્યાં તે બ્રાન્ચ રેકોગ્નિશન અવૉર્ડ દરમ્યાન વધારાના લાભો મેળવી શકે, પરંતુ મનોજને સુરેશ પર સંપૂર્ણ રીતે વિશ્વાસ હતો. સુરેશે એ વિશ્વાસનું માન રાખ્યું અને એણે કન્ટેસ્ટ માટે નહીં, પરંતુ પરિવાર માટે યોગ્ય હોય એવી પૉલિસી પ્રદાન કરીને ઉચ્ચ હેતુ સાથે કામ કર્યું!
આ વાસ્તવિક ઘટનાઓ ડિજિટલ યુગમાં પણ લાઇફ ઇન્શ્યૉરન્સ એજન્ટોની સ્થાયી અને અમૂલ્ય ભૂમિકાને દર્શાવે છે. આ ભૂમિકા વિશે આપણે આવતા લેખમાં વિસ્તારથી જોઈશું.