બુધવાર 5 જુલાઈએ શેરબજારમાં નવો રેકોર્ડ જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન બુધવારે પ્રથમ વખત રૂા. 300 લાખ કરોડને પાર કરી ગયું હતું
પ્રતીકાત્મક તસવીર
બુધવાર 5 જુલાઈએ શેરબજાર (Indian Share Market)માં નવો રેકોર્ડ જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન (BSE Market Capitalization at 300 Lakh Crore) બુધવારે પ્રથમ વખત રૂા. 300 લાખ કરોડને પાર કરી ગયું હતું. આ સાથે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં આજે લગભગ 49,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે. દરમિયાન, છેલ્લા 5 દિવસથી ચાલુ રહેલો બીએસઈનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ (Sensex)નો તેજીનો દોર આજે અટક્યો હતો અને 33 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે બંધ થયો હતો.
જોકે, વ્યાપક બજારમાં વૃદ્ધિ ચાલુ રહી છે, જેના કારણે માર્કેટ કેપિટલાઇઝેશનમાં વધારો થયો હતો. એફએમસીજી, ઓટોમોબાઈલ, ઓઈલ અને ગેસ શેરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. કારોબારના અંતે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 33.01 પોઈન્ટ અથવા 0.050 ટકા ઘટીને 65,446.04 પર બંધ થયો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો 50 શેરવાળો સૂચકાંક નિફ્ટી 9.50 પોઈન્ટ અથવા 0.05 ટકાના વધારા સાથે 19,398.50ના સ્તર પર બંધ થયો હતો.
ADVERTISEMENT
રોકાણકારોએ રૂા. 49,000 કરોડની કમાણી કરી
આજે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 5 જુલાઈના રોજ વધીને રૂા. 300.06 લાખ કરોડ થઈ હતી, જે તેના અગાઉના ટ્રેડિંગ ડે એટલે કે મંગળવાર, 4 જુલાઈના રોજ રૂા. 298.57 લાખ કરોડ હતી. આ રીતે BSEમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ 49 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની સંપત્તિમાં લગભગ 49 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે.
સેન્સેક્સના આ 5 શેરોમાં સૌથી વધુ ફાયદો થયો
સેન્સેક્સ (Sensex)ના 30માંથી 20 શેરો આજે તેજી સાથે બંધ થયા હતા. તેમાં પણ મારુતિ સુઝુકીના શેરમાં સૌથી વધુ 3.52 ટકાનો વધારો નોંધાયો હતો. આ પછી ટેક મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ બેન્ક, ITC અને હિન્દુસ્તાન યુનિલિવર (HUL)ના શેર સૌથી વધુ વધ્યા હતા અને 1.97 ટકાથી 2.36 ટકા સુધીના વધારા સાથે બંધ રહ્યા હતા.
સેન્સેક્સના આ 5 શેરોમાં સૌથી વધુ ઘટાડો થયો
બીજી તરફ સેન્સેક્સના બાકીના 10 શેરો આજે ઘટાડા સાથે બંધ થયા હતા. આમાં પણ HDFC બેન્કના શેરમાં સૌથી વધુ 2.97 ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય એચડીએફસી (HDFC), બજાજ ફિનસર્વ (Bajaj Finserv), વિપ્રો અને એક્સિસ બેન્ક (Axis Bank)ના શેર પણ આજે લાલ નિશાનમાં બંધ થયા અને લગભગ 0.40 ટકાથી 2.76 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.