બ્રૉડર માર્કેટ ખરાબ, સેન્સેક્સ-નિફ્ટીમાં આઇટી-બૅન્કિંગના જોરે કરેક્ટિવ સુધારો- નિફ્ટીના ટૉપ 5 ગેઇનર્સમાંથી ચાર આઇટી શૅરો, ઇન્વેસ્ટરોના વધુ ત્રણ લાખ કરોડ ઘટ્યા, ICICI પ્રુડેન્શિયલ લાઇફ છ ટકા તૂટ્યો, પોલિકૅબ પોણાસાત ટકા ડાઉન
પ્રતીકાત્મક તસવીર
એચડીએફસી બૅન્કના ત્રીજા ત્રિમાસિકનાં પરિણામો ચાલુ બજારે આવ્યાં એના અડધો કલાક પહેલાં જ વેચાણો કપાવાની શરૂઆત થઈ જતાં બજારનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું. જોકે બ્રૉડર માર્કેટ ખરાબ જ હતું. મિડકૅપનું પ્રતિનિધિત્વ કરતા અંકોમાં નબળાઈ દેખાતી હતી. સેન્સેક્સ 566 પૉઇન્ટ્સ, પોણો ટકો સુધરીને 76,405 અને નિફ્ટી 131 પૉઇન્ટ્સ, 0.57 ટકા વધી 23,155 થયો હતો. આજના સુધારામાં જ્વલ્લેજ જોવા મળતી આઇટી અને બૅન્કિંગની જુગલબંધી કામ કરી ગઈ હતી. નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ 0.32 ટકા, 153 પૉઇન્ટ્સના ગેઇને 48,724, નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસ 0.45 ટકા, 101 પૉઇન્ટ્સ વધી 22,650, બીએસઈનો બૅન્કેક્સ 0.26 ટકા, 145 પ્લસ થઈ 55,166 અને નિફ્ટી આઇટી 2.14 ટકા, 892 પૉઇન્ટ્સ ઊછળી 42,590ના સ્તરે બંધ હતા. સામે પક્ષે નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ 540 પૉઇન્ટ્સ, 0.85 ટકા તૂટી 62,865 અને મિડકૅપ સિલેક્ટ 0.79 ટકા, 95 પૉઇન્ટ્સ ડાઉન થઈ 11,918 થઈ ગયો હતો. લાર્જકૅપ આઇટીમાં ઇન્ફોસિસ, ટીસીએસ અને વિપ્રોમાં ભારે બાઇંગની હવા હતી. અમેરિકન આઇટી કંપનીઓના ગઈ રાત્રે સારા દેખાવને પગલે અત્રે પણ લેવાલી નીકળી હતી. એચડીએફસી બૅન્કનાં પરિણામો આમ તો ધારણા મુજબનાં જ હતાં, છતાં એટલાથી સંતોષ માની કમસે કમ વેચાણો કપાવાની શરૂઆત થતાં બજારનું માનસ બદલાણું હતું. પુરોગામી 1642ના બંધ સામે એ જ લેવલે ખૂલી પોણાબે આસપાસ ઘટીને 1625 રૂપિયા થયો ત્યાંથી સુધારો શરૂ થયો હતો. બાદમાં સવાબે આસપાસ રિઝલ્ટ આવ્યાં પછી વધુ ઊછળી 1672 રૂપિયાના હાઈના સ્તરે જ બંધ રહ્યો હતો. એચડીએફસી બૅન્કના 29.50 રૂપિયાના સુધારાએ નિફ્ટીના 42, બૅન્કેક્સના 167, બૅન્ક નિફ્ટીના 273 અને નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સના 153 પૉઇન્ટ્સ વધાર્યા હતા. એચડીએફસી બૅન્કની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ વૃદ્ધિ ગયા વર્ષના ડિસેમ્બર ત્રિમાસિકની તુલનાએ આઠ ટકા જેટલી હતી. બજારની ધારણા 30,668 કરોડ રૂપિયાની હતી એની સામે 30,653 કરોડ રૂપિયાની ચોખ્ખી વ્યાજની આવક થઈ હતી. એ જ રીતે નેટ પ્રૉફિટ બે ટકા વધી આ ડિસેમ્બર ક્વૉર્ટરમાં 16,736 કરોડ રૂપિયા થયો હતો. ઍનલિસ્ટોના પૉલમાં 16,548 કરોડ રૂપિયાનો ફીગર હતો. ગ્રોસ નૉન-પર્ફોર્મિંગ એસેટ્સ ગયા વર્ષના સમાન ગાળાના 1.36 ટકા કરતાં વધી 1.42 ટકા અને નેટ એનપીએ 0.46 ટકા (0.40 ટકા) થયા હતા. ક્યુથ્રી અર્નિંગના કૉન્ફરન્સ કૉલમાં બૅન્કે જણાવ્યું હતું કે એચડીબી ફાઇનૅન્શ્યલના આઇપીઓ માટેની ડેડ-લાઇન સપ્ટેમ્બરની છે. સપ્ટેમ્બર ત્રિમાસિકના 7800 કરોડ રૂપિયાની સરખામણીએ બૅન્કના સ્લીપેજીસ વધીને 8800 કરોડ રૂપિયા થઈ ગયા એ નેગેટિવ પાસું હતું. વાર્ષિક તુલનાએ ડિપોઝિટો 14.5 ટકા વધી 25.12 લાખ કરોડ રૂપિયા અને ધિરાણો 12.8 ટકા વધી 20.86 લાખ કરોડ રૂપિયાના સ્તરે હતા. નિફ્ટીના 50માંથી 26 શૅરો વધ્યા હતા. વધવામાં વિપ્રો 3.87 ટકા વધી 310 રૂપિયા થઈ ગયો હતો. એ જ રીતે ઇન્ફોસિસ પણ ત્રણ ટકા વધી 1855 રૂપિયા, ટીસીએસ 2.88 ટકાના ગેઇને 4152 રૂપિયા અને ટેક મહિન્દ્ર 2.36 ટકાના ગેઇને 1679 રૂપિયા બંધ હતા. આમ નિફ્ટીના ટૉપ ફાઇવમાં ચાર આઇટી શૅરો અને પાંચમા ક્રમે એચડીએફસી બૅન્ક હતા. ઘટવામાં ભારત ઇલેક્ટ્રૉનિક્સ ત્રણ ટકા તૂટી 270 રૂપિયા અને તાતા મોટર્સ સવાબે ટકા ઘટી 744 રૂપિયાના સ્તરે હતા. બૅન્કિંગ-ફાઇનૅન્સના આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફમાં છ ટકાનું ગાબડું પડતાં ભાવ 598 રૂપિયાના સ્તરે હતો. રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કૉર્પોરેશન (આરઈસી) 3 ટકા ઘટી 462 આરઈસી રહ્યો હતો. પીએનબી પોણાત્રણ ટકા ઘટી 97.89 રૂપિયા બંધ હતો. ગઈ કાલે ઘટેલો એમસીએક્સ આજે પોણાચાર ટકા વધી 5713 રૂપિયા તો ચોલામંડલમ ફાઇનૅન્સ પોણાત્રણ ટકાના ગેઇને 1271 રૂપિયા બંધ હતા. નિફ્ટી નેક્સ્ટ 50નો બજાજ હોલ્ડિંગ સાડાચાર ટકા વધી 11,271 રૂપિયાના સ્તરે વિરમ્યો હતો. ઘટવામાં લોઢા નામના ઉપયોગને લઈને ચાલતા ભાઈઓના વિવાદના કારણે મેક્રોટેક ડેવલપર્સ છ ટકાના ગાબડાએ 1077 રૂપિયા પર આવી ગયો હતો. હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ પોણાચાર ટકા ડાઉન થઈ 3901 રૂપિયા અને ડીએલએફ સવાચાર ટકાના ઘટાડે 713 રૂપિયા બંધ હતા. મિડકૅપ સિલેક્ટનો પોલિકૅબ પોણાસાત ટકાના ફોલે 6125 રૂપિયા અને ગોદરેજ પ્રૉપર્ટી 5.35 ટકા ઘટી 2239 રૂપિયાના સ્તરે બંધ હતા. પોલિકૅબનાં ત્રિમાસિક પરિણામ ધારણા કરતાં વધુ સારાં આવ્યાં હતાં. મૅનેજમેન્ટે સ્ટ્રૉન્ગ ગાઇડન્સ પણ આપ્યું હતું. પરસિસ્ટન્ટ 4.10 ટકાના લોસે 5655 રૂપિયા થઈ ગયો હતો. આ કંપનીનો ક્વૉર્ટર્લી દેખાવ પણ બજારની ધારણાનુસારનો હતો.