બારમેર સહિતના વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી બરફના કરા પડી રહ્યા છે અને ચણાના છોડને મોટી અસર થઈ છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
રાજસ્થાનમાં છેલ્લા બે દિવસ દરમ્યાન માઇનસ ૭ ડિગ્રી જેટલું તાપમાન અને અનેક વિસ્તારમાં બરફ વર્ષા થઈ હોવાથી ખેતી પાકોને મોટા પાયે નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. ખાસ કરીને રાયડો, ધાણા-જીરુ, ચણા સહિતના પાકનો સમાવેશ થાય છે. ઘઉંમાં પણ અમુક અંશે નુકસાનના સમાચાર આવી રહ્યા છે.
રાજસ્થાનમાં ચણા, રાયડો સહિતના પાક પર બરફ પડ્યો છે અને ઝાડ પર બરફના થર જામી ગયા છે. બારમેર સહિતના વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી બરફના કરા પડી રહ્યા છે અને ચણાના છોડને મોટી અસર થઈ છે. બિકાનેર, શિરોહી, શ્રીગંગાનગર, રવાલા સહિતના વિસ્તારમાં પણ બે-ત્રણ દિવસથી સતત બરફ પડી રહ્યો છે અને તાપમાન માઇનસ ૭ ડિગ્રી જેટલું પહોંચી ગયું હોવાથી સરેરાશ પાણી બરફ બની જાય એવી સ્થિતિ ઊભી થઈ છે. સિકરમાં પણ આવી જ સ્થિતિ છે. ફતેહપુર-શેખાવતી વિસ્તારમાં ઘઉંના ઊભા પાકને પણ અસર પહોંચી છે.