એક અહેવાલ મુજબ, ભારતમાં લક્ઝરી કાર (Luxury Cars) સેગમેન્ટ ઝડપથી વિસ્તરતા પેસેન્જર વ્હિકલ માર્કેટના માત્ર એક ટકા છે. જાણકારો મુજબ કોવિડ બાદ ઑટોમોબાઇલનું બજાર ખૂબ સમૃદ્ધ થઈ રહ્યું છે
લક્ઝરી કારની પ્રતીકાત્મક તસવીર
ઈલેક્ટ્રોનિક વસ્તુ હોય કે વાહન ભારતીય લોકો દિવાળી (Diwali 2023) અથવા દશેરા જેવા મોટા તહેવારોમાં નવી વસ્તુઓ લેવાનો આગ્રહ રાખે છે. આ તહેવારો દરમિયાન જ કંપનીઓ પણ વિવિધ ઑફર્સ સાથે ગ્રાહકોને આકર્ષિત કરે છે. તહેવારો દરમિયાન આખા દેશમાં લાખો ગાડીઓ વેચાય છે. ગાડીઓના વેચાણને લઈને એક ડેટા સામે આવ્યો છે, જેમાં ગુજરાતે મુંબઈને પાછળ છોડી દીધું છે. તમને જાણીને નવાઈ લાગશે કે દેશની આર્થિક રાજધાની કરતાં લક્ઝરી ગાડીઓનું વેચાણ ગુજરાતમાં વધુ થયું છે.
લક્ઝરી કાર્સનો પેસેન્જર વ્હિકલમાં માત્ર ૧ ટકાનો ફાળો
ADVERTISEMENT
એક અહેવાલ મુજબ, ભારતમાં લક્ઝરી કાર (Luxury Cars) સેગમેન્ટ ઝડપથી વિસ્તરતા પેસેન્જર વ્હિકલ માર્કેટના માત્ર એક ટકા છે. આ સેગમેન્ટ આગામી દાયકામાં યુવા ભારતીયોની વધતી સમૃદ્ધિ અને ખર્ચ કરવાની તેમની ઇચ્છાને કારણે નોંધપાત્ર પરિવર્તન માટે તૈયાર છે. જાણકારો મુજબ કોવિડ બાદ ઑટોમોબાઇલનું બજાર ખૂબ સમૃદ્ધ થઈ રહ્યું છે અને લક્ઝરી સેગમેન્ટમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળશે. લક્ઝરી સેગમેન્ટ વર્ષ ૨૦૨૩માં વ્યાપક બજાર કરતાં ત્રણ ગણી ઝડપથી વૃદ્ધિ પામી રહ્યું છે.
સામાન્ય કાર કરતાં લકઝરી કાર ભારતીય યુવાનોની પહેલી પસંદગી છે. લેન્ડમાર્ક કાર્સના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર આર્યમન ઠક્કરે (Landmark Cars Executive Director Aryaman Thakker) ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતા જણાવ્યું કે, "ભારતમાં યુવાનો હાઈ પરફોર્મન્સ વાહનો વધુ પસંદ કરે છે, જ્યારે પરિપક્વ લોકોનું વલણ સિડાન તરફ વધુ છે. ભારતમાં લક્ઝરી કારના વેચાણમાં વૃદ્ધિ પાછળ ઘણા પરિબળો છે. ભારતમાં ઘણા યુવાન ગ્રાહકો છે, જેઓ હવે લક્ઝરી કાર ખરીદી રહ્યા છે. મજાની વાત તો એ છે કે લક્ઝરી કારની વાત આવે ત્યારે પુરુષો કરતાં સ્ત્રી કસ્ટમર્સની સંખ્યા વધારે છે - અને આ ટ્રેન્ડ છેલ્લા એક વર્ષમાં આંખે ઉડીને વળે તે રીતે પ્રસર્યો છે. ખાસ કરીને કોવિડ-19 બાદ YOLO (You Only Live Once)નો ટ્રેન્ડ મજબૂત બન્યો છે અને લોકો બચતની માનસિકતામાંથી બહાર આવી ખર્ચ કરવા માટે તૈયાર છે. પહેલી કરા ખરીદતા હોય તો એ પણ પ્રિમિયમ લક્ઝરી કાર હોય એ રીતે બાયર્સની પસંદગી બદલાઇ રહી છે."
આર્યમન ઠક્કર - એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર લેન્ડમાર્ક કાર્સ
ગુજરાતીઓ લકઝરી કાર્સના શોખીન
તેમણે જણાવ્યા અનુસાર ગુજરાતમાં લક્ઝરી કારનું વેચાણ દેશમાં થયેલા કુલ વેચાણના ૩૪ ટકા છે, જ્યારે મુંબઈમાં આ આંકડો લગભગ અડધો માત્ર ૧૮ ટકા છે. સતત બદલાતા ટ્રેન્ડમાં પણ લોકો તહેવારોમાં હાઈ ઍન્ડ કાર ખરીદવાનું પસંદ કરે છે. પહેલીવાર કાર લેતા લોકો પણ સામાન્ય કાર લેવા કરતાં પોતાની પ્રથમ કાર પ્રીમિયમ લેવાનું પસંદ કરી રહ્યા છે. લોકો લાખો રૂપિયાની ગાડી લેવાનો નિર્ણય લેવામાં પણ લોકો વાર નથી લગાડતા એવું આર્યમન ઠક્કરનું અવલોકન છે.
એક સમયે ઔરંગાબાદમાં લક્ઝરી કાર્સની ગ્રૂપ પરચેઝ થઇ હતી અને બાદમાં આવી બલ્ક ડીલ ગુજરાતમાં પણ થઈ હતી, આ અંગે પુછતાં આર્યમને જણાવ્યું કે, "કોર્પોરેટમાં ગ્રૂપ પરચેઝના ચાન્સિઝ રહેલા છે. પશ્ચિમ ભારતમાં એસયુવી કાર્સનું માર્કેટ જોરમાં છે. આ સિવાય હોન્ડા એલેવેટ, એમજીની કાર્સ, જીએસી, જીએલઇ અને મેબેક જેવા ટોપ વ્હિકલ્સની ડિમાન્ડ વધારે છે."
તહેવારોમાં ૧૦ ટકાથી વધુનું વેચાણ
લેન્ડમાર્ક કાર્સે આપેલી માહિતી મુજબ મુંબઈમાં આખા વર્ષ દરમિયાન લક્ઝરી કાર્સના ૫૩૫૦ મોડલ વેચાય છે, જ્યારે તહેવારોના ગણતરીના દિવસો દરમિયાન ૫૫૦ લક્ઝરી કાર્સ વેચાય છે. આ વર્ષે દિવાળીમાં ૩૫૦ કાર્સનું બુકિંગ થયું હતું.
નાણાકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળાની કામગીરી પર લેન્ડમાર્ક કાર્સ લિમિટેડ (Landmark Cars Limited)ના પ્રમોટર અને એક્ઝિક્યુટિવ ચેરમેન સંજય ઠક્કરે જણાવ્યું કે, “ભારતમાં ઑટોમોટિવ રિટેલ ઉદ્યોગમાં પ્રીમિયમ અને લક્ઝરી વાહનોની માગ સતત વધી રહી છે. વેચાણ પછીના અને સ્પેર્સ વ્યવસાયે ઊંચી વૃદ્ધિ દર્શાવી હતી, જે એના અંદાજિત વ્યવસાયિક પ્રવાહ પર ભાર મૂકે છે અને આગામી ત્રિમાસિક ગાળામાં એની વૃદ્ધિ જાળવી રાખશે એવો સંકેત આપે છે. અમે સપ્ટેમ્બરથી આગળના ગાળામાં ઓઇએમ પાસેથી વાહનના પુરવઠામાં વધારો જોઈ રહ્યાં છીએ.”
તેમણે કહ્યું કે, “આગળ જતાં અમે નવા ઉત્પાદનો પ્રસ્તુત કરવા સાતત્યપૂર્ણ વૃદ્ધિ, ઑર્ગેનિક અને ઇનઑર્ગેનિક વિસ્તરણની ઊંચી પાઇપલાઇન તથા અમારી વાહનની રેન્જમાં સંપૂર્ણ સ્થિરતા જોઈએ છીએ, જેમાં વેચાણ પછી અને સેવામાં અમારો વ્યવસાય અને અગાઉથી માલિકી ધરાવતા વાહનના વેચાણના વ્યવસાયમાં પ્રવેશ મહત્વપૂર્ણ પરિબળ બની રહેશે.”
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સરખામણીએ મુંબઈનો આંકડો નાનો છે, છતાં દેશની આર્થિક રાજધાનીમાં લક્ઝરી કાર્સનું વેચાણ અગાઉના વર્ષ કરતાં ૧૨ ટકા વધ્યું છે.