કુલ રવી વાવેતર વિસ્તાર ગયા વર્ષની તુલનાએ ૪.૩૭ ટકા વધ્યો
પ્રતીકાત્મક તસવીર
દેશમાં કપાસ અને રૂના ભાવ સતત ઘટી રહ્યા છે અને ગુજરાતમાં સરેરાશ ભાવ ૨૦ કિલોના ૧૬૦૦ રૂપિયાની નજીક આવ્યા છે. આગામી દિવસોમાં ભાવ વધુ ઘટે એવી આગાહી આવી રહી છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે દેશમાં કોઈ પણ જગ્યાએ જો કપાસના ભાવ સરકારે નક્કી કરેલા મિનિમમ સપોર્ટ પ્રાઇસ-ટેકાના ભાવથી નીચે આવશે તો સરકાર દ્વારા તરત ખરીદી કરવામાં આવશે.
કૉટનની ખરીદીની કામગીરી સાથે સંકળાયેલાં સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં કપાસના ભાવ ટેકાનાં ભાવથી ઉપર ચાલી રહ્યા છે અને હાલમાં સરકારી ખરીદી એક પણ સેન્ટરમાં ચાલતી નથી. જો કપાસના ભાવ વધુ નીચા આવશે તો સરકાર દ્વારા તરત ખરીદી ચાલુ કરી દેવામાં આવશે. હાલમાં ખરીદીની કોઈ જરૂર નથી. સરકારે બધી તૈયારી કરી રાખી છે અને જરૂર લાગશે તો તરત જ ખરીદી શરૂ કરી દેવા માટેની તૈયારીઓ કરી લીધી છે.
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે ચાલુ સીઝન માટે કપાસના ટેકાના ભાવ ૬૦૮૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે ૨૦ કિલોના ૧૨૧૬ રૂપિયા જાહેર કરેલા છે. દેશમાં ઍવરેજ કૉટનના ભાવ તમામ મંડીઓના ટેકાના ભાવથી ઉપર જ ચાલી રહ્યા છે. કપાસના ભાવ નવેમ્બરમાં સરેરાશ ઊંચા હતા, પરંતુ ડિસેમ્બર મહિના દરમ્યાન એમાં એકધારો ઘટાડો આવ્યો છે.
દેશમાં કપાસના ભાવ સરેરાશ આગામી દિવસોમાં નીચા આવી શકે છે, પરંતુ ટેકાના ભાવથી નીચે આવે એવા સંજોગો હાલ દેખાતા નથી, પરંતુ વર્તમાન ઘટતી બજારમાં સરકારે તૈયારી કરી રાખી છે. આગામી દિવસોમાં કપાસની બજારમાં સરેરાશ લેવાલી અને જિનોની પૅરિટી ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલમાં મોટા ભાગની જિનોને ૨૦૦૦ રૂપિયાથી ઉપરની ડિસ્પેરિટી ચાલી રહી છે.