ખાદ્ય સચિવ કહે છે કે તુવેર ૧૧૧ રૂપિયાની ઉપર જશે તો કડક પગલાં લેવાશે
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
તુવેરની તેજીને રોકવા માટે સરકાર ઍક્શન મૂડમાં આવી છે. સરકાર તુવેરના ભાવ પર નજીકથી નજર રાખી રહી છે અને જો ભાવ વર્તમાન સ્તરે સ્થિર ન થાય તો એના પર કડક પગલાં લેવા તૈયાર છે.
ઉપભોક્તા બાબતોના વિભાગના સચિવ રોહિત કુમાર સિંહે જણાવ્યું હતું કે ‘સરકાર તુવેરના ભાવ વર્તમાન સ્તરે ૧૧૧ રૂપિયા પ્રતિ કિલો પર સ્થિર થવાની અપેક્ષા રાખે છે અને દરરોજ એના પર નજર રાખી રહી છે. જો તુવેરના ભાવ આનાથી ઉપર વધશે તો સરકાર કડક પગલાં લેશે અને ચોક્કસપણે તુવેરના ભાવ ૧૨૫થી ૧૩૦ રૂપિયા પ્રતિ કિલોની સપાટી પર નહીં જાય એની ખાતરી આપીએ છીએ.’
ADVERTISEMENT
તેમણે જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયા પરની અટકળો, વાસ્તવિકતાથી વિપરીત, કઠોળ અને અન્ય કૃષિ ચીજવસ્તુઓના ભાવમાં વધારો કરી રહી છે.
સટ્ટાકીય વેપારનો સામનો કરવા માટે તેમણે જણાવ્યું હતું કે સરકાર દેશભરનાં ૫૦૦ કેન્દ્રોમાંથી ૨૨થી વધુ ચીજવસ્તુઓના ઉત્પાદન અને કિંમતોની વિગતો એકત્રિત કરી રહી છે અને અફવાઓને દૂર કરવા માટે એને સરકારી પોર્ટલ પર દરરોજ અપડેટ કરે છે.
ભારતમાં કઠોળનાં ઉત્પાદન પર નજર રાખવા ઉપરાંત સરકાર ભારતમાં નિકાસ કરતા અન્ય દેશોના વિકાસ પર પણ નજર રાખી રહી છે. દાખલા તરીકે તેમણે કહ્યું કે મ્યાનમારે ૭.૫ લાખ ટન અડદની નિકાસ કરવાની ખાતરી આપી છે, જ્યારે કૅનેડા અને પૂર્વ આફ્રિકા પાસે ભારતમાં વેચાણ માટે મસૂરનો પૂરતો સ્ટૉક છે.