ક્રૂડ તેલનો ટૅક્સ ૨૧૦૦ રૂપિયાથી ઘટાડીને ૧૯૦૦ પ્રતિ ટન કરાયો
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારે ક્રૂડ તેલના વિન્ડફૉલ ટૅક્સમાં ફરી ઘટાડો કર્યો અને ડીઝલ અને એવિયેશન ફ્યુઅલની નિકાસ ડ્યુટી પણ ઘટાડી છે. એક સત્તાવાર આદેશ અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ તેલના ભાવમાં નરમાઈને અનુલક્ષીને સરકારે સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઑઇલ તેમ જ ડીઝલ અને એટીએફની નિકાસ પર લાદવામાં આવતા વિન્ડફૉલ પ્રૉફિટ ટૅક્સમાં ઘટાડો કર્યો છે.
ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન (ઓએનજીસી) જેવી કંપનીઓ દ્વારા ઉત્પાદિત ક્રૂડ ઑઇલ પરની વસૂલાત ૨૧૦૦ પ્રતિ ટનથી ઘટાડીને ૧૯૦૦ રૂપિયા પ્રતિ ટન કરવામાં આવી છે.
સરકારે ડીઝલની નિકાસ પરનો ટૅક્સ પણ ૬.૫ રૂપિયાથી ઘટાડીને પાંચ રૂપિયા પ્રતિ લીટર કર્યો છે અને એટીએફના નિકાસ શિપમેન્ટ પરનો ટૅક્સ ૪.૫ રૂપિયાથી ઘટાડીને ૩.૫ રૂપિયા પ્રતિ લિટર કર્યો છે. નવા ટૅક્સદર ૧૭ જાન્યુઆરીથી લાગુ થશે.
ADVERTISEMENT
સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઑઇલ પરનો વિન્ડફૉલ પ્રૉફિટ ટૅક્સ જુલાઈ ૨૦૨૨માં નવી વસૂલાત દાખલ કરવામાં આવ્યો ત્યારથી બીજો સૌથી નીચો છે. ડિસેમ્બર ૨૦૨૨ના બીજા પખવાડિયામાં ટૅક્સ ઘટીને ૧૭૦૦ રૂપિયા પ્રતિ ટન થઈ ગયો હતો.