સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર માર્કેટિંગ વર્ષ ૨૦૨૨-’૨૩ (એપ્રિલ-માર્ચ) માટે ઉત્પાદન અંદાજ ૧૧૨૨ લાખ ટનના અંદાજિત ઉત્પાદનમાંથી ૧૦થી ૨૦ લાખ ટન જેટલો ઘટાડો થવાની સંભાવના છે,
પ્રતિકાત્મક તસવીર
દેશમાં કમોસમી વરસાદને કારણે ઘઉંના પાકને નુકસાન થયું હોવાથી સરકાર સત્તાવાર રીતે ઘઉંના પાકનો અંદાજ ઘટાડે એવી સંભાવના છે. કૃષિ મંત્રાલયનાં સૂત્રોએ એસઍન્ડપી ગ્લોબલ કૉમોડિટી ઇનસાઇટ્સને જણાવ્યું હતું કે ‘ભારત સરકાર તેના ઘઉંના પાકના અંદાજને ઘટાડી શકે છે, કારણ કે કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ઘઉં ઉત્પાદક રાજ્યો પંજાબ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં ઘઉંના પાકને મોટું નુકસાન થયું હતું.’
કૃષિ મંત્રાલયે પાકને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે પ્રારંભિક સર્વે કરવાનું નક્કી કર્યું છે, એમ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર માર્કેટિંગ વર્ષ ૨૦૨૨-’૨૩ (એપ્રિલ-માર્ચ) માટે ઉત્પાદન અંદાજ ૧૧૨૨ લાખ ટનના અંદાજિત ઉત્પાદનમાંથી ૧૦થી ૨૦ લાખ ટન જેટલો ઘટાડો થવાની સંભાવના છે, જે એક રેકૉર્ડ પાક છે. જોકે, બજારના સહભાગીઓ ભારતના ઘઉંના પાકના અંદાજ વિશે શંકાસ્પદ છે. ૧૧ વિશ્લેષકો અને વેપારીઓના એસઍન્ડપી ગ્લોબલ સર્વે અનુસાર, ઘઉંનો પાક ૧૦૭૦થી ૧૦૮૦ લાખ ટન વચ્ચે જ થવાની ધારણા છે.
ADVERTISEMENT
એશિયામાં કેટલાક વેપાર સ્ત્રોતો પણ ઉત્પાદન ૯૨૦થી ૯૫૦ લાખ ટનની વચ્ચે થાય એવો અંદાજ મૂકે છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મુખ્ય ઘઉં ઉગાડતાં રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ અને બિહારમાં આગામી થોડા દિવસોમાં ફરીથી વધુ વરસાદ અને કરા પડવાની સંભાવના છે. વેપારી વર્તુળોનાં સૂત્રો ચિંતિત છે કે વધુ વરસાદ અને કરા પડવાથી પાકની ઉપજ અને ગુણવત્તાને નુકસાન થઈ શકે છે.
આ તબક્કે ભારે વરસાદ અને જોરદાર વાવાઝોડા ખેતરોમાં પાકેલા ઘઉંને અસર કરશે. જોકે, નુકસાનની હદ ચોક્કસ નથી એમ કૃષિ હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું. જ્યારે કાપણી હવે વિલંબિત થવાની તૈયારીમાં છે ત્યારે ઉપજના નુકસાનને સંતુલિત કરી શકાય છે, કારણ કે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ભાગોમાં ઘઉંના પાક હજી સંપૂર્ણ પરિપક્વ થયા નથી, એમ વૈજ્ઞાનિકે ઉમેર્યું હતું. આ રાજ્યોમાં ઘઉંની કાપણી એપ્રિલમાં થાય છે.
રાજસ્થાન રાજ્યના કૃષિ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે વિલંબિત કાપણી સાથે ઉપજના નુકસાનને સમાવી શકાય એવી શક્યતાઓ છે, જ્યારે ખુલ્લી જગ્યાઓમાં સંગ્રહિત પાકને સંપૂર્ણપણે નુકસાન થયું છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ઘઉંની કાપણી સામાન્ય સમય કરતાં વહેલી થાય છે. ઘઉંનું વાવેતર ઑક્ટોબર-નવેમ્બર દરમ્યાન થાય છે અને માર્ચ-એપ્રિલમાં કાપણી કરવામાં આવે છે.