દવાની સંપૂર્ણ સ્ટ્રિપની ફરજિયાત ખરીદી માત્ર તબીબી બગાડ તરફ દોરી જતી નથી, પરંતુ ગ્રાહકો પર બિનજરૂરી નાણાકીય બોજ પણ નાખે છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
કેમિસ્ટ દ્વારા ગ્રાહકોને ટૅબ્લેટ અથવા કૅપ્સ્યુલ્સની સંપૂર્ણ સ્ટ્રિપ ખરીદવાનો આગ્રહ રાખવાની ફરિયાદો વચ્ચે કેન્દ્ર ઉપભોક્તા હિતોના રક્ષણ માટે કોઈ ઉકેલ શોધવાના પ્રયાસ કરી રહ્યું છે અને ફાર્મા ઉદ્યોગ સાથે પરામર્શ કરી રહ્યું છે. દવાની સંપૂર્ણ સ્ટ્રિપની ફરજિયાત ખરીદી માત્ર તબીબી બગાડ તરફ દોરી જતી નથી, પરંતુ ગ્રાહકો પર બિનજરૂરી નાણાકીય બોજ પણ નાખે છે. ઉપભોક્તા બાબતોના વિભાગે ફાર્મા અને તબીબી ઉપકરણો ઉદ્યોગના વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે પરામર્શનો પ્રથમ રાઉન્ડ યોજ્યો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. આ બેઠકમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં આ મુદ્દા પર લાંબી ચર્ચા કરવામાં આવી હતી અને વિભાગે તેમને દવાઓ માટે નવી પૅકિંગ ટેક્નૉલૉજી શોધવાનું સૂચન કર્યું હતું. સ્ટ્રિપ કાપવા માટે પોર્ફોરેશન ટેક્નૉલૉજી અપનાવવાનું સૂચન ઉદ્યોગને કરવામાં આવ્યું હતું. સૂત્રોએ ઉમેર્યું હતું કે દરેક સ્ટ્રિપ પર મૅન્યુફૅક્ચરિંગ અને એક્સપાયરી ડેટ પ્રિન્ટ કરવાની અને ક્યુઆર કોડનો ઉપયોગ કરવાની પણ ભલામણ કરવામાં આવી હતી. ડિપાર્ટમેન્ટને ગ્રાહકની ઘણી ફરિયાદો મળી છે કે કેવી રીતે કેમિસ્ટો ૧૦ ટૅબ્લેટ અથવા કૅપ્સ્યુલ્સની આખી સ્ટ્રિપ વેચવાનો આગ્રહ રાખે છે અને તેમને ઓછી વેચવાનો ઇનકાર કરે છે.