મુંબઈમાં ચાંદી એક લાખ રૂપિયાને પાર : સોના અને ચાંદી સતત ચોથા દિવસે વધ્યાંઃ ઇઝરાયલે ગાઝા પરનું આક્રમણ વધાર્યું, ઉપરાંત લેબૅનન પર પણ આક્રમણ ચાલુ કર્યું
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ટ્રમ્પે બીજી એપ્રિલથી અમેરિકામાં આયાત થતાં ઑટોવેહિકલ અને વેનેઝુએલાથી ક્રૂડ આયાત કરતા દેશોથી આયાત થતી ચીજો પર ટૅરિફ વધારાની જાહેરાત કરતાં ટ્રેડવૉરનો ખોફ વધ્યો હતો. ઉપરાંત ઇઝરાયલે ગાઝા પર આક્રમણ વધાર્યા બાદ હવે લેબૅનન પર આક્રમણ શરૂ કરતાં જિયોપૉલિટિકલ ટેન્શન સતત વધી રહ્યું હોવાથી સોનું વર્લ્ડ માર્કેટમાં ફરી નવી ટોચે ૩૦૮૬.૨૧ ડૉલરે પહોંચ્યું હતું. સોનું વધતાં ચાંદી પણ વધીને ૩૪.૨૦ ડૉલરે પહોંચી હતી.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૭૪૭ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૧૧૭ રૂપિયા વધ્યો હતો. મુંબઈમાં ચાંદીનો ભાવ સતત ચોથે દિવસે વધીને ફરી એક લાખ રૂપિયાની સપાટીને પાર કરી ગયો હતો. સોના-ચાંદી મુંબઈમાં સતત ચોથે દિવસે વધ્યાં હતાં. સોનું છેલ્લા ચાર દિવસમાં ૧૪૪૫ રૂપિયા અને ચાંદી ચાર દિવસમાં ૩૪૮૫ રૂપિયા ઊછળ્યાં હતાં.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો ગ્રોથરેટ ૨૦૨૪ના ચોથા ક્વૉર્ટરના ફાઇનલ રીડિંગમાં ૨.૪ ટકા રહ્યો હતો જે અગાઉના બન્ને રીડિંગમાં ૨.૩ ટકા રહ્યો હતો અને અગાઉના ક્વૉર્ટરમાં ગ્રોથરેટ ૩.૧ ટકા રહ્યો હતો. ચોથા ક્વૉર્ટરમાં અમેરિકાની એક્સપોર્ટ ૦.૨ ટકા ઘટી હતી જે અગાઉના ક્વૉર્ટરમાં ૦.૫ ટકા ઘટી હતી જ્યારે ઇમ્પોર્ટ ૧.૯ ટકા ઘટી હતી જે અગાઉના ક્વૉર્ટરમાં ૧.૨ ટકા ઘટી હતી. ચોથા ક્વૉર્ટરમાં ગવર્નમેન્ટ એક્સપેન્ડિચર ૩.૧ ટકા વધ્યું હતું જે અગાઉના ક્વૉર્ટરમાં ૨.૯ ટકા વધ્યું હતું. ચોથા ક્વૉર્ટરમાં પર્સનલ કન્ઝમ્પ્શન ચાર ટકા વધ્યું હતું જે અગાઉના ક્વૉર્ટરમાં ૪.૨ ટકા વધ્યું હતું, જ્યારે પર્સનલ સ્પેન્ડિંગ ૬.૨ ટકા વધ્યું હતું જે અગાઉના ક્વૉર્ટરમાં ૬.૧ ટકા વધ્યું હતું. અમેરિકાનો કૉર્પોરેટ પ્રૉફિટ ૨૦૨૪ના ચોથા ક્વૉર્ટરમાં ૫.૯ ટકા વધ્યો હતો જે ત્રીજા ક્વૉર્ટરમાં ૦.૪ ટકા ઘટ્યો હતો.
અમેરિકાના નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ બાવીસ માર્ચે પૂરા થયેલા સપ્તાહના અંતે ૧૦૦૦ ઘટીને ૨.૨૪ લાખે પહોંચ્યા હતા જે માર્કેટની ૨.૨૫ લાખની ધારણા કરતાં નીચા રહ્યા હતા. અમેરિકાનાં એક્ઝિસ્ટિંગ રહેણાક મકાનોનું વેચાણ ફેબ્રુઆરીમાં બે ટકા વધ્યું હતું જે સતત ત્રણ મહિનાના ઘટાડા પછી વધ્યું હતું. ઉપરાંત આ વધારો છેલ્લા છ મહિનાનો સૌથી મોટો હતો. માર્કેટની ધારણા ૧.૫ ટકા વધારાની હતી એની સામે બે ટકા વધારો હતો.
યુરો એરિયાનો ઇકૉનૉમિક સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ માર્ચમાં ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ ૯૫.૨ પૉઇન્ટ રહ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૯૬.૩ પૉઇન્ટ અને માર્કેટની ધારણા ૯૭ પૉઇન્ટની હતી. યુરો એરિયાનું કન્ઝ્યુમર કૉન્ફિડન્સ પણ માર્ચમાં ૦.૯ પૉઇન્ટ ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ માઇનસ ૧૪.૫ પૉઇન્ટ રહ્યું હતું જ્યારે ઇન્ડસ્ટ્રિયલ કૉન્ફિડન્સ સુધરીને માઇનસ ૧૦.૬ પૉઇન્ટ રહ્યો હતો જે ફેબ્રુઆરીમાં માઈનસ ૧૧ પૉઇન્ટ હતો.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ટ્રમ્પના ટૅરિફવધારાનો ખોફ અને ઇઝરાયલ દ્વારા ગાઝા પર સતત વધી રહેલા આક્રમણથી સોના-ચાંદીમાં તેજીનો ધમધમાટ ફરી ચાલુ થયો છે. ટ્રમ્પે બીજી એપ્રિલથી અમેરિકામાં આયાત થતાં ઑટોવેહિકલ પરની ટૅરિફ લાગુ કરવાનું અને વેનેઝુએલાથી ક્રૂડ તેલ આયાત કરતા દેશો પર ટૅરિફવધારો લાગુ કરવાની જાહેરાતની બહુ મોટી અસર જોવા મળી રહી હોવાથી સોના-ચાંદીમાં સેફ હેવન ડિમાન્ડ સતત વધી રહી છે. ટૅરિફવધારાની અસર હજી આગામી એક સપ્તાહ ચાલુ રહેશે તેમ જ ઇઝરાયલનું આક્રમણ જે રીતે વધી રહ્યું છે એ જોતાં સંગ્રામ લાંબો ચાલશે. આથી
સોના-ચાંદીની તેજીને સપોર્ટ વધુ ને વધુ મળતો રહેશે.
ભાવતાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૯,૧૬૪
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૮,૮૦૭
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૧,૦૦,૮૯૨
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

