રશિયાના રક્ષણ માટે ન્યુક્લિયર શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપતાં જિયોપૉલિટિકલ ટેન્શન વધ્યું
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
યુદ્ધગ્રસ્ત યુક્રેન પર આક્રમણ વધારીને પશ્ચિમના દેશોને ન્યુક્લિયર શસ્ત્રો વાપરવાની ધમકી આપતાં જિયોપૉલિટિકલ ટેન્શન વધ્યું હતું, જેને કારણે સોનું-ચાંદી ઊછળ્યાં હતાં. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૩૮ અને ચાંદી પ્રતિ કિલો ૩૧૩ રૂપિયા વધ્યાં હતાં.
વિદેશી પ્રવાહ
ADVERTISEMENT
રશિયન પ્રેસિડન્ટ પુતિને યુક્રેનને પછાડવા વધુ આક્રમક રવૈયો અપનાવવાની જાહેરાત કરતાં જિયોપૉલિટિકલ ટેન્શન વધ્યું હતું, જેને કારણે અમેરિકી ડૉલર અને સોનાનું સેઇફ હેવન સ્ટેટ્સ મજબૂત બન્યું હતું. ડૉલરનું મૂલ્ય ૦.૪૧ ટકા વધ્યું હતું, જ્યારે સોનું ઘટ્યા મથાળેથી સાંજ સુધીમાં ૧૦ ડૉલર ઊછળ્યું હતું. સોનું વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ચાઇનીઝ ઇકૉનૉમી કોરોનાના સતત મારથી નબળી પડી રહી છે. યુઆનનું મૂલ્ય અમેરિકન ડૉલર સામે ૨૬ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના ઇન્ટરેસ્ટ રેટ ઘટાડી રહી છે એની સામે અમેરિકન ફેડરલ રિઝર્વ ઇન્ટરેસ્ટ રેટમાં સતત વધારો કરી રહ્યું છે. વળી કોરોનાનાં નિયંત્રણો અને લૉકડાઉનને કારણે ચીનમાં ઇકૉનૉમિક ગ્રોથ નીચે જઈ રહ્યો છે. ઝીરો કોવિડ પૉલિસીને કારણે ઇન્ડસ્ટ્રીઝ અને બિઝનેસ સતત ડર હેઠળ રહેતા હોવાથી ગ્રોથ પ્રોસ્પેક્ટ ઘટી રહ્યાં છે. ચાઇનીઝ ગવર્મેન્ટ ઇકૉનૉમીને બેઠી કરવા સતત પ્રયત્ન કરી રહી છે, પણ એસ્ટ્રનલ ફેક્ટર વિરુદ્ધ હોવાથી તમામ માર્કેટમાં નિરાશા વ્યાપી છે.
અમેરિકામાં બિલ્ડિંગ-પરમિટ ઑગસ્ટમાં ૧૦ ટકા ઘટીને ૧૫.૧૭ લાખે પહોંચી હતી જે માર્કેટની ૧૬.૧૦ લાખની ધારણા કરતાં ઓછી હતી અને બિલ્ડિંગ-પરમિટનો ઘટાડો ૨૯ મહિનાનો સૌથી મોટો હતો અને બિલ્ડિંગ-પરમિટ ૨૭ મહિનાની નીચી સપાટીએ પહોંચી હતી. સિંગલ ફૅમિલી બિલ્ડિંગની પરમિટ ૩.૫ ટકા ઘટી હતી, જ્યારે ફાઇવ યુનિટના બિલ્ડિંગની પરમિટ ૧૮.૫ ટકા ઘટી હતી. અમેરિકાના તમામ પ્રોવિન્સમાં બિલ્ડિંગ-પરમિટ ઘટી હતી, જેમાં નૉર્થ-ઈસ્ટ પ્રોવિન્સમાં સૌથી વધુ બિલ્ડિંગ-પરમિટ ઘટી હતી. અમેરિકાનો હાઉસિંગ સ્ટાર્ટ ઇન્ડેક્સ ઑગસ્ટમાં ૧૨.૨ ટકા વધીને ૧૫.૭૫ લાખે પહોંચ્યો હતો. હાઉસિંગ સ્ટાર્ટમાં છેલ્લા ૧૮ મહિનાનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો.
ઑસ્ટ્રેલિયાના લીડિંગ ઇકૉનૉમિક ઇન્ડેક્સ ઑગસ્ટમાં સતત પાંચમા મહિને ૦.૧ ટકા ઘટ્યો હતો જે જુલાઈમાં ૦.૨ ટકા ઘટ્યો હતો. આગામી છ મહિનાના ગ્રોથનું પ્રોસ્પેક્ટ બતાવતો ઇન્ડેક્સ પણ ઑગસ્ટમાં ઘટીને માઇનસ ૦.૩૬ ટકા હતો જે જુલાઈમાં માઇનસ ૦.૪૯ ટકા હતો. ઇકૉનૉમિસ્ટોની ધારણા પ્રમાણે ઑસ્ટ્રેલિયાનો ગ્રોથરેટ સપ્ટેમ્બર ક્વૉર્ટરના અંતે ૧.૧ ટકા રહેશે, જ્યારે ડિસેમ્બર ક્વૉર્ટરને અંતે ૦.૬ ટકા રહેશે.
ઑસ્ટ્રેલિયન ડૉલરનું મૂલ્ય ઘટીને ૨૭ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું જેને પગલે રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાના ડેપ્યુટી ગવર્નરે જણાવ્યું હતું કે હવે પછી ઇન્ટરેસ્ટ રેટ વધારાની ગતિ ધીમી કરાશે. બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાએ ઇન્ટરેસ્ટ રેટમાં સતત વધારો કરીને હાલ બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટના સાત વર્ષની ઊંચાઈએ ૨.૩૫ ટકાએ પહોંચાડ્યા છે. ફેડ દ્વારા સતત વધારાઈ રહેલા ઇન્ટરેસ્ટ રેટને કારણે તમામ દેશોની સેન્ટ્રલ બૅન્કોને ઇન્ટરેસ્ટ રેટ વધારવાની ફરજ પડી રહી છે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
રશિયન પ્રેસિડન્ટ પુતિને આગઝરતું નિવેદન કરતાં અને ન્યુક્લિયર શસ્ત્રો વાપરવાની ધમકી આપતાં સમગ્ર વિશ્વમાં નવેસરથી ટેન્શન વધ્યું હતું. પુતિને અમેરિકા સહિત તમામ પશ્ચિમના દેશોને ધમકી આપી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે જ્યારથી યુદ્ધ ચાલુ થયું છે ત્યારથી અમેરિકા સહિત અનેક પશ્ચિમી દેશો રશિયા પર આર્થિક પ્રતિબંધ લગાવી દબાણ વધારી રહ્યા છે, જેના પ્રતિભાવમાં પુતિને જણાવ્યું હતું કે રશિયા કોઈ દબાણ સાંખી નહીં લે અને રશિયાના હિત માટે ન્યુક્લિયર શસ્ત્રોનો ઉપયોગ કરતાં ખચકાશે નહીં. પુતિનના નિવેદને બાદ અમેરિકી ટ્રેજરી યીલ્ડ ઘટ્યાં હતાં, પણ ડૉલરનું સેઇફ હેવન સ્ટેટ્સ વધતાં સુધારો જોવા મળ્યો હતો. રશિયાનું આક્રમક વલણ જો ઘર્ષણને આગળ વધારશે તો સોનાનું સેઇફ હેવન સ્ટેટ્સ મજબૂત બનતાં ભાવ વધી શકે છે. ઉપરાંત સોનું વધુપડતું ઘટ્યું છે, આથી આ નવું કારણ સોનામાં સમાન્ય કરતાં વધુ ઉછાળો લાવશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૪૯,૬૦૬
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૪૯,૪૦૭
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૫૬,૬૬૭
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)