ફેડની બે દિવસીય મીટિંગ બાદ આજે થનારી જાહેરાતો પર બુલિયન માર્કેટની નજર
સોનું-ચાંદીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ટ્રમ્પે કમ્પ્યુટર ચિપ્સ, ફાર્મા અને મેટલ આઇટમોની આયાત પર ટૅરિફ લાગુ કરતાં ટ્રેડવૉર વધુ આક્રમક બનવાની શક્યતાએ સોનામાં મજબૂતી વધી હતી. જોકે ટૅરિફ લાગુ કરતાં ડૉલરની મજબૂતી વધતાં ચાંદી ઘટી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૮૪ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૫૨૪ રૂપિયા ઘટ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં સોનું સોમવારે પ્રત્યાઘાતી ઘટતાં એની અસરે મુંબઈમાં સોનાનો ભાવ ઘટ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ADVERTISEMENT
ડોનલ્ડ ટ્રમ્પે સ્થાનિક મૅન્યુફૅક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝને વાઇબ્રન્ટ બનાવવા કમ્પ્યુટર ચિપ્સ, ફાર્માસ્યુટિકલ અને સ્ટીલ-કૉપર, ઍલ્યુમિનિયમ આઇટમો પર ટૅરિફ લાગુ કરી હતી. ટ્રમ્પના આ નિર્ણયને પગલે અમેરિકન ઇન્ડસ્ટ્રીઝને બૂસ્ટ મળવાની શક્યતાને કારણે મંગળવારે ડૉલર ઇન્ડેક્સ ૦.૫૫ ટકા વધીને ૧૦૭.૯૮ પૉઇન્ટ સુધી વધ્યો હતો. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની ચાલુ સપ્તાહે યોજાનારી મીટિંગમાં પચીસ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ નિશ્ચિત હોવાથી યુરો નબળો પડતાં ડૉલરને સપોર્ટ મળ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ વધતાં ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ ૦.૦૨૩ ટકા વધીને ૪.૫૫૧ ટકાએ પહોંચ્યાં હતાં.
અમેરિકન ફેડની બે દિવસની મીટિંગ ચાલુ થઈ ચૂકી છે અને બુધવારે ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલની પ્રેસ-કૉન્ફરન્સમાં ઇન્ટરેસ્ટ રેટ યથાવત રહેવાની જાહેરાત મોટે ભાગે થશે, પણ ટ્રમ્પે વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાની અપીલ કરતાં ૨૦૨૫માં ફેડનું ઇન્ટરેસ્ટ રેટ બાબતે શું સ્ટૅન્ડ રહેશે એ વિશેની જાહેરાત પર બધાની નજર મંડાયેલી છે. આ ઉપરાંત ફેડનું ગ્રોથરેટ અને ઇન્ફ્લેશન વિશેનું પ્રોજેક્શન પણ રજૂ થશે.
અમેરિકામાં નવાં રહેણાક મકાનોનું વેચાણ ડિસેમ્બરમાં ૩.૬ ટકા વધીને ચાર મહિનાની ઊંચી સપાટીએ ૬.૯૮ લાખે પહોંચ્યું હતું જેના વિશે માર્કેટની ધારણા ૬.૭૦ લાખની હતી. અમેરિકામાં મૉર્ગેજ રેટ સતત વધી રહ્યા હોવા છતાં મકાનોનું વેચાણ વધવું એ ઇકૉનૉમિક કન્ડિશન સ્ટ્રૉન્ગ બની રહ્યાનો સંકેત છે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ટ્રમ્પે કંબોડિયા પર રાતોરાત ટૅરિફ લગાડીને કંબોડિયાને જે રીતે ઝુકાવ્યું એ જોતાં હવે વર્લ્ડમાં અમેરિકન ટૅરિફનો ખોફ વધી રહ્યો છે. કૅનેડા-મેક્સિકો, ચીનથી આયાત થતી ચીજો પર ટૅરિફ લગાડ્યા બાદ યુરોપિયન ચીજો પર પણ ટૅરિફ લગાવવાની ધમકી ટ્રમ્પે ઑલરેડી આપી દીધી છે. અમેરિકામાં આયાત થતી કમ્પ્યુટર ચિપ્સ, ફાર્મા-સ્ટીલ પ્રોડક્ટ પર વધારાની ટૅરિફ લગાડી દીધા બાદ હજી અનેક દેશો પર અનેક પ્રકારની ટૅરિફ લાગુ પાડવાની જાહેરાતનો સિલસિલો ચાલુ થશે જેને કારણે વર્લ્ડમાં ટ્રેડવૉર જામશે. ટ્રમ્પની અગાઉની ટર્મમાં પણ ટૅરિફ વધારવાનું શસ્ત્ર વારંવાર અજમાવવામાં આવ્યું હતું જેને કારણે ઊભા થયેલા ટ્રેડવૉરથી ટ્રમ્પના ચાર વર્ષના શાસનમાં સોનું બાવન ટકા વધ્યું હતું. ટ્રમ્પની અગાઉની ટર્મમાં સોનું ૧૨૦૯ ડૉલરથી વધીને ૧૮૩૯ ડૉલરે પહોંચ્યું હતું, જ્યારે ટ્રમ્પ બીજી વખત પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા એની જાહેરાત થઈ ત્યારે સોનું ૨૬૬૦ ડૉલર હતું એ વધીને ૨૭૮૬.૮૦ ડૉલરે પહોંચ્યું હતું. આમ ટ્રમ્પની જીત બાદના પોણાત્રણ મહિનામાં સોનું ૧૧૬ ડૉલર વધ્યું હતું, જ્યારે ટ્રમ્પના શપથવિધિના પ્રથમ સપ્તાહમાં સોનું ૮૦ ડૉલર વધ્યું હતુ. આમ ટ્રમ્પના શાસનની હિસ્ટરી સોના માટે અત્યાર સુધી પૉઝિટિવ રહી છે. ટ્રમ્પની કન્ટ્રોવર્શિયલ અને અમેરિકા ફર્સ્ટ પૉલિસીથી અનેક પ્રકારનાં ટેન્શન ઊભાં થશે એ સ્પષ્ટ દેખાતું હોવાથી સોનું વધે-ઘટે સતત નવી ઊંચાઈ તરફ આગળ વધશે.

