ટ્રમ્પે ગાઝાને ખાલી કરીને અમેરિકા દ્વારા કબજો લેવાની કમેન્ટથી જિયોપૉલિટિકલ ટેન્શન વધવાની ધારણા
સોનું-ચાંદીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સોનામાં પાંચ દિવસથી આગળ ધપતી તેજી ગુરુવારે થોડી ધીમી પડી હતી, પણ ટ્રમ્પે ગાઝાને ખાલી કરીને અમેરિકા દ્વારા કબજો લેવાની કન્ટ્રોવર્શિયલ જાહેરાત કરતાં સોનામાં તેજીનું મોમેન્ટમ જળવાયેલું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૪ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૬૬૩ રૂપિયા ઘટ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ADVERTISEMENT
અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરમાં જાન્યુઆરીમાં ૧.૮૩ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી જે ડિસેમ્બરમાં ૧.૭૬ લાખ ઉમેરાઈ હતી અને માર્કેટની ધારણા ૧.૫૦ લાખની હતી. ટ્રેડ, ટ્રાન્સપોર્ટ, યુટિલિટી, ઇન્ફર્મેશન, બિઝનેસ સર્વિસિસ, ફાઇનૅન્શિયલ સેક્ટરમાં નોકરીઓ વધી હતી. અમેરિકાની એક્સપોર્ટ ડિસેમ્બરમાં ૨.૬ ટકા ઘટી હતી અને ઇમ્પોર્ટ ૩.૫ ટકા વધી હતી જેને કારણે ટ્રેડ ડેફિસિટ વધીને ૯૮.૪ અબજ ડૉલરે પહોંચી હતી જે નવેમ્બરમાં ૭૮.૯ અબજ ડૉલર હતી અને માર્કેટની ધારણા ૯૬.૬ અબજ ડૉલરની હતી. અમેરિકાનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ જાન્યુઆરીમાં ઘટીને ૫૨.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૫૪ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૪.૩ પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ વધીને ૫૧.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો, પણ અમેરિકાની ઇકૉનૉમીમાં સર્વિસ સેક્ટરનું વેઇટેજ ૭૭.૬ ટકા હોવાથી પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ઘટીને નવ મહિનાની નીચી સપાટીએ ૫૨.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૫૫.૪ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૨.૪ પૉઇન્ટની હતી. અમેરિકી ડૉલર ઇન્ડેક્સ બેતરફી સમાચારોને પગલે ૧૦૭.૫૪થી ૧૦૭.૭૫ પૉઇન્ટની રેન્જમાં વધ-ઘટ થયો હતો. અમેરિકા અને ચીને એકબીજાના દેશોમાંથી આયાત થતી ચીજો પર ટૅરિફ લાગુ કરી હોવા છતાં આ મુદ્દે ટૂંકમાં સમાધાન થવાનું નક્કી મનાતું હોવાથી ડૉલર પર અસર ડિસ્કાઉન્ટ થઈ ચૂકી છે. પ્રાઇવેટ સેક્ટરનો જૉબડેટા ધારણાથી વધુ સ્ટ્રૉન્ગ આવતાં ફરી એક વખત રેટ-કટના ચાન્સ ઘટ્યા હતા. બૅન્ક ઑફ જપાનના મેમ્બરોમાં હવે ઇન્ટરેસ્ટ-રેટ વધારા વિશે સહમતિ વધી રહી હોવાથી અનેક મેમ્બરો દ્વારા ઇન્ટરેસ્ટ-રેટ વધારવા વિશે અપીલ થઈ રહી હોવાથી જૅપનીઝ યેન સતત મજબૂત થઈ રહ્યો હોવાથી એની અસર પણ ડૉલર ઇન્ડેક્સ પર થઈ રહી છે. યુરો એરિયાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ જાન્યુઆરીમાં વધીને ૪૬.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૪૫.૧ પૉઇન્ટ હતો, જ્યારે સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઘટીને ૫૧.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૫૧.૬ પૉઇન્ટ હતો. મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ વધતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ છેલ્લા પાંચ મહિનામાં પહેલી વખત વધીને ૫૦.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૪૯.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો અને માર્કેટની ધારણા ૪૯.૭ પૉઇન્ટની હતી.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
અમેરિકાના ટૉપ લેવલનાં લગભગ તમામ અખબારોમાં ડોનલ્ડ ટ્રમ્પના આક્રમક અંદાજની ભારે ટીકા થઈ રહી છે. ધ વૉશિંગ્ટન પોસ્ટના લેટસ્ટ અંકમાં ડોનલ્ડ ટ્રમ્પનાં બે સપ્તાહના કાર્યકાળને મોસ્ટ ડેમેજિંગ સમય બતાવીને કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પની પહેલી ટર્મમાં અમેરિકા માંડ-માંડ બચી શક્યું હતું, પણ ટ્રમ્પની બીજી ટર્મમાં અમેરિકાની સ્થિતિ ખરાબમાં ખરાબ બનશે અને હવે અમેરિકાને તૂટતું કોઈ બચાવી નહીં શકે. અમેરિકાની અધોગતિ ચાલુ થઈ ચૂકી છે અને એમાં સુધારો થવાની કોઈ શક્યતા નથી. વૉલ સ્ટ્રીટ જનરલ, વૉશિંગ્ટન ટાઇમ્સ, યુએસએ ટુડે, ફાઇનૅન્શિયલ ટાઇમ્સ સહિતનાં તમામ અખબારો ટ્રમ્પના દરેક નિર્ણયોની ખરાબ અસરો વિશે વિસ્તૃત છણાવટ કરી રહ્યાં છે. લેટેસ્ટ ગાઝામાં વસતા પૅલેસ્ટીન નાગરિકોને શહેર ખાલી કરીને બીજે રહેવા જવાનું અને ગાઝા પર અમેરિકા કબજો જમાવશે એવી ટ્રમ્પની જાહેરાત વિશે ભારે ટીકાઓ થઈ રહી છે. અમેરિકાનાં અખબારોની વિસ્તૃત છણાવટ અને તારણ બતાવે છે કે આગામી દિવસોમાં મોટી ક્રાઇસિસ ઊભી થશે જેનાથી સોનામાં સેફ હેવન ડિમાન્ડ મોટા પ્રમાણમાં વધશે.
ભાવતાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૪,૬૧૩
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૪,૨૭૪
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૪,૭૬૨
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

