ડૉલર અને ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ ઘટતાં સોનામાં ઘટેલા ભાવે ખરીદીનું આકર્ષણ યથાવત્
પ્રતિકાત્મક તસવીર
ફેડની મે મહિનાની મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધવા અંગેની મેમ્બરોની કમેન્ટને પગલે સોનામાં ઊંચા મથાળે પ્રૉફિટ બુકિંગ જોવા મળતાં ભાવ ઘટ્યા હતા. જોકે ડૉલર અને ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ ઘટતાં સોનામાં ખરીદીનું આકર્ષણ યથાવત્ રહ્યું હતું. ગુડફ્રાઇડે નિમિતે લોકલ અને ફૉરેનની જ્વેલરી માર્કેટો બંધ હતી.
વિદેશી પ્રવાહ
અમેરિકન ફેડના મોટા ભાગના મેમ્બરોની કમેન્ટમાં ઇન્ટરેસ્ટ રેટ વધારો ચાલુ રહેશે એવો સૂર નીકળતાં સોનામાં ઊંચા મથાળે પ્રૉફિટ બુકિંગ જોવા મળ્યું હતું. જોકે અમેરિકાના ઇકૉનૉમિક ડેટા સતત નબળા આવી રહ્યા હોવાથી માર્ચ મહિનાના નૉન ફાર્મ પે-રોલ ડેટા નબળા આવશે તો સોનામાં મોટો ઉછાળો આવશે એવું માર્કેટ ઍનલિસ્ટો માની રહ્યા છે. સોનું શુક્રવારે વધીને ૨૦૨૧.૭૦ ડૉલર થયા બાદ પ્રૉફિટ બુકિંગને પગલે ઘટીને ૨૦૦૮થી ૨૦૦૯ ડૉલર સુધી ઘટ્યું હતું. જોકે ડૉલર અને ટ્રેઝરી યીલ્ડ ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ ઘટ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ગ્લોબલ સપ્લાય ચેઇન પ્રેશર ઇન્ડેક્સ માર્ચમાં ઘટીને ૧૩ વર્ષની નીચી સપાટીએ માઇનસ ૧.૦૬ પૉઇન્ટે પહોંચ્યો હતો. ગ્લોબલ સપ્લાય ચેઇન પ્રેશર ઇન્ડેક્સ વૈશ્વિક વેપારની સ્થિતિને બતાવે છે કે આ ઇન્ડેક્સ ૧૩ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો છે અને વર્લ્ડ હવે રિસેશનની એકદમ નજીક પહોંચી ગયું છે. ગ્લોબલ સપ્લાય ચેઇનના ઘટાડામાં નેગેટિવ કન્ટ્રિબ્યુશન યુરોપિયન દેશોનું બન્યું છે. યુરોપિયન એરિયામાં બ્લૅકલૉગ સતત વધી રહ્યું છે.
અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરમાં માર્ચ મહિનામાં ૧.૪૫ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી જેને વિશેની ધારણા ૨.૧૦ લાખની હતી. ફેબ્રુઆરીમાં ૨.૧૬ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. અમેરિકાની ઇકૉનૉમીમાં સર્વિસ સેક્ટરનો હિસ્સો ૭૭.૬ ટકા હોવાથી સર્વિસ સેક્ટરમાં ધારણાથી ઓછી માત્ર ૭૫,૦૦૦ નવી નોકરીઓ ઉમેરાઈ હોવાથી પ્રાઇવેટ સેક્ટરનો જૉબ રિપોર્ટ નબળો આવ્યો હતો. સ્મૉલ બિઝનેસમાં ૧.૦૧ લાખ, મિડ સાઇઝ બિઝનેસમાં ૩૩ હજાર અને મેગા બિઝનેસમાં માત્ર ૧૦,૦૦૦ નોકરીઓ માર્ચમાં ઉમેરાઈ હતી.
અમેરિકામાં નવું બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ૧ એપ્રિલે પૂરા થયેલા સપ્તાહના અંતે ૧૮ હજાર ઘટીને ૨.૨૮ લાખે પહોંચી હતી, જેમાં અગાઉના સપ્તાહે પાછળથી બાવન હજારનો વધારો થયો હતો. ગવર્મેન્ટ ઑથોરિટીએ રિપોર્ટિંગ ૧.૯૬ લાખનું કર્યું હતું, પણ વાસ્તવમાં બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ૨.૪૮ લાખની હતી. કાયમી બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ૧ એપ્રિલે પૂરા થયેલા સપ્તાહના અંતે ૧૭,૨૬૨ ઘટીને ૨.૦૬ લાખે પહોંચી હતી. બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા હાલ અગાઉના સપ્તાહથી ઘણી ઊંચી છે.
અમેરિકામાં માર્ચમાં ૮૯,૭૦૩ લોકોએ નોકરી ગુમાવી હતી, જેમાં ફેબ્રુઆરીની સરખામણીમાં ૧૫ ટકાનો અને ગયા વર્ષના માર્ચની સરખામણીમાં ૩૧૯ ટકાનો વધારો થયો છે. ફેબ્રુઆરીમાં ૭૭,૭૭૦ લોકોએ અને ગયા વર્ષે માર્ચમાં ૨૧,૩૮૭ લોકોએ નોકરી ગુમાવી હતી. અમેરિકામાં સતત ત્રીજે મહિને નોકરી ગુમાવનારાઓની સંખ્યા વધી હતી. જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન કુલ ૨,૭૦,૪૧૬ લોકોએ નોકરી ગુમાવી હતી જે ગયા વર્ષના જાન્યુઆરી-માર્ચ તબક્કા કરતાં ૩૯૬ ટકા વધારે હતી. સૌથી વધારે ટેકનૉલૉજી કંપનીઓમાં કામ કરનારાઓએ નોકરી ગુમાવી હતી. ત્યાર બાદ ફાઇનૅન્શિયલ કંપનીઓ અને હેલ્થકૅર કંપનીઓમાં કામ કરનારાઓએ નોકરી ગુમાવી હતી.
ચીનમાં કોરોનાનાં નિયંત્રણો દૂર થયા બાદ ઇકૉનૉમિક ગ્રોથ ઝડપી બનતાં એની સીધી અસર શૅરમાર્કેટમાં જોવા મળી છે. ચાઇનીઝ સ્ટૉક ઇન્ડેક્સમાં સતત ચાર સપ્તાહથી વીકલી ગેઇન જોવા મળે છે. શુક્રવારે ચાઇનીઝ સ્ટૉક ઇન્ડેક્સ વધીને ખૂલતાં ચાલુ સપ્તાહમાં પણ દોઢ ટકાથી વધુ સુધારો જોવા મળ્યો છે. ઍરબસ કંપનીએ ચાઇનીઝ પ્રોડક્શન યુનિટનમાં ઉત્પાદન ડબલ કરવાની જાહેરાત કરી હતી. અગાઉ ઍપલ કંપનીએ પણ ચાઇનીઝ યુનિટમાં પ્રોડક્શન વધારવાની જાહેરાત કરી હતી. અમેરિકા અને ચીન વચ્ચે વારંવાર ઊભા થતા ટેન્શન છતાં અનેક ફૉરેન કંપનીઓ ચીનમાં એક્સપાન્શન મોડમાં હોવાથી ચાઇનીઝ શૅરબજાર સતત વધી રહ્યું છે.
ચીન અને અમેરિકા વચ્ચે ટેન્શન સતત વધી રહ્યું છે. ચીને અમેરિકા ખાતે રહેલા તાઇવાનના ઍમ્બૅસૅડર અને તેના ફૅમિલી પર હૉન્ગકૉન્ગ, મકાઉ અને ચાઇનીઝ મેઇનલૅન્ડમાં પ્રવેશવા પર પ્રતિબંધ લાદી દીધો છે. તાઇવાન પ્રેસિડન્ટ તસાઇ ઇંગવેનેની અમેરિકન હાઉસ સ્પીકર સાથેની મીટિંગ બાદ ચીન ઑથોરિટી દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. તાઇવાન પર ચીનનો કબજો હોવાથી અમેરિકા સાથે વધતાં રિલેશનથી ચીન ભડક્યું છે.
જપાનનું ઇન્ફ્લેશન ૪૧ વર્ષની ઊંચાઈએ હોવા છતાં પર્સનલ સ્પેન્ડિંગ ફેબ્રુઆરીમાં ૧.૬ ટકા વધ્યું હતું જે જાન્યુઆરીમાં ૦.૩ ટકા ઘટ્યું હતું, પણ માર્કેટની ૪.૩ ટકા વધારાની ધારણા કરતાં પર્સનલ સ્પેન્ડિંગ ઓછું રહ્યું હતું. છેલ્લા પાંચ મહિનામાં પર્સનલ સ્પેન્ડિંગમાં આ પહેલો વધારો થયો હતો. ખાસ કરીને હાઉસિંગ, મેડિકલ કૅર, ક્લોથિંગ, ફુટવૅર, ફ્યુઅલ, લાઇટ, વૉટર ચાર્જિસ, કલ્ચર-રિક્રીએશન અને ટ્રાન્સપોર્ટેશન-કમ્યુનિકેશનમાં પર્સનલ સ્પેન્ડિંગ વધ્યું હતું. જોકે એજ્યુકેશન અને ફર્નિચર-હાઉસહોલ્ડમાં પર્સનલ સ્પેન્ડિંગ ઘટ્યું હતું. જપાનમાં સતત ૧૪મા મહિને વર્કરોના અપાતાં વેતનમાં વધારો થયો હતો. ફેબ્રુઆરીમાં વેતન ૧.૧ ટકા વધ્યું હતું જે જાન્યુઆરીમાં ૦.૮ ટકા વધ્યું હતું.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ ૩૪ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા બાદ જૉબ ઓપનિંગ ઇન્ડેક્સ ૨૨ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે સર્વિસ સેક્ટરનો ગ્રોથ પણ ઘટ્યો હતો અને હવે પ્રાઇવેટ સેક્ટરનો જૉબ રિપોર્ટ નબળો આવ્યો છે. બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યામાં એક સપ્તાહમાં બાવન હજારનો વધારો થયાનો રિપોર્ટ છે. બૅન્કિંગ ક્રાઇસિસ બાદ બૅન્કો પર અમેરિકન પબ્લિકનો વિશ્વાસ ચાલુ રાખવા ગવર્મેન્ટ તિજોરી ખુલ્લી મૂકતાં ફક્ત બે સપ્તાહમાં અમેરિકન ગવર્મેન્ટ તિજોરીમાંથી ૧૦૧ અબજ ડૉલર સ્વાહા થઈ ચૂક્યા હોવાનો રિપોર્ટ આવ્યો છે. આમ અમેરિકન ગવર્મેન્ટ બૅલૅન્સ-શીટ પણ ટાઇટ બની રહી છે જે પણ એક ચિંતાનો વિષય બન્યો છે. અમેરિકાની નબળી પડતી ઇકૉનૉમી ડૉલરને આગળ જતાં વધુ ઘટાડશે જે સોનાની તેજીને આગળ વધારવામાં મહત્ત્વનો ભાગ ભજવશે.